રેવન્યુ વિભાગ દ્વારા 2 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકામાં છેલ્લા ઘણાં સમયથી વ્યાપક પ્રમાણમાં જમીન દબાણ થયાં હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે અનુસંધાને રેવન્યુ વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. સર્વેના અંતે રાજકોટ રેન્જના IG સંદીપ સિંધના સીધા માર્ગદર્શન હેઠળ Sp, DySp, PI, PSI તથા એક હજાર જેટલા પોલીસ જવાનોને સાથે રાખી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બેટવાસીઓને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ
બેટ દ્વારકા જવા-આવવા માટે ફેરીબોટ સર્વિસનો સહારો લેવો પડે છે. આ ડિમોલેશન દરમિયાન ફેરીબોટ સેવા સદંતર બંધ કરી દેવામાં આવી હતી. બેટવાસીઓને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ હતી અને મેગા ડીમોલેશન સતત સાત દિવસ સુધી હાથ ધરવામાં આવ્યું હતું.

2 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી
સાત દિવસના અંતે લગભગ 2 લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા જેટલી થતી હતી. ત્યારબાદ તહેવાર આવતો હોવાથી, સ્થાનિક લોકો આ તહેવાર સુચારૂ રીતે ઉજવી શકે તે હેતુથી ફરીબોટ સેવા રાબેતાં મુજબ ચાલુ કરી દેવામાં આવી હતી.

10 જેટલા અનઅધિકૃત બાંધકામને તોડી પડાયાં
આ તહેવાર પૂર્ણ થયા બાદ તા.13 ઓક્ટેબર, 2022થી ફરી વખત મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે 10 જેટલા અનઅધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામને તોડી પડાયાં હતાં. હજુ પણ રેવન્યુ વિભાગ દ્વારા સર્વે કરાયેલા અનઅધિકૃત બાંધકામો આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે.