સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા એટલે કે નવા સંસદ ભવન પરિસરમાં મુકાનારી ત્રણ સિંહની પ્ર્તિમાને લઈને પોતાનો ચુકાદો આપી દીધો છે.
કોર્ટે કહ્યુ છે કે, ખુલ્લા મોઢાવાળા સિંહોની પ્રતિમામાં કશું ખોટુ નથી.આ પ્રતિમા કોઈ પણ પ્રકારના રાષ્ટ્રીય પ્રતિકને લગતા કાયદાની વિપરીત નથી. આમ સેન્ટ્રલ વિસ્ટા પર ખુલ્લા મોઢાવાળા સિંહની પ્રતિમા યથાવત રહેશે.
નવા સંસદ ભવનમાં મુકાનારી આ પ્રતિમાની સામે કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેમાં કોર્ટે પિટિશન કરનારને પૂછયુ હતુ કે, તમે નક્કી કરશો કે આ પ્રતિમા કેવી હશે? આ પ્રતિમા કેવી દેખાય છે તે જોનારાના વિવેક પર આધાર રાખે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિમાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો અને કોંગ્રેસે આરપ લગાવ્યો હતો કે, સારનાથ ખાતે આવેલા અશોક સ્તંભ પરના ત્રણ સિંહોના ચરિત્ર અને પ્રકૃતિને બદલી નાંખવામાં આવી છે અને તે ભારતના નેશનલ સિમ્બોલનુ અપમાન છે.
એ પછી આ પ્રતિમાને બદલવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.
સરકારે જે તે સમયે સ્પષ્ટતા કરી હતી કે સારનાથ ખાતેની પ્રતિમાને મોટી કરવામાં આવે અને નવા સંસદ ભવન પરની પ્રતિમાનુ કદ જો નાનુ કરવામાં આવે તો બંને પ્રતિમા એક સરખી જ લાગશે.
ત્રણ સિંહની પ્રતિમા એટલે કે નેશનલ સિમ્બોલ જયપુરના મૂર્તિકાર લક્ષ્મણ વ્યાસના માર્ગદર્શન હેઠળ 40 કારિગરોએ તૈયાર કરી હતી. આ પ્રતિમાને 150 અલગ અલગ હિસ્સાઓને તૈયાર કરીને જોડવામાં આવ્યા છે. આ પ્રતિમામાં ક્યારેય કાટ ના લાગે તેવી ટેકનિકનો ઉપયોગ કરાયો છે.