ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક? સૌરાષ્ટ્ર યુનિ. ના પેપર

સ્પર્ધાત્મક અને કોલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો હતો પરંતુ AB2 ની ડ્રોન ટીમ  પાસે સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના બે પેપર પહોંચ્યા છે. આ બન્ને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે ગુરુવારે લેવાનારી પરીક્ષા રદ કરવી પડશે અને આ પેપર કેવી રીતે ફૂટ્યું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો બહાર લાવવા સરકારી તંત્ર તપાસ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષથી જ બે નહિ પરંતુ એક દિવસમાં 3 તબક્કે પરીક્ષા લેવાનું શરૂ કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે ત્યારે તા. 13-10-2022ના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર લેવાના છે જો કે આ બંને પેપર એક દિવસ અગાઉ એટલે કે 12 ઓક્ટોબરે જ ગુજરાતના કેટલાક અખબારો પાસે પહોંચી ગયા હતા. પરીક્ષાના ટાઈમ ટેબલની ખરાઈ કરતા ઉપરોક્ત બંને વિષયની જ પરીક્ષા લેવાવાની હતી ત્યારે આ બંને પેપર ફૂટ્યા કેવી રીતે અને તેની પાછળનો આશય શું છે તે તપાસનો વિષય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે. 13 ઓક્ટોબરે બી.બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાવાની છે ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. સાબિતી | ઓગસ્ટમાં બીએચએમએસનો વિદ્યાર્થી ઘરેથી ઉત્તરવહી લખીને આવ્યો હતો.

યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-2022ની લેવાયેલી બીએચએમએસ થર્ડ યરની પરીક્ષામાં પણ એક વિદ્યાર્થી ઘરેથી ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબ લખીને પરીક્ષા આપવા આવ્યો હતો પરંતુ પરીક્ષામાં નવી પુરવણી અપાઈ હતી અને ચાલુ પરીક્ષાએ સુપરવાઈઝરે આ વિદ્યાર્થીની પૂરવણી ચકાસતા તે જૂની હોવાનુ ખુલતા ભાંડો ફૂટ્યો હતો પ્રશ્નના જવાબ અગાઉથી જ લખેલા હતા તેથી તે સાબિત થયુ હતુ કે વિદ્યાર્થી પાસે પેપર અને પૂરવણી અગાઉ પહોંચી ગયા હતા. યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 7 સેમેસ્ટરની સજા ફટકારી હતી પણ તેની પાસે પૂરવણી ક્યાંથી આવી અને પ્રશ્નપત્ર ક્યાંથી મેળવ્યુ તે બધુ બહાર લાવવા કોઇ જ ઉંડી તપાસ આદરી ન હતી. પત્રકારો પાસે આ પેપર આવી જતા તે ઘટના પણ તાજી થાય છે અને સાબિતી મળે છે કે પેપર ફોડવાનો ગોરખધંધો ઘણા સમયથી ચાલી રહ્યો છે. કોલેજનું પરિણામ 100 ટકા આવે તેવી તરફેણ પણ કરતા હોય છે.

અમુક ખાનગી કોલેજના સંચાલકો રાત્રે જ વિદ્યાર્થી પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી દરેક પરીક્ષા કેન્દ્ર પર ઈ-મેલથી પેપર મોકલવાની વ્યવસ્થા કરવાની છે. જો કે આ વર્ષે જૂની સિસ્ટમનો લાભ લઈને કેટલીક ખાનગી કોલેજના સંચાલકો પોતાની પાસે યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી અમુક વિદ્યાર્થીઓને કોલેજે અથવા તો અન્ય સ્થળે લઈ જઈને ઉત્તરવહીમાં લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે. યુનિવર્સિટીએ અગાઉ નિર્ણય કર્યો હતો કે દરેક પરીક્ષાકેન્દ્રનું જીવંત પ્રસારણ કરવામાં આવશે પરંતુ આ નિર્ણય થોડા દિવસો બાદ રદ કરી દેવામાં આવ્યો અને કારણ પણ કોઇને ગળે ન ઉતરે તેવું જણાવવામાંં આવ્યું હતું.

અમારો ઉદ્દેશ્ય માત્ર પરીક્ષાની સિસ્ટમમાં સુધારો લાવવાનો છે
એબીટુ પાસે બે પેપર પરીક્ષાના એક દિવસ અગાઉ પહોંચ્યા ત્યારે આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોનું ધ્યાન દોરીને નવા પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તેવું કરી શક્યું હોત પરંતુ યુનિવર્સિટીના સંચાલકો અમુક ખાનગી કોલેજના માલિકો માટે કોલેજનું પરિણામ સો ટકા આવે તેવી તરફેણ પણ કરતા હોય છે. પરીક્ષા શરૂ થાય તેના એક કે દોઢ કલાક પહેલા ઈ-મેલથી પેપર મોકલાય અને આ સિસ્ટમથી પરીક્ષા લેવાય તો જ પેપર ફૂટવાનો સિલસિલો બંધ થશે.