ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. દાંડિયા રમતી વખતે યુવક અને યુવતીઓ પ્રેમમાં પડ્યા પછી લગ્ન કર્યાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવતા હતા. જોકે હવે શોર્ટ ટર્મ રિલેશનશિપનો શોકિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. નવરાત્રિ વખતે જ યુવા હૈયાઓ પ્રેમમાં પડી રહ્યા છે અને નવરાત્રિ પૂરી થતાં જ આ રિલેશનનો પણ અંત આવી રહ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ઓફ ગુજરાત ડૉક્ટર પ્રશાંત ભિમાણી સાથે મળીને આ ચોંકાવનારા ટ્રેન્ડના કારણો અને ઉપાયો અંગે વાત કરી હતી.
આશય એટલું જ હોય છે કે કોઈપણ રીતે નજીક આવવું
અમુક પ્રશ્નો એવા હોય છે કે તેં મને પહેલાં કેમ આ ન કહ્યું? કારણ કે પહેલાં એકબીજાની નજીક આવવાનો જ આશય વધુ હોય છે, અને આ આશયને કારણે એકબીજાથી છુપાવતા બહુ હોય છે. એટલા માટે જ છોકરા-છોકરીના સંબંધના પ્રશ્નો જ ખૂબ વધી જાય છે. એમ બ્રેક અપ્સ પણ વધે છે. વર્ષો અગાઉ ગુજરાતમાં અને બીજે પણ એવું જોવા મળતું કે નવરાત્રિ બાદ છોકરીઓની ગાયનેકોલોજિસ્ટના ત્યાં જવાની સંખ્યા પણ ખૂબ વધી જાય છે, એટલે એ પ્રશ્નો પણ આની સાથે સંકળાયેલા છે.
પછી રિલેશનશિપના પ્રશ્નો ઊભા થાય છે
સિનિયર કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ઓફ ગુજરાત ડોક્ટર પ્રશાંત ભીમાણી કહે છે કે નવરાત્રિ પછી કેટલીક માનસિક અને બિહેવ્યરલ સમસ્યાઓ પણ ઊભી થાય છે. આ સમસ્યાઓ ખાસ કરીને સંબંધો અંગે વધુ હોય છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે મોટેભાગે નવરાત્રિ પછી રિલેશનશિપના પ્રશ્નો ઊભા થાય છે. ઘણી બધી જોડીઓ નવરાત્રિની શરૂઆતમાં જોડાઈ જાય છે અને ક્યારેક દશેરા સુધીમાં તો છૂટા પણ પડી જાય છે. એવું બની શકે કે 4-5 દિવસ દરમિયાન એ લોકોને જેટલો સમય મળે છે એટલો સમય ખૂબ સારી રીતે એકબીજા સાથે વિતાવવાનો પ્રયાસ કરે છે. હું કેટલો સારો છું કે કેટલી સારી છું એવું બહાર બતાવવાનો પ્રયાસ કરે છે. પછી જેમ જેમ દિવસો વધતા જાય એમ એ લોકોને એકબીજાનો વાસ્તવિક પરિચય થતો જાય છે. એને કારણે આ બધી મુશ્કેલીઓ ખૂબ વધે છે.
ખોટું બોલવાથી સંબંધોની શરૂઆત થાય છે
ઘરેથી નવરાત્રિનું બહાનું કરે છે પણ કદાચ ગ્રાઉન્ડ સુધી નથી પહોંચતાં અને બીજે જતાં હોય છે. કારણ કે રાત્રે કોઈ પૂછવાવાળું નથી હોતું. અફકોર્સ છોકરા-છોકરી મળે એમાં કંઈ ખોટું નથી હોતું. પણ પ્રોબ્લેમ એ થાય છે કે એ વખતે ઝડપથી જોડાઈ જવું હોય છે, અને જોડાવામાં થતી ઉતાવળ છે એ જ એમના બ્રેક અપનું મૂળભૂત કારણ બને છે. એ લોકો એકબીજા સાથે જોડાવા માટે ઘણું બધું ખોટું બોલે છે. ભૂતકાળ કોઇની સાથે શેર કરતાં નથી, અને રાતનો સમય હોય છે, એ લોકોને એમ થાય છે કે આ સમયે આપણી આસપાસ કોઈ નથી અને આપણે એકબીજાની નજીક આવી શકીશું. એવું બંનેને થાય છે. બંને પાસે વાહન હોય અથવા કોઈ એક વાહન પર જતાં રહે. આવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે.
પછી થાય છે પ્રશ્નોની શરૂઆત
મોટાભાગે એક પ્રશ્ન હોય છે કે મને ખોટું કેમ કહ્યું? એટલે તરછોડી દે. એની સાથે બ્રેક અપ કર્યાનું કારણ જે હોય છે એ કારણ જોવા મળતું નથી. ઘણી વખત 10-15 દિવસ પૂરા થાય એ પછી સહેજ પણ જવાબ ન આપે, મોબાઇલમાં એકબીજાને બ્લોક કરી દેવામાં આવે. સોશિયલ મીડિયા પર બ્લોક કરી દેવામાં આવે. એવું બધું થતું હોય છે. એવું પણ થાય કે શારીરિક કે ઈમોશનલ જે પણ હેતુ હોય એ પૂરા થઈ ગયા હોય છે. પછી વાત પતી જાય છે અને તરત જ લોકો રિબાઉન્સ તરીકે બીજા રિલેશનશિપમાં પણ જતાં રહે છે.
રિલેશનશિપમાં કોણ પહેલ કરે?
આ અંગે ડૉ. ભીમાણી કહે છે કે બંને તરફથી રિલેશનશિપમાં આવવા માટે સરખી પહેલ થાય છે. હવે એવું નથી કે છોકરાઓ જ પહેલ કરે છે, અને બંનેને ખબર પણ હોય છે કે આ સંબંધ કદાચ લાંબો ન પણ ટકે. જેને પહેલેથી ખબર હોય છે એ લોકોને બહુ મુશ્કેલી થતી નથી પણ જે લોકો ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ વધારે પડતું કરી દે છે એ લોકોને ચોક્કસ મુશ્કેલી ઊભી થાય છે.
શોર્ટ ટર્મ રિલેશનશીપની આડઅસરો
જેની સાથે આવી ઘટના બને એ ડિપ્રેશનમાં આવી જાય. રડવું આવે, ગમતું નથી, એંક્ઝાયટી ઊભી થાય, રાત્રે ઊંઘ નથી આવતી, ચીડિયાપણું વધી જાય છે, એકલા રહેવાનું મન થાય છે, સોશિયલ વિથડ્રોઅલ થાય છે, ઘણા બધા લોકોને સાયકોસોમેટિક ઇશ્યૂ (માનસિક કારણોને લીધે થતી શારીરિક બીમારીઓ) ઊભા થાય છે અને સંબંધોમાંથી વિશ્વાસ પણ ઊઠી જાય છે.
એનાથી કેવી રીતે બચી શકાય?
સૌથી પહેલું એ છે કે નવરાત્રિમાં જ્યારે પણ તમે એકબીજાને મળો ત્યારે થોડો સમય લો, જેમ નવરાત્રિમાં ચહેરા પર મેકઅપ કરેલો હોય છે એમ મન ઉપર પણ મેકઅપ કરેલો હોય છે. એટલે થોડો વખત બધું સારું સારું લાગે. એ મેકઅપને ઉતારવો. બીજી વાત કે થોડી ધીરજ રાખો. કમિટમેન્ટ કરવામાં બહુ ઉતાવળ ન કરો. સાથે એ પણ છે કે કમિટમેન્ટ ફોબિયા પણ ન રાખો. જો વ્યક્તિ સારી લાગે તો ચોક્કસ તમે આગળ વધો. પણ ધીમે ધીમે આગળ વધો. એને બરાબર ઓળખીને આગળ વધો. એક-બે દિવસમાં લાઈફટાઈમના કોલ આપી દેવા કે પ્રોમિસીસ આપી દેવામાંથી બચો. વધુમાં, ધીમે ધીમે જ્યારે તમે આગળ વધો છો, નવરાત્રિ પછી પણ મળવાનું રાખો અને કદાચ ફેમિલીને ઇન્વોલ્વ કરવા જેવું લાગે તો એમને પણ ઇન્વોલ્વ કરો. એવી રીતે એક પરિપક્વ વ્યક્તિ તરીકે સંબંધમાં આગળ વધો તો ચોક્કસપણે સફળતા મળી શકે.
પ્રૉબ્લેમમાં ફસાઈ ગયા પછી શું?
જો આવો કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે તો સૌથી પહેલા તમારી નજીકની કોઈ વ્યક્તિ જેના પર તમે ખૂબ વિશ્વાસ મૂકો છો એ વ્યક્તિ સાથે તમારા મનની બધી વાત કરી દો. ભલે તમને એવું લાગે કે મેં ભૂલ કરી છે તેમ છતાં તમે શેર કરો. એ મનમાં ને મનમાં ન રાખો. જરૂર પડે તો સાયકોલોજિસ્ટનો ચોક્કસ સંપર્ક કરો. કાઉન્સેલિંગ લો. સાયકો થેરાપી લો. ઘણી બધી વખત સામાન્ય કે પ્રોપર ગાઈડન્સ મળે તો વૈજ્ઞાનિક રીતે તેનાથી સામાન્ય પ્રશ્નોનો ઉકેલ આવી જતો હોય છે અને જીવન પાછું પાટા પર આવી જતું હોય છે. જો મુશ્કેલી વધારે હોય તો ટ્રીટમેન્ટમાં દોઢથી ત્રણ મહિના જેટલો સમય લાગતો હોય છે.
છોકરા-છોકરીઓના પ્રશ્નો શું હોય છે?
પહેલાં એવું હતું કે છોકરીઓ વધારે ઈમોશનલ હોય. છોકરાઓ પણ વધારે ઈમોશનલ હોય છે, હવે એવું રહ્યું નથી. સામાન્ય રીતે હવે બંને સરખાં ઈમોશનલ જોવા મળે છે. બંનેને શારીરિક સંબંધની પણ મુશ્કેલી હોય છે. મુશ્કેલી એ હોય છે કે એ વખતે તો વાતમાં આવી જઇ ફિઝિકલ રિલેશનમાં ઇન્વોલ્વ થઈ ગયાં પણ પછી ગિલ્ટી પણ અનુભવાય છે. એટલે છોકરીઓને ખાસ કરીને પેરેન્ટ્સને કહેવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે એ છોકરીઓમાં ગિલ્ટ ઊભું થાય છે. જ્યારે છોકરાઓમાં ગિલ્ટ કરતાં વધારે એ હોય છે કે પતી ગઈ વાત. હવે પૂરી થઈ ગઈ. તારી સાથે ફાવતું એટલે હવે બીજી કોઈ વ્યક્તિ. એટલે એમ કરીને ધીરે ધીરે એ લોકોમાં તકલીફ ઊભી થાય છે. તેથી બંને જણની અંદર ઈમોશનલ પ્રશ્નો એકસરખા જ હોય છે.
અત્યારની જનરેશન પ્રેક્ટિકલ છે
તેમણે ઉમેર્યું કે એબ્સોલ્યૂટલી, પહેલાં કરતાં અત્યારની જનરેશન દિવસે ને દિવસે વધુ ને વધુ પ્રેક્ટિકલ થતી જાય છે. હવેની જનરેશનને ખબર છે કે શારીરિક સંબધો એ સંબંધોની વચ્ચેનો માત્ર એક પડાવ છે. એ ઉપરાંત બીજું ઘણું બધું છે. એટલે દરેકને પોતાનો ભૂતકાળ હોય છે, પોતાનો વર્તમાન હોય છે અને ભવિષ્યમાં પણ કોઈકની સાથે રહેવું હોય છે. આ બધી જ વસ્તુઓ હોય છે એટલે આ લોકો વધારે વ્યવહારિક-પ્રેક્ટિકલ થતા ગયા છે. એની સાથે ઇન્ટોલરન્ટ પણ એટલા જ થતા ગયા છે. એટલે સંબંધમાં સહન કરવાની શક્તિ પણ લોકોમાં ઘટી ગઈ છે. આ પણ નોંધવું રહ્યું.
વન સાઈડેડ લવર હોય પણ ઓછા
એવું બની શકે કે થોડા દિવસ પછી એક જણને ન ફાવ્યું તો એણે ના પડી દીધી, તો બીજી વ્યક્તિ છે એ કોઈપણ રીતે એને હેરાન કરે. એના વીડિયો કોઈક જગ્યાએ મૂકતાં હોય. એને મેસેજીસ કર્યા કરતા હોય. આવું કરનારા ઘણા બધા લોકો જોવા મળે છે. એ લોકો આગળ વધીને કદાચ બ્લેકમેલ પણ કરી શકે. એ હદ સુધી પણ કેટલાક લોકો જતા હોય છે. જોકે એ ક્રિમિનલ માઇન્ડ સેટવાળા લોકો હોય છે.
ડૉ. પ્રશાંત ભિમાણીએ તેમની પાસે સમસ્યા લઈને આવેલા કેટલાંક લોકોના કિસ્સા પણ શેર કર્યા હતા .
કિસ્સો 1
એક છોકરી એવી હતી કે જેણે પહેલા કે બીજા જ દિવસે કમિટમેન્ટ કરી લીધું હતું. છોકરાએ પણ કમિટમેન્ટ કરી લીધું હતું. બંને જણ સરસ રીતે એકબીજામાં ઇન્વોલ્વ થઈ ગયાં હતાં. પણ છોકરીને એ પ્રશ્ન હતો કે જ્યારે છોકરાએ ફિઝિકલ રિલેશન રાખવાનું કહ્યું ત્યારે છોકરીએ અત્યારે નહીં. આપણું નક્કી થાય પછી એવું કહ્યું. આટલી જ વાતમાં ઇમોશનલી બંને નજીક હોવા છતાં બંને જણ છૂટાં પડી ગયાં. એના કારણે હવે બંનેને એકબીજા સાથે ફાવતું નથી અને એકબીજા વગર ચાલતું પણ નથી. એટલે એ લોકોને રિલેશનશિપ કાઉન્સેલિંગની જરૂર પડી.
કિસ્સો 2
એક છોકરો એવો હતો કે જે બહુ જ ઇમોશનલી છોકરી પાછળ વધારે પડતો ઇન્વોલ્વ થઈ ગયો. એ છોકરીએ પહેલી જ વખતમાં ના પાડી હતી. પણ એ છોકરો દૂરથી છોકરીને હેરાન કરતો હતો. એના વીડિયો બનાવતો હતો. ના પાડવા છતાં એની પાછળ પડ્યો હતો. એમાં છોકરી હેરાન થતી હતી. પછી છોકરીએ છોકરાની સામે જ એનાં માબાપને કહ્યું કે તમારો આ છોકરો મારી પાછળ પડ્યો છે, ત્યારે માબાપે દીકરાને સમજાવ્યો કે તારે આવું ન કરવું જોઈએ. ત્યારે એણે એવું કહ્યું કે હું પોતાની જાતને નુકસાન કરી દઇશ. હું કઈક કરી બેસીશ, જો મને આ છોકરી નહીં મળે તો આવું બધું થશે, એ પ્રકારની ધમકી માતાપિતાને જ આપવા લાગ્યો હતો. આવી એકતરફી પ્રેમની વાતો પણ જોવા મળે છે.
કિસ્સો 3
એક ઘટનામાં છોકરીને માતાપિતા સાથે પ્રોબ્લેમ થયો હતો. એ જ્યાં જાય ત્યાંનું લોકેશન માતાપિતાને મોકલવું જ પડે. એ છોકરી એકદમ સીધી સાદી પ્રોપર હતી. એણે કહ્યું કે સર મને મુશ્કેલી બીજી કોઈ જ નથી. અત્યારે મારા ગ્રુપમાં બીજી કોઈ છોકરીનાં પેરન્ટ્સ આવતાં નથી. મારી જ મમ્મી ત્યાં ઊભી રહે છે અને ત્યાંથી જોયા કરે છે. બધાં ઓળખતાં હોય એટલે મારી ફ્રેન્ડ્સ મારી મમ્મીને પણ મળવા જાય અને મને ક્ષોભ જેવું થાય છે. એટલે આ પેરન્ટ્સની વધુ પડતી ચિંતા છે. એમણે બાળકો પર વિશ્વાસ રાખવો જ જોઈએ.
અત્યારે આ લોકો સારવાર હેઠળ છે. પહેલાં કરતાં ઘણા પોઝિટિવ છે અને ટૂંક સમયમાં સાજા થઈ જશે.
માતાપિતાએ પણ બાળકો પર વિશ્વાસ રાખવો
ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે કે માતાપિતાએ પણ બાળકો પર વિશ્વાસ રાખવો જોઈએ. બધા જ છોકરાઑ ખરાબ જ હોય છે એવું નથી હોતું. એ લોકો ક્યાંક આનંદ, મજા કરવા કે ફરવા પણ જતા હોય છે. ઘણી બધી વખત કેટલીક મમ્મીઓ, પપ્પાઓ છોકરાઓની સાથે જાય, પાછળ ફોલો કરે. મારે માતાપિતાને કહેવું છે કે તમે તમારા બાળક પર વિશ્વાસ રાખો. એની સાથે બધી જ બાબતોની ચર્ચા કરો કે આવા પ્રશ્નો થઈ શકે. એના ઉકેલ આવા હોય. તારે આ ધ્યાન રાખવાનું. જો તમારો સંવાદનો સેતુ બાળક સાથે યોગ્ય હશે તો બાળક કોઈ મુશ્કેલીમાં નહીં મુકાય.
તેઓ ઉમેરે છે કે આવી સમસ્યાના દર્દીઓ નવરાત્રિ પૂરી થવા આવે ત્યારે આવતા હોય છે. એવા કિસ્સાની સંખ્યા દર 10માંથી 4ની હોય છે. દર વર્ષે આ સંખ્યા વધે જ છે.
તેમનું કહેવું છે કે રિલેશન શોર્ટ અને લોંગ બંને પ્રકારના હોય છે. એવા લોકોને પણ હું ઓળખું છું કે જેમનાં લગ્ન થયાં છે અને એમનું નક્કી જ ગરબામાં થયું હોય. એવા પણ કેટલાક લોકો છે જેમણે એકબીજા સાથે પ્રોપર કમિટમેન્ટ નિભાવ્યું હોય અને લાંબાગાળા સુધી સાથે રહ્યાં હોય. મોટાભાગના લોકોમાં અત્યારે જે થાય છે એ ટેમ્પરરી રિલેશનશિપ થતી હોય છે. આમ તો બંને પ્રકારની રિલેશનશિપ થાય છે, તેમ છતાં એ વ્યક્તિ પર નિર્ભર કરે છે.
લેખક: સારથી એમ.સાગર