જેલમાં જીવનસાથીને એકાંતમાં મળવાની મંજુરી, કોર્ટે અપીલ સ્વીકારી

જેલના સળિયા પણ વંશવેલો આગળ વધારવાના સાક્ષી બનશે. જેલમાં કેદ પતિ કે પત્ની તેના જીવનસાથીને એકાંતમાં મળી શકશે. નવાઈ ન પામશો, આ પહેલ પંજાબ સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેનું કારણ છે કે આ વર્ષે કેટલાક કેસ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યા છે. આ કેવી રીતે શક્ય બન્યું, તે પહેલા વાંચો કે કઈ દલીલો સાથે આવી અરજી હાઈકોર્ટમાં પહોંચી….

પહેલો કેસ… માર્ચ 2022માં ગુરુગ્રામની એક મહિલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચી હતી. તેમની અરજી અન્ય કેસ કરતા અલગ હતી. મહિલાએ જેલમાં કેદ પતિ પાસે શારીરિક સંબંધ બાંધવા માટે પરવાનગી માંગી હતી. મહિલાએ દલીલ કરી હતી કે તે તેના જેલમાં કેદ પતિ સાથે એકાંત માણીને પોતાનો વંશ આગળ વધારવા માંગે છે. મહિલાએ કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટ દ્વારા હત્યા અને અન્ય ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. 2018 થી તે સેન્ટ્રલ જેલમાં બંધ છે.

બીજો કેસ… અગાઉ જાન્યુઆરી 2022ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પત્નીએ તેના પતિ સાથે અલગ રૂમમાં મુલાકાત કરવાની માંગ કરી હતી. તેમણે બંધારણના અનુચ્છેદ 21નો ઉલ્લેખ કર્યો, જેમાં તેમને આ અધિકાર મળ્યો છે.

ત્રીજો કેસ… જસવીર સિંહે પિટિશન દાખલ કરી હતી કે તેને પોતાનો વંશ આગળ વધારવો છે. પત્ની જ્યાં સુધી ગર્ભવતી ન થાય ત્યાં સુધી તેને તેની સાથે જેલમાં રહેવાની મંજુરી આપવામાં આવે. હાઈકોર્ટે આ માંગને ફગાવી દીધી હતી.

હાઈકોર્ટનો નિર્ણય… આ જ જસવીર સિંહ વિરુદ્ધ પંજાબ સરકાર કેસમાં હાઈકોર્ટે હરિયાણા, પંજાબ અને ચંદીગઢને જેલ રિફોર્મ્સ સમિતિ બનાવવા અને આ અંગે નીતિ બનાવવા કહ્યું હતું.

પંજાબની 4 જેલોમાં સુવિધા આપવામાં આવી છે
જે બાદ પંજાબ સરકારે મહત્વની પહેલ કરી છે. અહીંની જેલમાં કેદીઓને તેમના જીવન સાથી સાથે થોડો સમય એકલા વિતાવવાની છૂટ આપવામાં આવી રહી છે. આ માટે જેલમાં અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. હાલમાં ઈન્દવાલ સાહિબ, નાભા, લુધિયાણા અને ભટિંડા મહિલા જેલમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. તમામ જેલોમાં તેને શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

આ સુવિધા ગેંગસ્ટર અને યૌન ગુનેગારોને નહીં
પરંતુ આ સુવિધા અત્યારે દરેક ગુનેગાર માટે નથી. કુખ્યાત ગુનેગારો, ગેંગસ્ટર અને જાતીય ગુનાઓ સંબંધિત કેસોમાં સજા ભોગવી રહેલા કેદીઓ આ સુવિધા નહીં મળે. જેલ અધિકારીએ જણાવ્યું કે આ માટે કેદી પહેલા જેલ પ્રશાસનને અરજી આપે છે.

અરજી મંજૂર થયા પછી, સારા વર્તનના કેદીઓને તેમના જીવનસાથી સાથે બે કલાક રહેવાની છૂટ છે. આ માટે જેલ પ્રશાસને અલગ રૂમ તૈયાર કર્યા છે, જેમાં અલગ ડબલ બેડ, ટેબલ અને અટેચ્ડ બાથરૂમ પણ હશે.

મુલાકાત પહેલાં મેડિકલ તપાસ
આવી મુલાકાત પહેલા પંજાબ સરકારે કેટલાક નિયમોની યાદી પણ તૈયાર કરી છે. તેમાં પ્રથમ લગ્નનું પ્રમાણપત્ર છે. આ માટે તમારે પહેલા પતિ-પત્ની હોવાનું મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડશે. પછી બીજા નંબરનું સૌથી મોટું પ્રમાણપત્ર મેડિકલ પ્રમાણપત્ર હશે. જેમાં એચઆઈવી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી), કોરોના ચેપ અને અન્ય કોઈપણ બીમારી ન હોવા જોઈએ. આ પછી, જેલ પ્રશાસન બે કલાક આપશે, જેમાં પતિ-પત્ની એકાંતમાં સમય પસાર કરી શકશે.

પરિવારને મળવા માટે મુલાકાતનો કાર્યક્રમ
પંજાબ સરકારે પતિ-પત્ની સિવાય પરિવારના અન્ય સભ્યોને મળવા માટે ગલ-વકડી કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. આ સુવિધાઓ ઉપરની ત્રણ જેલ ઉપરાંત, તે અમૃતસરમાં શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં લુધિયાણામાં પણ શરૂ થવા જઈ રહી છે. જેમાં એક હોલમાં કેદીઓ પરિવારના પાંચ સભ્યો સાથે એક કલાક સુધી મુલાકાત થઈ શકે છે. સાથે બેસીને તેઓ ખાઈ શકે છે, પી શકે છે અને વાત પણ કરી શકે છે.
જાણો કેમ આ મુલાકાતની જરુરિયાત અનુભવાઈ
જેલમાં બંધ કેદીઓ સાથે બહાર તેમનો પુરિવાર પણ સજા ભોગવે છે. જેલની બહાર ઘર સંભાળી રહેલી પત્નીને માનવાધિકાર હેઠળ વંશવૃદ્ધિનો અધિકાર છે. બંધારણના આર્ટિકલ 21 મુજબ મહિલા જ નહીં, દરેકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે. વિદેશમાં અનેક દેશોમાં જેલમાં કેદ કેદીઓ એક અલગ રુમમાં પોતાના જીવનસાથીને મળી શકે છે. અમેરિકા, ફિલિપાઇન્સ, કેનેડા, સાઉદી અરેબિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં આ સુવિધા આપવામાં આવે છે.

જેલ અધિકારીઓને આશા, કેદીઓ સુધરશે
વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જે કેદીઓ લાંબા સમયથી જેલમાં છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. પત્ની કે પરિવારને મળવાની ઈચ્છા,કેદીઓમાં બદલાવ માટે મજબુર કરશે. જેલ વિભાગને આશા છે કે આ પહેલથી પારિવારિક સંબંધો મજબૂત થશે અને કેદીઓ પણ જાતે સુધારવાનો પ્રયત્ન કરશે. આ પછી, જેલ ખરેખર સુધારા ગૃહમાં પણ ફેરવાઈ શકે છે.

અગાઉ કેદીઓને આ સુવિધા ન હતી
હકીકતમાં, વર્ષ 2015 માં, ખંડણી અને પછી એક સગીરને નિર્દયતાથી હત્યાના કેસમાં ફાંસી અને આજીવન કેદની સજા ભોગવી રહેલા પતિ-પત્નીની અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરી હતી. જે બાદ કોર્ટે જેલમાં કેદીઓ માટે વૈવાહિક સંબંધો સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો અને ફેમિલી મુલાકાતની વ્યવસ્થા કરવા માટે સરકારને જેલ રિફોર્મ્સ સમિતિ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.