મણિયારો: પોરબંદરમાં ભાઇઓનો મણીયારો, જ્યારે બહેનો પરંપરાગત રાસ રમે છે

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 23 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન પર મહેર સમાજના લોકો માટે નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે જ્યારે નવરાત્રિમાં પણ આધુનિકતા ભળી હોય એમા ગરબાનું સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યું છે અને ગરબીઓનું મ્યુઝીક પણ પાર્ટીમય બની ચુક્યું છે. ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહીલા અને પુરુષો ગરબા રમે તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે.

અહીં પાચમાં નોરતે જૂના પરંપરાગત ગરબાઓની જલક જોવા મળી હતી. તો સાથે જ જ્યારે મહેર સમાજની મહિલાઓ અને પુરુષો રાસ લે છે ત્યારે જોનારા મંત્રમુગ્ધ બની જાય છે. મહિલાઓ પારંપરીક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે. જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે.