મોદી પાટીદારોને રીઝવવા ખોડલધામ આવશે, 22 બેઠકો પર થશે સીધી અસર

વિધાનસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 19મીએ રાજકોટની મુલાકાતે આવવાના જ છે ત્યારપછી ફરી એક વખત આગામી તા.31 ઓક્ટોબરે ખોડલધામની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ અંગે રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે આવતા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે જશું. દિવાળી બાદ તા.31 ઓક્ટોબરે અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં PM મોદી ખોડલધામ આવશે. મહત્ત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે. PM મોદીના આગમનથી આ બેઠકોને સીધી અસર થશે.

પાટીદારોને રીઝવવાની કવાયત શરૂ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે. જ્યારથી ગુજરાતની કમાન વિજય રૂપાણીના હાથમાંથી લઈને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે ત્યારેથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ કરવા જરૂરી છે.

ગત ચૂંટણીમાં પાટીદાર નેતાઓ ઘટ્યા
રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.

50 બેઠક પર તો પાટીદાર પાવર જ ચાલશે
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

આ 22 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.