ગેરકાયદે બાંધકામની મંજૂરી આપવા સબબ પાલિકાને નોટીસ

  • કમિશ્નર મ્યુનિસીપાલીટી એડમિનીસ્ટ્રેશનની કમિટી દ્વારા કાર્યવાહી
  • ખુલાસો નહીં કરે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે

સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસના કામોને મંજૂર કરવા માટેના નીતિનિયમોને નેવે મૂકીને પોરબંદર નગરપાલિકાના વિસ્તારોમાં ટાઉન પ્લાનીંગ કમીટી દ્વારા બહુમતીના જોરે અપાયેલી મંજૂરીઓ બાબતે કમીશ્નર મ્યુનીસીપાલીટી એડમીનીસ્ટ્રેશનની કમીટી ગાંધીનગર દ્વારા પોરબંદર નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ કમીટીના 6 સભ્યોને ખુલાસો કરવા માટે નોટીસ પાઠવવામાં આવી છે

અને ટાઉન પ્લાનિંગ કમિટીના છ સભ્યોના નામ સહિત આપવામાં આવેલી નોટિસના સંદર્ભમાં ખુલાસો કરવા માટે તેઓ ઉપસ્થિત ન થાય તો તેવા સંજોગોમાં તેઓ કોઈ જ રજૂઆત કરવા માગતા ન હોવાનું સ્વીકારી લઈને તેમની સામે આગળની કાર્યવાહી કરવાની ચેતવણી પણ ગાંધીનગરથી પાઠવવામાં આવેલા પત્રના માધ્યમથી આપવામાં આવી છે.૨૬મી સપ્ટેમ્બરે આ પત્ર પાઠવવામાં આવ્યો છે.

પોરબંદર નગરપાલિકાના વિસ્તારમાં વિકાસ માટેના સામાન્ય નિયમોની અવગણના કરીને માત્ર બહુમતીને જોરે જ ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન કેશુભાઈ સવદાસભાઈ બોખિરિયા અને સભ્યો મધુબેન સતીશભાઇ જોશી, ગંગાબેન નાનજી કાણકિયા, લાભુબેન માધવજીભાઇ મકવાણા, હાર્દિકભાઇ મુકુન્દભાઇ લાખાણી અને પાયલબેન અજયભાઇ બાપોદરાને નામે આ નોટિસ કાઢવામાં આવી છે.

તેમણે ટાઉન પ્લાનિંગ કમિટીમાં તેમની બહુમતી હોવાથી આવી મંજૂરી આપી દીધી હોય તેમની સામે ગુજરાત નગર પાલિકા અધિનિયમની કલમ 37 હેઠળ તેમની સામે પગલાં કેમ ન લેવા તે અંગે ખુલાસો કરવાની માગણી સાથે ગાંધીનગરથી તેમને પત્ર પાઠવવામાં આવ્યો છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે પોરબંદર છાંયા નગરપાલિકાની સામાન્ય સભાના ઠરાવ નં. 1 તા. 06-04-2021 દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 ની કલમ 6 હેઠળ રચવામાં આવેલી આયોજન સમિતિ દ્વારા કલમ 74 હેઠળ દર્શાવેલી સત્તા અને કાર્યો અન્વયે આયોજન સમિતિની બેઠકોમાં પરવાનગી પ્રકરણોમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા કાયદા, નિયમો અને વિનિમયોની વિરુદ્ધ તેમજ ચીફ ઓફીસર અને નગર નિયોજકના નામંજૂર કરેલા અભિપ્રાયને અવગણીને ફકત બહુમતીના જોરે ઠરાવ કરી વિકાસની પરવાનગીઓ મંજૂર કરી મંજૂર થયેલ પરવાનગીઓ ચેરમેનની સહીથી આપવામાં આવેલ છે.

સભ્યપદેથી દૂર કેમ ન કરવા ? તે અંગેનો ખુલાસો મંગાયો
આ નોટીસમાં જણાવાયું છે કે નગર પાલિકા અધિનિયમની કલમ 37(1) હેઠળ પગલા લઇને નોટીસમાં જણાવેલા નગર પાલિકાના હોદેદારોને પાલિકાના સભ્યપદેથી દૂર કેમ ન કરવા ? જે અન્વયે કારણદર્શક નોટીસની આગામી સુનાવણી તા. 03-11-2022 ના રોજ બપોરે 3.30 કલાકે નિયત કરવામાં આવી છે અને સુનાવણીમાં આ અંગે રજૂઆત કરવાનું જણાવવામાં આવ્યું છે.