ગોંડલ બે સિંહો કેમ થયા આમને સામને, શું આવશે પરિણામ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. ભાજપનો ગઢ અને હંમેશા શાંત ગણાતી ગોંડલ બેઠક પર ટિકિટને લઈને આ વખતે જ્વાળામુખી ફાટ્યા જેવી સ્થિતિ છે. આનું કારણ એક સમયના પાક્કા મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચેનો ચરમસીમાએ પહોંચેલો જૂથવાદ છે. ગોંડલમાં આ બે બાહુબલી નેતાઓ આમને-સામને આવી જતા સ્થાનિકથી લઈ પ્રદેશ સુધી ભાજપના મોવડીઓ ચિંતામાં છે. આ અંટસનું મુખ્ય કારણ ભાજપના આ બન્ને અગ્રણી પોતપોતાના દીકરાને ચૂંટણી લડાવવા શીતયુદ્ધ તરફ વળ્યાનું છે.

જયરાજસિંહે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જૂથને પરાસ્ત કરવા રીબડાનું અનિરુદ્ધસિંહ જૂથ પાટીદારોને સાથે રાખીને મેદાને પડ્યું છે. બીજીતરફ જયરાજસિંહે પણ કડવા પાટીદારોને સાથે રાખીને ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે. ગોંડલમાં થોડા દિવસ પહેલા ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ વિરુદ્ઘનું જૂથ એક મંચ પર આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. આ કાર્યક્રમના પડદા પાછળ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ હોવાનું સામે આવ્યું હતું.

જયરાજસિંહે અનિરૂદ્ધસિંહ પર ગંભીર આક્ષેપો કર્યા
પાટીદારોના ગઢ સમાન ગોંડલની સીટ પર જયરાજસિંહ વિરોધી જૂથ મેદાને પડતા હવે જયરાજસિંહે પણ ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે. રવિવારે ગોંડલના મોવિયા ગામમાં જયરાજસિંહે એક કડવા પાટીદાર સમાજની સભાને સંબોધન કરી હતી. જેમાં અનિરુદ્ધસિંહ સામે આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહે માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષાની ખાતરી આપીને રીબડામાં જમીનોના સોદા બારોબાર થતા હોવાનો ગંભીર આક્ષેપ અનિરુદ્ધસિંહ પર કર્યો હતો.

પાટીદારોના ગઢમાં ક્ષત્રિયોનો વિવાદ ચરમસીમાએ
બાદમાં થોડા દિવસ પછી રીબડા જૂથના ભાજપના સહકારી આગેવાન જયંતિ ઢોલે મીડિયાને જણાવ્યું હતું કે, ‘જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જીતાડી દઈશ. અને જીતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ. ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા પંથકના મતને કારણે ભાજપને જીત મળે છે. જેથી પાર્ટી આ બાબતે વિચાર કરે તે જરૂરી છે. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું. જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું, ત્યાં જઈને મેં ભાજપનો પ્રચાર-પ્રસાર કર્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે પણ મેં જયરાજસિંહની જીત માટે મતની ભીખ માગી હતી. છતાં તેમણે એ વાતને યાદ ન રાખી એટલે જ હવે હું મીડિયાની સાક્ષીમાં કહું છું કે, જો હું ઉમેદવારને જીતાડું નહીં તો માંડવી ચોકમાં આવેલ માતાજીના મંદિરે અંતિમ પગલું ભરી લઈશ.’

અનિરૂદ્ધસિંહનું ‘નરો વા કુંજરો વા’
આ સમગ્ર મામલે મીડિયાએ ટિકિટ મામલે રીબડાના અનિરુદ્ધસિંહને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ભાજપમાંથી જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તેનો અમે સાથ આપીશું અને એ સમયે અમને પૂછજો, અત્યારે નહીં’. જો કે, તેમણે ગોંડલ માટે કામ કરશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. આમ અનિરુદ્ધસિંહના ‘નરો વા કુંજરો વા’ જેવા અભિગમથી બળતામાં ઘી જેવી સ્થિતિ પેદા થઈ છે.

જયરાજસિંહે જયંતીભાઈનો ઢોલ વગાડી નાખ્યો
અનિરુદ્ઘસિંહની સાથે સાથે જયરાજસિંહે પાટીદાર અગ્રણી જયંતિ ઢોલ સામે પણ આક્ષેપ કર્યો હતો. જયંતિ ઢોલને પાટીદાર સમાજના પ્રમુખ પદેથી દૂર કરાવીને કિશોર અંદિપરાને પ્રમુખ બનાવ્યા હતા. રાજકારણમાં ક્યારેક કોઈ દુશ્મન નથી કે નથી દોસ્ત તેવું કહીને જયંતિ ઢોલ પર પણ નિશાન સાધ્યું હતું. જયરાજસિંહે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, અનિરુદ્ધસિંહ પોતાના પુત્ર રાજદિપસિંહને ધારાસભ્ય બનાવવા માગે છે અને તેઓએ માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં સત્તાસ્થાને કોને બેસાડવા તેની તૈયારીઓ શરૂ કરી છે.

રીબડા પંથક 10 હજારની લીડ અપાવી શકે
મહત્ત્વનું છે કે, ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જાડેજાનું નામ નિશ્વિત છે. ગોંડલ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપને 15 હજાર મતોની લીડ મળી છે. જેમાં રીબડા પંથકની 8થી 10 હજારની લીડ છે. આવામાં અનિરુદ્ધસિંહ જૂથ નારાજ થાય તો ભાજપ માટે કપરા ચઢાણ થઇ શકે છે. ત્યારે ભાજપનું મોવડી મંડળ બાહુબલીની લડાઈમાં ક્યા પ્રકારનો નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.

નવા-નવા રાજકીય સમિકરણો સર્જાવાના સંકેત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને માંડ બે મહિના બાકી છે અને નવરાત્રિ બાદ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરું કરે તેવા સંકેતો વચ્ચે ગોંડલનું રાજકારણ ધગધગવા લાગ્યું છે. અત્યારસુધીનાં શાંત-સમજુતિપૂર્વકના રાજકારણમાં એકાએક તડા પડ્યા છે અને બે બળિયા જૂથ સામસામા થવા સાથે ભાજપની ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવવા લાગતા આવતા દિવસોમાં અનેક રાજકીય ઘટનાક્રમો સર્જાવાના એંધાણ છે. કેટલાક વખતથી રાજકારણ અને સહકારી જગતમાંથી બહાર થયેલા સિનિયર આગેવાન પણ મેદાને પડવાને પગલે નવા-નવા રાજકીય સમિકરણો સર્જાવાના સંકેત છે.

ભાજપમાં આંતરિક રાજકારણ ચરમસીમાએ
ગોંડલમાં વર્તમાન ધારાસભ્ય તરીકે ગીતાબા જાડેજા છે. આ અગાઉ જયરાજસિંહ જાડેજા ધારાસભ્યપદે રહ્યા હતા અને છેલ્લી ત્રણેક ટર્મથી તેઓનું જ આ બેઠક પર વર્ચસ્વ રહ્યું છે. ગોંડલ પંથકમાં જ મોટું વર્ચસ્વ ધરાવતા અન્ય એક બળિયા જૂથ સાથે સમજુતિપૂર્વક જ રાજકારણ રમાતું હતું અને તેને પગલે દોઢ દાયકાથી રાજકીય વર્ચસ્વ પર કોઈ વિઘ્ન સર્જાતું નહોતું. પરંતુ હવે આ જૂથે જ રાજકારણ સર કરવાનો મૂડ બનાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેટલાક દિવસથી ભાજપનું આંતરિક રાજકારણ ધગધગવા લાગ્યું છે.

બે બળિયા નવી પેઢીને આગળ વધારવા આમને સામને
રાજકીય ચર્ચા પ્રમાણે બન્ને બળિયા જૂથ પોતપોતાની નવી પેઢીને રાજકારણની સીડી ચડાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે અને તેના ભાગરુપે આગામી વિધાનસભાની ટિકિટ પોતાના પરિવારને મળે તે માટે અત્યારથી જ રાજકીય કાવાદાવા શરુ કરી દેવામાં આવ્યા છે. આ વાત ખુલ્લી પડી ગઈ હોય તેમ તાજેતરમાં સમાધાનના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ બન્ને જૂથ સમાધાનના મૂડમાં ન હોવાનું માલુમ પડતાં મેળ પડ્યો નહોતો. એમ પણ કહેવાય છે કે થોડા દિવસો અગાઉ ખુલ્લેઆમ તણખા પણ ઝરી ગયા હતા અને ત્યારપછી રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.

તેલ જુઓ અને તેલની ધાર જુઓ જેવી નીતિ
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, અત્યારસુધી ગ્રામ્ય ભાગોમાં જ વર્ચસ્વ ધરાવતા આ જૂથ દ્વારા આવતા દિવસોમાં ગોંડલ શહેરમાં જ ઓફિસ ખોલવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે અને ત્યાં લોકોના પ્રશ્નો માટે નિયમિત લોક દરબાર શરું કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વની વાત એ છે કે, ગોંડલનાં આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ અને રાજકીય ગરમાવા વિશે રાજકોટ જિલ્લાથી માંડીને ગુજરાતની પ્રદેશ નેતાગીરી પણ વાકેફ થઇ ગઇ છે. પરંતુ હાલ તુરંત તો તેલ જુઓ અને તેલની ધાર જુઓની નીતિ અપનાવીને કોઈ પણ કદમ ઉઠાવવાનું ટાળવામાં આવી રહ્યું છે.