રાજકોટમાં ટ્રાફિક સિગ્નલ મુદ્દે શહેરના નાગરિક પ્રકાશભાઈ ભટ્ટે મહાનગરપાલિકા અને મદદનીશ પોલીસ કમિશનરને અરજી કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં સાઈડ સિગ્નલ પર ટાઈમ દેખાડતી સુવિધા રહેલી છે પણ જાહેરાતના બોર્ડ અને મોટા વાહનોને લીધે પાછળ બીજા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે તો બે ફૂટ બાય ચાર ફૂટનું ડિસ્પ્લે મૂકી જેમાં જાહેરાત પણ મૂકી શકાય. જેનાથી તમામ વાહનચાલકોને સમયના આંકડા પણ દેખાય અને તંત્રને આવક પણ થાય તેમજ મેઇન્ટેનન્સ ખર્ચને ટાળી શકાય.
વાહનોની સંખ્યા જોઈને આ સિગ્નલો વહેલા કે મોડા ખુલ-બંધ થાય છે
રાજકોટમાં બે વર્ષ પહેલા રૂ.11 કરોડના ખર્ચે ટ્રાફિક સિગ્નલોને આધુનિક બનાવાયા છે, પરંતુ તેનો ઉપયોગ હવે શરૂ કરાઈ રહ્યો છે. શહેરના ધમધમતા માર્ગો પર 16 ટ્રાફિક સિગ્નલો જે નોર્મલ મોડમાં હતા અને તેમાં સાઈડ ખુલવાનો સમય દર્શાવતા ટાઈમર હતા તે ટાઈમર બંધ થઈ જતા હજારો વાહનચાલકોમાં આ અંગે પ્રશ્ન સર્જાયો હતો જે અંગે તપાસ કરતા મનપાએ આ સિગ્નલોને હવે એક્ચ્યુએટેડ મોડમાં મુક્યા છે એટલે કે વાહનોની સંખ્યા જોઈને આ સિગ્નલો વહેલા કે મોડા ખુલ-બંધ થાય છે.
16 સ્થળે ટ્રાફિક સિગ્નલો અદ્યતન મોડમાં હોવાનો દાવો
મનપાના સૂત્રો અનુસાર સાધુ વાસવાણી રોડ, રૈયા ચોક, હનુમાનમઢી ચોક, રાજનગર, ગોંડલ રોડ મક્કમ ચોક, નાગરિક બેંક ચોક, ટી પોઈન્ટ, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, ત્રિકોણબાગ, ઢેબર ચોક, લીમડા ચોક, જ્યુબિલી ચોક, જિલ્લા પંચાયત ચોક, ડિલક્સ ચોક, ચુનારાવાડ ચોક અને 80 ફૂટ રોડ અમુલ સર્કલે 16 સ્થળે આવેલા ટ્રાફિક સિગ્નલો હવે અદ્યતન મોડમાં મૂકાયા છે. જેથી ત્યાં સિગ્નલ ખુલવાનો સમય દર્શાવાશે નહીં પરંતુ જે સાઈડ ખુલ્લી હશે ત્યાં વાહનોની સંખ્યા ઘટતા તે ઓટોમેટિક ખુલશે.
ટાઈમર સાથેના સિગ્નલોથી લોકો ટેવાયેલા
રાજકોટમાં વર્ષોથી ટાઈમર સાથેના સિગ્નલોથી લોકો ટેવાયેલા છે અને જો સિગ્નલ ખુલવાને વાર હોય તો સમય જોઈને એન્જિન બંધ કરીને ઈંધણની બચત કરવા સાથે પ્રદૂષણ ઘટાડતા હોય છે. આ મોડના સિગ્નલોથી તે શક્ય બનતું નથી. ટ્રાફિક સિગ્નલોમાં હજુ એડપ્ટીવ ટ્રાફિક મોડ પણ હોય છે જે શરૂ થયેલ નથી. આ મોડમાં સિગ્નલો મૂકાય તો એક સિગ્નલ ખુલે અને લોકો પસાર થાય કે આગળની સાઈડ ખુલેલી જ મળે છે. આ સિગ્નલો બ્રિજના કામો પૂરા થયે શરૂ કરાશે.