ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડના રાસ ગરબા શહેરની સાથે જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર

ખંભાળિયા શહેરના પાદરમાં રામનગર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીના પ્રથમ દિવસથી રુદ્ર ગ્રુપના નેજા હેઠળ પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબા સાથેની ભવ્ય નવરાત્રી હાલ ફક્ત ખંભાળિયા શહેર જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દરરોજ ગરબા સ્થળે મોટી સંખ્યામાં ખેલૈયાઓ સાથે નિહાળવા માટે પણ લોકો જોડાઈ રહ્યા છે. ખંભાળિયા નજીક આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડના વિશાળ મેદાન તેમજ ખુલ્લા વાતાવરણમાં રુદ્ર ગ્રુપના આયોજકો – કાર્યકરો દ્વારા આ વર્ષે લાંબા સમય બાદ નગરજનો માટે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ, જાણીતા કલાકારો, ગવૈયાઓ તેમજ ડી.જે. ઉપરાંત પ્રથમ વખત સીસીટીવી કેમેરા સાથે જડબેસલાક સિક્યુરિટી બંદોબસ્તથી સલામત અને મુક્ત રીતે રાસ, ગરબા રમવા તેમજ નિહાળવા માટે પ્રારંભથી જ સમગ્ર વિસ્તારના લોકોનું અનેરૂ આકર્ષણ બની રહ્યું છે.

આ સ્થળે સુંદર લાઇટિંગ તેમજ મ્યુઝિક સિસ્ટમ ખેલૈયાઓને મોડે સુધી ગરબે ઘૂમવા લલચાવે છે. નિયમોના પાલન સાથે યોજવામાં આવેલા આ રાસ ગરબામાં દરરોજ અનેક ખેલૈયાઓને દાતાઓના સહયોગથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ સ્થળે કાયદાની સન્માનનીય વ્યક્તિઓ, પોલીસ અધિકારીઓ-સ્ટાફ, શહેરના આગેવાનો, હોદ્દેદારો તેમજ સુજ્ઞ નગરજનોની નિયમિત હાજરી આ આયોજનની સુંદર સફળતા છતી કરે છે. આ સ્થળે નિયમિત રીતે રમવા જતા રીમાબેન નામના ગરબા શોખીન મહિલાએ ગરબાના આયોજનના બે મોઢે વખાણ કરતા જણાવ્યું હતું કે “આ પ્રકારનું આયોજન મારા માટે ડ્રીમ બની રહ્યું હતું. જેમાં સહભાગી થઈ, મને ગરબા રમવાની ઈચ્છા સંતોષવાનો આનંદ છે.”

આ ઉપરાંત ગરબા શોખીન ક્વિન વિદ્યાર્થીની સંસ્કૃતિ મલકાન પણ પારંપરિક પરિવેશ સાથે નવરાત્રી ગરબા માણી, જણાવ્યું હતું કે “આધુનિક સિસ્ટમથી ખેલૈયાઓના ટેસ્ટ મુજબ થયેલા રાસ ગરબાના આ આયોજનથી અમારા ખેલૈયા ગ્રુપને ખૂબ જ મજા આવે છે. સાથે-સાથે સુંદર રીતે રમનારાઓને ઈનામ વડે પણ પ્રોત્સાહિત કરાતા અમોને આનંદ છે.” આ સમગ્ર આયોજન ખંભાળિયા શહેરના ખાસ કરીને યુવાઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આટલું જ નહીં, ગરબા નિહાળવા આવતા લોકોમાં પણ આનાથી થનગનાટ છવાઈ જાય છે. આ સમગ્ર ગરબા મહોત્સવ માટે રુદ્ર ગ્રુપની યુવા ટીમ ખભે ખભા મિલાવીને જહેમત ઉઠાવી રહી છે. આ રાસ-ગરબાને સુંદર રીતે આમ જનતા સમક્ષ રજુ કરવા મીડિયા પાર્ટનર તરીકે રાડિયા ન્યૂઝ એજન્સીની ટીમ પણ સેવારત છે.