ગુજરાત ઈલેક્શન 2022 : શું આમ આદમી પાર્ટી ભાજપની જાળમાં ફસાઈ ગઈ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષ એક પછી એક વિરોધીઓ કરી રીતે ફસાઈ તે માટે દાવપેચ અજમાવતા હોય છે. ગુજરાતમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની દરેક સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે અને તે માટે ગુજરાતમાં તેજ ગતિથી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસથી આગળ અને ભાજપના ગઢમાં જ સીધી ટક્કર આપી રહી છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાતની શરુઆત પણ કરી દીધી છે.

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો દાવો છે કે તે જાતિ ધર્મની રાજનીતિ કરતા નથી. તે સારી સ્કૂલ અને સારા સ્વાસ્થ્યની સુવિધા આપવાની રાજનીતિ કરે છે. આ ચૂંટણીમાં પણ તે એ જ દાવો કરી રહ્યા છે અને ગુજરાતમાં પણ તેમણે આ સાથે જ શાસક પક્ષ ભાજપને ચુનૌતી દેવાની કોશિશ કરી રહ્યા છે.

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી પરંતુ આગામી બે મહિનામાં જ ચૂંટણી યોજાઈ શકે છે તેવામાં અરવિંદ કેજરીવાલે પોતાનો રંગ બદલી લીધો છે. ગુજરાતમાં તે હવે ભાજપ નેતાઓથી વધુ જય શ્રી રામના નારાનો ઉપયોગ કરી રહ્યા છે. નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતાએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું અને તે નિવેદનને કારણે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભાજપ દ્વારા સતત ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપનો વિરોધનો સુર એટલો મોટા પાયે હતો કે આમ આદમી પાર્ટીના એ નેતાને રાજીનામુ આપવું પડ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાજેંદ્ર પાલના રાજીનામ બાદ ગુજરાતમાં ડેમેજ કન્ટ્રોલ કરવા માંગે છે. આ માટે હવે અરવિંદ કેજરીવાલ જ્યાં જ્યાં ચૂંટણી પ્રચાર માટે જાય છે ત્યાં ત્યાં જય શ્રી રામ અને શ્રી કૃષ્ણના નારા લગાવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જે રીતે અત્યાર સુધી પ્રચાર કર્યો હતો તેનાથી લોકોમાં પણ પરિવર્તનની ભાવના જાગી હતી જો કે તેમના મંત્રીના વિવાદિત નિવેદન બાદ અચાનક જ હવાનું રૂખ બદલી ગયું હતું. આમ આદમી પાર્ટીએ ગુજરાતના યુવાનોને રોજગારી, બેરોજગારોને ભથ્થું, મફત વીજળી, જૂની પેન્સન યોજના, ગ્રેડ પે જેવા મુદ્દા પર ચૂંટણી પ્રચારની શરુઆત કરી હતી.

પોતાની પાર્ટીના વિવાદિત નિવેદનને કારણે ભાજપે આમ આદમી પાર્ટીને જાળમાં ફસાવી દીધી છે અને હવે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ધાર્મિક રીતે પણ પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપની રણનીતિ સાચી પડી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.