પોરબંદરના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે રસ્તા પરના ખાડામાં હવન કરાયો; સરકાર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
પોરબંદરના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી ભક્તિ સાથે યુથ કોંગ્રેસ-એનએસયુઆઈ દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું હતું. ખાડા પૂજન કરીને લોકોની વેદનાને વાચા આપવાનો પ્રયાસ યુથ કોંગ્રેસ-એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું કે, પોરબંદરના લોકો અને નેતાઓની વચ્ચે આ સરકાર શું તફાવત કરે છે તેનું ઉદાહરણ એ છે કે, શહેરના મુખ્ય માર્ગો ઉપર છેલ્લા 2-3 મહિનાથી લોકો પોતાના હાડકા ભાગી રહ્યાં છે અને નેતાઓના આગમન થાય એટલે રાતો-રાત રસ્તાઓનું સમારકામ થઈ જાય છે. આ સરકાર ભૂલી ગઈ છે કે, લોકોથી નેતા છે નેતાથી લોકો નથી.
સરકારે દેશનાં અર્થતંત્રને ખાડામાં નાખી
શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડા પડી ગયા હોય રોજ હજારો લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યાં હોય, ત્યારે આ સરકારને જગાડવા યુથ કોગ્રેસ-એનએસયુઆઈ દ્વારા ખાડા પૂજન કરીને, આ સરકારને લોકોએ ખાડા પૂરવા અને સારી સહુલિયત મળે તે માટે સરકારમાં લાવી હતી. ત્યારે આ સરકારે ખાડા પૂરવાની જગ્યાએ દેશના અર્થતંત્રને ખાડામા નાખી દીધું છે. એરપોર્ટ, રેલવે-સ્ટેશન, બંદરો અને યુવાનોની રોજગારી શિક્ષણ આરોગ્ય આ બધું ખાડે નાખી દીધું છે અને લોકોને આ ખાડા શારીરિક અને આર્થિક રીતે પણ પરેશાન કરી રહ્યાં છે. યુથ કોંગ્રેસ-એનએસયુઆઈ દ્વારા ખાડામાં હવન કરી અર્થતંત્ર, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બંદરો અને યુવાનોની રોજગારી, શિક્ષણ, આરોગ્ય વગેરેને કાગળમાં લખીને બધું હવન કુંડમા નાખીને વિરોધ દર્શાવ્યો હતો.