ધરમપુરમાં યુવાનનો ગળાફાંસો, ભાણવડની સગીરાનું અપહરણ

ખંભાળિયાના ધરમપુરમાં યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.​​​​​​ ખંભાળિયા નજીક આવેલા ધરમપુર વિસ્તારમાં રહેતા ક્રિષ્નાભાઈ વશરામભાઈ કણજારીયા નામના 24 વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર ગઈકાલે મંગળવારે સાંજે પોતાના રહેણાંક મકાનમાં આવેલી છતના હૂકમાં દોરી વડે ગળાફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા વશરામભાઈ જેરામભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.

ભાણવડ પંથકની સગીરાનું અપહરણ; શકદાર તરીકે રાણપરના શખ્સનું નામ
ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા એક પરિવારની 16 વર્ષ, બે માસની વયની સગીર પુત્રી ગઈકાલે લાપતા બનતા આ સગીરાનું અપહરણ થયું હોવાનું તેણીના પરિવારજનોના ધ્યાને આવ્યું હતું. આ પુત્રીને લલચાવી, ફોસલાવીને વાલીપાણામાંથી અપહરણ કરીને લઈ જવા સબબ લાપતા બનેલી સગીરાના પિતાએ શકદાર તરીકે રાણપર ગામના બાલુ ભીખાભાઈ નામના શખ્સ સામે પોલીસમાં શંકા વ્યક્ત કરી છે. આથી ભાણવડ પોલીસે આઈ.પી.સી મી કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.બી. યાજ્ઞિકદ્વારા હાથ ધરવામાં આવી છે.