આજે વિશ્વ હડકવા દિવસ: વ્યક્તિમાં હડક્વાની બિમારી થાય પછી બચાવવી મુશ્કેલ છે

  • પ્રાણીને હડકવાના વાયરસ હોય અને તે કરડે તો વ્યકિતને થાય છે
  • શહેરના 12 આરોગ્ય કેન્દ્ર, જી.જી. હોસ્પિટલમાં હડકવાની રસી નિ:શુલ્ક અપાય છે
દર વર્ષે 28 સપ્ટેમ્બરના વિશ્વ હડકવા (રેબીસ) દિવસ તરીકે ઉજવવાનું રાજય સરકારે નકકી કર્યું છે. જામનગર મહાનગરપાલિકાના મેડીકલ ઓફીસરએ જણાવ્યું છે કે, સામાન્ય રીતે પ્રાણીઓના કરડવાથી મનુષ્યમાં હડકવા થવાની સંભાવના છે. હડકવા એક પ્રકારના વાયરસથી ફેલાય છે. પ્રાણીઓની લાળમાં એના વાયરસ રહેલા હોય છે. જયારે પ્રાણી કોઇ મનુષ્યને કરડે તેનામાં હડકવાના કોઇ લક્ષણ દેખાતા ન હોય, પરંતુ જો એની લાળમાં હડકવાના વાયરસ હોય તો જે કોઇ વ્યકિતને કરડે ત્યારે તેના શરીર પર ઘાવ બને અને તે ઘાવમાં લાળમાંથી હડકવાના વાયરસ વ્યકિતના શરીરમાં દાખલ થઇ જાય છે.

જો તે વ્યકિત દ્વારા સમયસર હડકવા વિરોધી રસી ડોઝ લેવામાં ન આવે તો તેને હડકવાની બિમારી થઇ શકે છે. એકવાર મનુષ્યમાં હડકવાની બિમારી શરૂ થાય પછી તેને બચાવવું મુશ્કેલ છે. આથી કોઇ પ્રાણી કરડે ત્યારે સમયસર હડકવાની રસી લેવામાં આવે તો તે વ્યકિતની મહામૂલી જીંદગી પણ બચી શકે છે.

હડકવાની બિમારીથી બચવા આ તકેદારી જરૂરી

  • તબીબની સલાહ અનુસાર એન્ટી રેબીઝ રસીનો કોર્સ પૂરો કરવો
  • તબીબની તાકીદે સલાહ લો અને એન્ટી રેબીઝ કલીનીકમાં જાઓ
  • સમય-સમય પર પાલતું પ્રાણીઓને રસી અપાવવી.
  • ઘા ની જગ્યાએ સાબુ અથવા સાફ પાણી, સ્પીરીટ, આલ્કોહોલ સોલ્યુશન એન્ટીસેપ્ટીકનો તરત ઉપયોગ કરવો.
  • ઘા ઉપર મરચું, કોઇપણ પ્રકારનું તેલ કે બીજા કોઇ પદાર્થ ન લગાવવા.
  • કોઇપણ જાતનો અંધવિશ્વાસ ન રાખવો.
  • નાના બાળકોને રખડતા પ્રાણીઓથી દૂર રાખવા અને તેમની જોડે રમવા દેવા નહીં.