ગુજરાત યુવક કોંગ્રેસ આયોજીત પરિવર્તન યાત્રા સોમનાથ થઈ આજે પોરબંદર આવી પહોંચી હતી. પોરબંદર શહેરના નરસંગ ટેકરી ખાતે આવેલા રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી પરિવર્તન યાત્રા યોજાઈ હતી. આ પરિવર્તન યાત્રામાં ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી તથા સૌરાષ્ટ્રના પ્રભારી રામકૃષ્ણ ઓઝા તેમજ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા હતા.
પરિવર્તન યાત્રામા સહપ્રભારી રામકૃષ્ણ ઓઝા સહિતના કોંગ્રેસના ઘારાસભ્યો અને આગેવાનો છકડા રિક્ષામાં સવાર થઈને આ રેલીમાં જોડાયા હતા. પરિવર્તન યાત્રામાં યુવાનો મોટી સંખ્યામાં બાઈક સાથે રેલીમાં જોડાયા હતા. રેલી બાદ સુદામાચોક ખાતે યુવા પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી રામકૃષ્ણ ઓઝા અને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓએ ભાજપ સરકાર પર મોંઘવારીથી લઈને બેરોજગારી સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે આવતી વિઘાનસભાની ચૂંટણીમાં પોરબંદર તથા ગુજરાતમાં જે અધિકારીઓ ભાજપનો ઢંઢોરો લઈને આવ્યા છે તેવા અધિકારીઓને ચેતવણી આપી હતી અને જણાવ્યુ હતુ કે, મહેરબાની કરીને તમે કાયદાને નેવે મુકીને ભાજપના કાર્યકર્તા બનવાની કોશીષ ન કરતા. ભૂતકાળમાં જે લોકોએ આવી કોશીષ કરી છે તેમણે જેલમાં જવાનો વારો આવ્યો છે. તેમને વડાપ્રધાન કે ગૃહમંત્રી પણ બચાવી શક્યા ન હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં એજન્ડા લઈને ચાલવાની કોશીષ ન કરવા પોરબંદર અને ગુજરાતના એજન્ડા ધરાનારા અધિકારીઓને કડક ચેતવણી આપી હતી.
ઉલેખ્ખનીય છે કે, પોરબંદરમાં આયોજીત આ રેલી અને સભામાં કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સહિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહેનાર હતા. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે મુખ્યમંત્રી અશોક ગહેલોત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા.