મ્યુનિ.દરોડામાં વાસી મિઠાઇ રિફ્રેશ કરી વેંચવાનું કૌભાંડ ઝડપાયું

જામનગર રોડ પર જય ખોડિયાર ડેરી ફાર્મ અને તેના ઉત્પાદન યુનિટ જે.કે. સ્વીટ તેમજ જલારામ જાંબુમાં વાસી મિઠાઇ રિફ્રેશ કરી માર્કેટમાં વેંચવા માટે રાખ્યાનું ખુલ્યું: અંજીર બરફી, ચોકલેટ બરફી, પેંડા, થાબડી સહિત ૧૮૦ કિલો મિઠાઇ તેમજ એક્સપયરી ડેઇટ વિતાવી ચૂકેલા ત્રણ કિલો ફૂડ કલરનો નાશ: નોટિસ ફટકારાઇ, સેમ્પલ લેવાયા

સ્વાદ શોખીનોના રંગીલા શહેર રાજકોટમાંથી વધુ એક કૌભાંડ ઝડપાયું છે હાલ સુધીમાં ભેળસેળના અનેક કારસ્તાન મળી ચૂક્યા છે પરંતુ આજે મહાપાલિકાની ફૂડ શાખાના દરોડા દરમિયાન વાસી મીઠાઈનો જથ્થો રિફ્રેશ કરી ફરી માર્કેટમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું હતું.

વિશેષમાં મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફટી ઓફિસર અમિત પંચાલએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મિઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરતા સ્થળોએ ચેકિંગ-દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી જે અંતર્ગત જય ખોડિયાર ડેરી ફાર્મ (ઉત્પાદન યુનિટ -જે. કે. સ્વીટ) સ્થળ -નંદનવન સોસાયટી માધાપર, જામનગર રોડ, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ જૂની વણવાપરાયેલી મીઠાઇનો જથ્થો રિફ્રેશ કરી ફરીથી માર્કેટમાં વેચાણ માટેના હેતુ સબબ રાખવામા આવેલ હોવાનું જણાતા સ્થળ પર વાસી અખાદ્ય અંજીર બરફી, ચોકલેટ બરફી તેમજ અન્ય મિઠાઇ અનહાઇજિનિક રીતે સ્ટોરેજ કરેલ કુલ ૧૧૦ કિલો જથ્થો ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ લાયસન્સિંગ કન્ડિશન મુજબ સ્થળ પર હાયજિનિક સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી ઓરેન્જ ચમચમ -બંગાળી મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે શ્રી જલારામ જાંબુવાળા, સ્થળ -ભવનાથ પાર્ક, માધાપર ગેઇટ પાસે, જામનગર રોડ, રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર ફ્રીઝમાં સંગ્રહ કરેલ મીઠાઇનો જથ્થો રિફ્રેશ કરી ફરીથી માર્કેટમાં વેચાણ માટેના હેતુ સબબ સ્ટોરેજ કર્યા હોવાનું જણાતા સ્થળ પર વાસી અખાદ્ય પેંડા, કેસર પેંડા, થાબડી, બરફી, અંગુરી પનીર તેમજ અન્ય મીઠાઇ અનહાયજિનિક રીતે સ્ટોરેજ કરેલ કુલ ૭૦ કિલો જથ્થો તથા ત્રણ કિલો એક્સપાયરી થયેલ ફૂડ કલર ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ લાયસન્સિંગ કન્ડિશન મુજબ સ્થળ પર હાયજિનિક સ્ટોરેજ રાખવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી મોતીચૂર લાડુ- મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતીઉપરોક્ત તમામ કામગીરી નાયબ કમિશ્નર (હેલ્થ) આશિષ કુમારની સૂચના અન્વયે ડેઝીગ્નેટેડ ઓફિસર એ. એન.પંચાલના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી હતી.