ખંભાળિયા વિધાનસભા સીટ પર ફરી કાકા ભત્રીજી ?

ગુજરાત રાજ્ય ભાજપનું નાક છે. અને નાક ને બચાવવા પ્રધાનમંત્રી મોદી સમેત સમુચી ભાજપ મેદાનમાં કમ્મર તોડ મહેનતમાં લાગી ચુકી છે, ૧૯ ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના એક દિવસના પ્રવાસે છે.

વાત કરીએ ભાજપની અડચણોની તો કોંગ્રેસ તો ભાજપની અડચણ છે જ અને રાજકીય રીતે કોંગ્રેસ મુક્ત કરવામાં મોદી સમેત આખી ભાજપનો પન્નો ટૂંકો પડયાનું આ આઠ વર્ષ માં દેખાઈ પણ રહ્યું છે, કોંગ્રેસની “ભારત જોડો” યાત્રાની અસર વર્તાતી હોય તેમ નરેન્દ્રભાઈ મોદી કોંગ્રેસથી બચવા અને ભાજપને બચાવવા જનતાને ગુહાર લગાવી રહ્યા છે, તેવામાં ભાજપ માટે આ વખતે આમ આદમી પાર્ટી પણ અડચણ રૂપ હોવાનું ભાજપને લાગી રહ્યું છે.

ભાજપને કોરોના વ્યવસ્થામાં નિષ્ફળતા બાદ આખી સરકાર બદલવાનું ફરજિયાત બની ગયું એ ગાળામાં ભાજપ ૧૫૦ + થી નીચે વાત ન્હોતું કરતું એ ભાજપના નેતાઓમાં ગુજરાતની ચૂંટણી આસાન નથી તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. જેમ જેમ ચુંટણી ની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ મોદીજીના ગુજરાત પ્રવાસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ભાજપના આવા પવનમાં વાત કરીએ ખંભાળિયા ની તો ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી બતાવી, ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન ગમે ત્યારે બદલી શકવાની સ્થિતિ જેટલો મત કોંગ્રેસ પાસે ઉપલબ્ધ છે ત્યારે કોઈપણ સંજોગો માં કોંગ્રેસ ને ખંભાળિયા સીટ પર પરાસ્ત કરવી એ ભાજપનું વણ ઉલ્લેખ્યું લક્ષ્યાંક હોવાનું નકારી શકાય નહીં.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપમાં લાલ જાજમ પાથરીને પક્ષપલ્ટો કરાવનાર ટુકડીએ લાખો પ્રયાસો કર્યા હોવા છતાં અને હમણાં જ વિસાવદર સીટ પર કોંગ્રેસના વરરાજાને ભાજપમાં ભેળવીને કોંગ્રેસની જાન રોકવાનો સફળ પ્રયાસ કરવા છતાં કોંગ્રેસ ના અડીખમ નેતા વિક્રમ માડમને દળ બદલાવવામાં રીઝવી ન શકનાર ભાજપ હવે વિક્રમ માડમ નો રથ રોકવાના કામે લાગી ગયું હોવાના સમાચારો રેલાઈ રહ્યા છે. આ જોતા રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે ખંભાળિયા સીટ પર કાકા ભત્રીજી ફરી સામસામે આવે તો નક્કી નહીં.

જો કે ભાજપ માટે આ પ્રયાસ લોઢાના ચણા ચાવવા જેવો કઠણ છે, સાંસદ ની સીટ શોભાવી રહેલા પૂનમ માડમ (ભત્રીજી) ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં વિક્રમ માડમ (કાકા) ને હરાવવા ની ક્લગી ધરાવે છે પરંતુ ૨૦૧૭ માં વિક્રમ માડમે એ જ લોકસભા સીટ ની અંદર આવતી પોતાની પૂર્વ વિધાનસભા સીટ ખંભાળિયામાં ભાજપના પવન સામે પણ અગિયાર હજારની લીડથી પોતાની જીત નોંધાવી છે. તેની આ ટર્મ માં માત્ર પોતાની જીતથી સંતોષ નહીં માનનાર વિક્રમ ભાઈએ પંચાયતોની ચૂંટણીમાં ભાજપના ખિલ્લા ઉખેડવાની સફળ કામગીરી કરી હોય તેમ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો, આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં દલબદલ નો ખેલ જો વિક્રમ માડમ પાર પાડે તો ભાજપ ને જિલ્લા પંચાયત ની સત્તામાંથી બહાર કરવા જેટલી બહુમતી કોંગ્રેસ ધરાવે છે, આ ઉપરાંત ભાજપના જ કેટલાંક સદસ્યો ખેડવીને નગરપાલિકામાં ઉતરેલી કોંગ્રેસે પાલિકામાં ભાજપનો સફાયો કરી નાખ્યો.

૨૦૨૪ ની લોકસભા ચૂંટણી ધ્યાને રાખીને કોંગ્રેસે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને લગાડી દીધા છે અને ભારતનો ઇતિહાસ જોઈએ તો ભારતના મતદારો આજે પણ યાત્રાઓ પર મત અદલ બદલ કરતાં હોય છે, એ જોતાં ૨૦૨૪ ની લોકસભા ભાજપ માટે ૨૦૧૪ અને ૨૦૧૯ જેવી આસાન નહીં હોય, અધૂરામાં પૂરું આમ આદમી પાર્ટી પણ એક પછી એક રાજ્ય સર કરી રહી છે, પંજાબ માં ભવ્ય વિજય પછી આપનો ડોળો ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર ડોળાયો હોય તેમ બંને રાજ્યોમાં કેજરીવાલ ના પ્રવાસ વધી ગયા છે.

આ જોતાં કેટલાંક લોકો માની રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ કમજોર છે, પરંતુ હકીકતમાં કોંગ્રેસ કેટલી મજબૂત છે એનો ઉલ્લેખ ખુદ નરેન્દ્રભાઈ મોદીએ મતદારોને ચેતવવા કર્યો છે અને ભાજપા ના કાર્યકરો ને ખાસ ચેતવ્યા છે કે કોંગ્રેસ દેખાતી નથી એનો મતલબ એવો નથી કે કોંગ્રેસ છે નહીં. ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓ સતત ગુજરાત પ્રવાસે છે તેમ કોંગ્રેસના મોટા નેતાઓ કેમ નથી દેખાતા ? જનતાના આ સવાલનો જવાબ જ મોદીના ચેતવણી ભાષણમાં સ્પષ્ટ છલક્યો કહી શકાય.

કોંગ્રેસની આ વખતની રણનીતિ મોટા નેતાઓનો પ્રવાસ નહીં પરંતુ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડીયા, વિક્રમ માડમ જેવા નેતાઓની કામગીરી છે, મોદીજીએ ભલે સ્પષ્ટ ઉલ્લેખ ન કર્યો પરંતુ કોંગ્રેસ ઘણું ખેડી ચુકી છે. અને મોલાત કોંગ્રેસ માટે લીલી છમ્મ હોય શકે. પરંતુ જો ભૂતકાળનો ઉલ્લેખ કરીએ તો કોંગ્રેસ ની મહેનતમાં કોઈ કસર નથી અને મહેનત પ્રમાણે ફળ આવે પણ છે પરંતુ કોંગ્રેસ એના સીમાડાઓ નું ધ્યાન રાખવામાં નબળી પડે છે પરિણામે ભાજપ વગર મહેનતે જબરો પાક લણી જાય છે.