ડેપ્યુટી મેયરે 3 પત્ર લખ્યા છતાં ભૂગર્ભ ગટરના કામ થતા નથી

  • કામ તો દૂરની વાત રહી શું કાર્યવાહી કરી તેની જાણ પણ કરી નથી
  • પદાધિકારીના જ કામ થતા ન હોય તો લોકોના તો ક્યાંથી થાય ?

જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરે ત્રણ-ત્રણ પત્ર લખ્યા બાદ પણ ભૂગર્ભ ગટરના કામ થતા ન હોય આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉભા થયા છે. કામ તો દૂરની વાત રહી શું કાર્યવાહી કરી તેની જાણ પણ કરી નથી. પદાધિકારીઓના કામ થતા ન હોય શહેરીજનોના તો થાય જ નહીં. જામ્યુકોના ડેપ્યુટી મેટર તપન પરમારે કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વોર્ડ નં.11 માં ડી.આર.અગ્રવાલ દ્વારા જે ભૂગર્ભ ગટરનું કામ કરાવામાં આવ્યું છે. આ બાબતે પૂર્વ કોર્પોરેટર જશરાજભાઇ પરમારે અનેક ફરિયાદો કરી છે. આ બાબતે રોજકામ પણ કરવામાં આવ્યું છે. આટલું જ નહીં ત્રણ-ત્રણ વખત રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં કોઇ કામગીરી તો દૂરની વાત રહી તા.23-9, 28-9 અને 4-10ના લખેલા પત્રનો જવાબ પણ આપવામાં આવ્યો નથી. હાલમાં ભૂગર્ભ ગટરનું પાણી મેઇન હોલમાંથી રોડ પર ચારે બાજુ ફેલાય છે. જેના કારણે ગંદકીની ભરમાર જોવા મળે છે. લોકો ચાલી પણ શકતા નથી. આથી 10 દિવસમાં પગલાં લઇ શિક્ષાત્મક પગાલ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ મુદ્દે સ્ટે. કમિટીમાં પણ અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે. છતાં સંબંધિત શાખા દ્વારા સ્થળ પર ચકાસણી કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભૂગર્ભ ગટરની લાઈનનું લેવલ પણ ચેક કરાયું નથી. જેના કારણે ગટરો ઉભરાતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.