કોંગ્રેસની ઝંડીઓ જપ્ત, મહાપાલિકામાં ધબધબાટી

મ્યુનિ.કમિશનર બ્રાન્ચમાં ધારાસભ્ય, શહેર પ્રમુખ, વિપક્ષી નેતા સહિત એક ડઝન કોંગી નેતાઓ ધસી આવ્યા: મ્યુનિ. કમિશનર અમિત અરોરાને ઉગ્ર રજુઆત: પૂર્વ મંજૂરી મેળવી ચાર્જ ચુકવીને લગાવેલી ઝંડીઓ મહાપાલિકાએ ભાજપના ઇશારે જપ્ત કર્યાનો આક્ષેપ

રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલો કોંગ્રેસની સાથે-માના દ્વારે રેલી અંતર્ગત આગોતરી મંજૂરી મેળવી અને નિયત ચાર્જ ચુકવીને કોંગ્રેસના ચિન્હ પંજા સાથે લગાવેલી ઝંડીઓ દબાણ હટાવતા દ્વારા જપ્ત કરી લેવામાં આવતા આ મુદ્દે આજે રાજકારણ ગરમાયું હતું અને બપોરે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વિપક્ષ કોંગ્રેસના એક ડઝન જેટલા નેતાઓ ધસી આવ્યા હતા અને દબાણ હટાવ શાખા ભાજપના શાસકોના ઇશારે કોંગ્રેસની ઝંડીઓ દૂર કરી રહી હોવાનો આક્ષેપ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં આજે બપોરે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરને વિપક્ષ દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે આવતીકાલે આસો સુદ-૩ તા.૨૮-૯-૨૦૨૨ના રોજ ચાલો કોંગ્રેસની સાથે-માં ના દ્વારેના રેલી અંતર્ગત રૂટ ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રચાર સાહિત્ય લગાડવામાં આવેલ હોય જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેમજ બેનરના પ્રચાર સાહિત્યના નાણા ભરપાઈ કરવામાં આવ્યા હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઠેકઠેકાણે રેલીના રૂટ ઉપરથી ઝંડા-ધજા-પતાકા ઉતારવામાં આવી રહ્યા હોઈ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ભાજપ જેવી ભેદી નીતિ ધરાવતા દબાણ હટાવ શાખાના વડા તરીકે ભાજપ દ્વારા બેસાડવામાં આવેલ બારૈયા અને અધિકારીઓ ઉપર નિશાન તાકતા કહ્યું કે શા માટે કોંગ્રેસનો કાર્યક્રમ હોય ત્યારે જ ઝંડા-ધજા હટાવવામાં આવે છે ? ભાજપના કેમ ઉતારવામાં આવતા નથી ? જયારે ભાજપની ઝંડી-ધજા રોશની શાખાના વાહનો દ્વારા લગાડવામાં આવે છે ત્યારે મનપાનું તંત્ર કેમ આંખ આડા કાન કરે છે? અને કેમ છેક છ-છ માસ સુધી ભાજપની ઝંડીઓ ઉતારવામાં નથી આવતી? એક ને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ મનપાના તંત્ર દ્વારા કેમ અપનાવવામાં આવે છે? જો આમ ચાલુ રહેશે તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ કોંગ્રેસની મ્યુનિસિપલ કમિશ્નરને ચીમકી આપતા જણાવ્યું કે જો આવું ચાલુ રહેશે તો આગામી સમયમાં ભાજપની ઝંડી-ઝંડા કોંગ્રેસના કાર્યકરો ઉતારશે અને કોઈપણ બનાવ બને તેની તમામ જવાબદારી મ્યુનિસિપલ કમિશ્નરની રહેશે.

અમે કયા પક્ષની ઝંડી, બેનર કે બોર્ડ છે તે જોઇને જપ્ત કરતા નથી, નિયમ મુજબ કામ ચાલે છે: કેપ્ટન બારીયા

દબાણ હટાવ શાખાના અધિકારી કેપ્ટન પી.જે.બારીયાએ જણાવ્યું હતું કે દબાણ હટાવ શાખા પર થઇ રહેલા આક્ષેપો પાયા વિહોણા છે અમે ક્યારેય કયા પક્ષની ઝંડી બેનર કે બોર્ડ છે તે જોઈને જપ્ત કરવાની કામગીરી કરતા નથી. ફક્ત અને ફક્ત ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ અને નિયમ મુજબ કામગીરી કરીએ છીએ.