સગીર ચલાવી રહ્યો હતો નકલી નોટોનો કારોબાર, રૂ. 3 લાખના મૂલ્યની નોટો બજારમાં ફરતી કરી દીધી

પોલીસે એવા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે જે નકલી નોટો છાપીને બજારમાં ફરતી કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં કાનપુરની ઘાટમપુર પોલીસે ઝડપેલા આ 2 આરોપીઓ પૈકીનો એક સગીર છે. પોલીસના કહેવા પ્રમાણે આ ગેંગ દર મહિના 25-30 હજાર રૂપિયાનું મૂલ્ય ધરાવતી નોટો બજારમાં ફરતી કરી રહી હતી.

પોલીસના કહેવા પ્રમાણે એક અંદાજ પ્રમાણે આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં આશરે 3 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. આરોપીઓ મોબાઈલ ગેમમાં 6 લાખ રૂપિયા હારી ગયા હતા અને ત્યાર બાદ તેમણે નકલી નોટો છાપવાનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળી આવેલી નકલી નોટોને દેવાસ (મધ્ય પ્રદેશ) લેબમાં તપાસ માટે મોકલી આપી છે.

42 હજારની નકલી નોટો જપ્ત કરી

ઘાટમપુર પોલીસના કહેવા પ્રમાણે યુવક નકલી નોટો છાપ્યા બાદ તેને દુકાનોમાં વટાવી લેતો હતો. તેણે પોતાના સાથીદારો સાથે મળીને છેલ્લા 3 મહિનામાં આશરે 3 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં વટાવી દીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક પ્રિન્ટિંગ મશીન અને 42 હજાર રૂપિયાની નકલી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.