ભારતનું મોટું દુષણ જાતિવાદ, સરકારી ઓફિસોમાં પણ વ્યાપ

અસમાનતા અને ઉચ્ચ-નીચનો ભયંકર રોગ ધરાવતા ભારતમાં જાતિ જાતિ વચ્ચે વૈમન્સ્યતા દિનબદીન વધી રહી છે.

લોકોના રોજમરાના જીવનમાં દખલઅંદાજી કરતો આ રોગ હવે સરકારી માળખામાં પણ વકર્યો છે, બદલી, પ્રમોશન, વિભાગ સહીત ટેબલ સ્તરે આ રોગ એ હદે પ્રસર્યો છે કે હવે તો મોટાભાગની સરકારી કામગીરીઓમાં પણ જાતિવાદ છલકાય છે.

વાત કરીએ સરકારી વિભાગની તો જમીનશાખા, પુરવઠા, પ્રોટોકોલ, સરકારી સ્કીમ, ચૂંટણી શાખા જેવા વિભાગોમાં જે જાતિનો અધિકારી જિલ્લામાં ઉચ્ચ અધિકારી હોય એ જાતિના જ કર્મચારીઓને તેવા વિભાગોમાં ટેબલ ફાળવણી થાય છે, પોલીસ તંત્રમાં પણ આવું જ છે.

ફરિયાદ કરનાર કઈ જાતિ છે, આરોપી કઈ જાતિનો છે અને તપાસ કરનાર અધિકારી કઈ જાતિમાંથી આવે છે !! એ અનુસાર ગુન્હાની અરજીનો નિકાલ થાય છે.

પોરબંદર જેવા જિલ્લામાં એટ્રોસિટી ફરિયાદોનું પ્રમાણ વધુ જોવા મળે છે તો તેની પાછળના એક કારણમાં જાતિવાદ જ જવાબદાર છે.

આવા તો અનેક ઉદાહરણ છે. પોરબંદર ગ્રામ્ય અને શહેર મેજિસ્ટ્રેટ શાખાની વાત કરીએ તો તે વિભાગોમાં જાતિ પ્રેરિત શાખા ફાળવાય છે, જમીનશાખાની વાત કરીએ તો આ વિભાગમાં પણ જાતિય દ્રષ્ટિકોણ પ્રાથમિક હોય તેવું ભાસે છે.

આવા વિભાગોમાં કેસો કે અરજીઓનો નિકાલ પણ એ અનુસાર જ થાય છે. અગર એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ જે જાતિના હોય તે જાતિના જ આરોપીઓ હોય તો કાયદો તોડાય મરોડાય છે. અગર જમીનશાખામા મહત્વનું ટેબલ કોઈ પાટીદાર, બ્રાહ્મણ કે અન્ય જાતિના કર્મચારી હોય તો એજ જાતિના અરજદારો માટે કાયદાને ફ્લેક્સીબલ બનાવાય છે.

માત્ર વિભાગો જ નહીં જાતિય દ્રષ્ટિકોણ છેક મુખ્યમંત્રીની ખુરશી સુધી લંબાયો છે. ધીરેધીરે જાતિય દ્રષ્ટિ હવે ન્યાયિક વ્યવસ્થામાં પણ અનુસરવામાં આવી રહી છે. ત્યાં પણ ફરિયાદી વર્સીસ આરોપીની જાતિ અનુસાર વકીલોની પસંદગી થાય છે.

આ બીમારી ભારતને ભરડો લઈ ચુકી છે અને એને ફેલાવવામાં એ તમામ જાતિઓનો હાથ છે જે વ્યવસ્થાઓમાં જાતિ વર્ચસ્વ ઈચ્છે છે.

સવાલ અહીં જાતિઓની ઉચતા કે નીચતાનો નથી, સવાલ છે જાતિઓના સંગઠન અને વિઘટનોનો. જાતિમા માનવ સમૂહ કેટલો છે એ કરતાં વધુ મહત્વ છે, જાતિમા સંગઠન કેટલું ? સમૂહ થોડો હોય પણ સંગઠન તાલબદ્ધ હોય તો વ્યવસ્થાના શિર્મોવ એવી જાતિ કે એવા સમૂહ હોય છે.

જાતિ ગૌરવ અને જાતિ અભિમાન દરેકને હોય અને હોવું જ જોઈએ પરંતુ જાતિવાદના દુષણમાં કર્તવ્ય, ફરજ અને નિષ્ઠા જ્યારે કોરાણે ધકેલાય જાય ત્યારે કાયદો અને વ્યવસ્થા હાલક ડોલક થઈ જાય એ તમામ સરકારી પગાર મેળવતા મુલાજીમો એ સમજવું પડશે.

રાવણના રાજ્ય લંકામાં આખી એક જ જાતિ હતી, ધનાનંદના રાજ્ય મગધમાં પણ એક જાતિનુ વર્ચસ્વ હતું, પરિણામ સ્વરૂપ લંકામાંથી વિભિષણ વિદ્રોહ કરીને અલગ થયા ન હોત તો લંકામાં કોઈ બચ્યું ન હોત, મગધમાં પણ ચાણક્યએ વિદ્રોહ કર્યો ન હોત તો ચંદ્રગુપ્ત જેવો શાસક જનતાને ક્યારેય મળ્યો જ ન હોત.

જાતિવાદ જરૂરી પણ છે પરંતુ દરેક જગ્યાએ નહીં એ દરેક જાતિના લોકોએ સમજવું રહ્યું અન્યથા સગઠન કેવડું પણ મોટું કે શક્તિશાળી કેમ ન હોય, આંતરિક વિરોધ (વિદ્રોહ) ઉભરવાનો જ છે અને ત્યારે જે જાતિમા હોવાનું ગૌરવ હોય તેજ જાતિમા હોવાનું લાંચ્છન પણ વેઠવું જ રહ્યું.

જો જાતિવાદમાં જ દિલચસ્પી હોય તો જાતિ માનવ જાતિ છે, સમૂહ, સંગઠન કે સમુદાય નહીં.