પોરબંદર નગરપાલિકા દ્વારા ર૦૧૭માં પેરેડાઇઝ વિસ્તારમાં એક માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ક્યાં કમુહૂર્તમાં આ બિલ્ડીંગનું ખાત મુહૂર્ત થયું તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ બિલ્ડીંગના નિર્માણ બાદ આ માર્કેટની દુકાનો ભાડે પટ્ટે આપવામાં પાલિકાને સારૂ મુહૂર્ત મળ્યું નહી અને વર્ષો સુધી આ બિલ્ડીંગ ધૂળ ખાતુ રહ્યું છે, જર્જરીત થઇ ગયું અને અંતે અસામાજીક તત્વોનો અડ્ડો બની ગયું હતું. આ બિલ્ડીંગ અંગેના અહેવાલો સમયાંતરે અખબારોમાં પણ પ્રસિદ્ધ થયા. તેમ છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું ન હતું. હવે પાલિકાનું તંત્ર કુભકર્ણની નીંદ્રામાથી જાગ્યું હોય તેમ આ શાકમાર્કેટના રીનોવેશનની કામગીરી છેલ્લા ર૦ દિવસથી શરૂ કરી છે. હાલ તો સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ ભાડા પટ્ટે ક્યારે આપવામાં આવશે તે હજુ નક્કી થયું નથી. જો કે જે રીતે રીનોવેશનની કામગીરી ચાલી રહી છે તે જોતા લાગે છે કે આગામી દિવસોમાં આ બિલ્ડીંગ ભાડા પટ્ટે આપવામાં આવશે. શહેરના પોસ વિસ્તાર ગણાતા પેરેડાઇઝ વિસ્તારમાં પાલિકાએ ૭૭ લાખ રૂપિયાનો ખર્ચ કરી આ બિલ્ડીંગનું નિર્માણ કર્યું હતું. વર્ષ ર૦૧૭માં નિર્માણાધિન આ બિલ્ડીંગ વર્ષોથી મુર્છીત અવસ્તામાં હતું. હવે પાલિકાએ તેને સજીવન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર પાઘડી લઇને આ દુકાન ભાડા પટ્ટે આપવામાં આવશે. શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય ધંધાર્થીઓને પણ આ દુકાન ભાડે આપવામાં આવશે. પોસ વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગની કિંમત ખૂબજ ઉંચી ગણાય છે. તેવા સમયે પાલિકાએ હવે આ બિલ્ડીંગ ભાડા પટ્ટે આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સ્થાનીક લોકોને આ માર્કેટનો લાભ મળશે