સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં પરિણીત અને લીવ-ઇનમાં રહેતા પ્રેમી પંખીડાંએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. વહેવલ ગામની પરિણીત 23 વર્ષીય યુવતી અને વલવાડા ગામનો 33 વર્ષીય પરિણીત યુવાન 2 વર્ષ પહેલાં પ્રેમ સંબંધમાં ભાગી ગયા હતા. બાદમાં ગતરોજ મોડી રાત્રે બન્નેએ કોઈક અગમ્ય કારણોસર વલવાડા ખાતે ઝાડ સાથે ઓઢણી બાંધી કોઈક અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હતું.
બંન્ને પ્રેમી પંખીડાઓ બે વર્ષથી સાથે રહેતા હતા
મહુવા તાલુકામાં પ્રેમી પંખીડાઓએ પ્રેમનો અંત ગળેફાંસો ખાઈને આણ્યો હતો. જોકે બન્ને પ્રેમી પંખીડાઓ પરિણીત હોવાનું સામે આવ્યું હતું. મહુવા તાલુકાના વહેવલ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીએ અમદાવાદનાં યુવક સાથે લગ્ન કર્યા હતાં. લગ્નના એક જ મહિનામાં જ યુવતી પરત ઘરે આવી ગઈ હતી. તો બીજી તરફ વલવાડા ગામે રહેતા 33 વર્ષીય પરિણીત યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંન્ને પ્રેમી પંખીડાં બે વર્ષ પહેલાં મહુવાથી ઘર પરિવાર છોડી ભાગી ગયા હતા.
મોત પાછળનું કારણ અકબંધ
અચાનક આજે વહેલી સવારે વલવાડા ગામે ગામતળ ફળિયામાં અંકોલાનાં ઝાડ ઉપર બન્નેની ઓઢણી પર લટકતી હાલતમાં મૃતદેહો મળી આવતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે બંન્નેએ કયા કારણોસર આ પગલું ભર્યું છે, તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે.