કાલે કેજરી અને ભગવતં રાજકોટની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરીના સૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સૌરાષ્ટ્ર્ર–ગુજરાતના પ્રવાસે રહ્યા બાદ આવતીકાલે બે મુખ્યમંત્રીઓ રાજકોટ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતં માન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અહીં રાત્રી રોકાણ પણ કરવાના છે.

પ્રાથમિક માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલ અને ભગવતં માન આવતીકાલે સાંજે ચાર્ટર્ડ ફલાઈટ દ્રારા રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યાંથી સીધા નિલસિટી કલબમાં જશે. રાજકોટમાં આ બન્ને મુખ્યમંત્રીઓનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી પરંતુ રાત્રી રોકાણ રાજકોટમાં કર્યા બાદ બીજા દિવસે સવારે એટલે કે બીજી તારીખે તેઓ અમદાવાદ જવા રવાના થશે.

આ સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ અને ભગવતં માન કોઈ વ્યકિતગત કારણોસર જૂનાગઢ જવાના છે અને જૂનાગઢથી સાંજે રાજકોટ આવશે. એરપોર્ટના સૂત્રોએ કહ્યું હતું કે, આ ચાર્ટર્ડ ફલાઈટ બપોરે ૨–૩૦ આસપાસ આવવાની છે. જો કે આપના વર્તુળો અનુસાર બન્ને મહાનુભાવો સાંજે રાજકોટ પહોંચશે.

આમ આદમી પાર્ટીના બન્ને મુખ્યમંત્રીઓ ગુજરાતમાં એકસાથે આવી રહ્યા હોય તેવો આ પહેલો પ્રસગં છે. રાજકોટમાં તેઓ પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુના મહેમાન બનવાના છે.

આ અંગે ઈન્દ્રનીલ રાજગુરુને પૂછતા તેમણે કહ્યું હતું કે, બન્ને મુખ્યમંત્રીઓ આવતીકાલે સાંજે રાજકોટ આવશે અને રાત્રી રોકાણ નિલસિટી કલબમાં કર્યા બાદ બીજી તારીખે સવારે અમદાવાદ જવા રવાના થશે.

બબ્બે રાજ્યોના મુખ્યમંત્રીઓ એકસાથે રાજકોટ આવવાના હોવાથી પોલીસને પણ સુરક્ષા–વ્યવસ્થા માટે દોડધામ થઈ ગઈ છે અને એરપોર્ટથી નિલસિટી સુધી તેમનું પાયલોટિંગ અને એસ્કોટિગ પણ ગોઠવાઈ રહ્યું છે. નિલસિટી કલબમાં પણ જરૂરી બંદોબસ્ત કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરી અને તેમાં પણ બબ્બે મુખ્યમંત્રીઓ રાજકોટ આવી રહ્યા હોવાથી આપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.