સરકાર બ્લોક કરવાનું કહે છે એમાંથી ૬૦ ટકા ટ્વીટ વાંધાજનક હોતી નથી

કર્ણાટક હાઈકોર્ટમાં ટ્વિટરના કેસની સુનાવણી થઈ હતી. એ વખતે ટ્વિટરે રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકાર જે ટ્વીટ્સને ડિલિટ કરવાનું દબાણ કરે છે એમાંથી ૫૦-૬૦ ટકા ટ્વીટ્સ વાંધાજનક હોતી નથી. એવી ટ્વીટ્સ નિરૃપદ્રવી હોય છે. કેન્દ્ર સરકાર વતી અગાઉ દલીલ થઈ હતી કે ટ્વિટર જાણી જોઈને ભારતના કાયદાનું ઉલ્લંઘન કરે છે.

કર્ણાટક હાઈકોર્ટમાં ટ્વિટરે કેન્દ્ર સરકાર સામે અયોગ્ય રીતે ટ્વીટ્સ ડિલિટ કરવાનો આદેશ થતો હોવા મુદ્દે અરજી કરી હતી. અગાઉની સુનાવણીમાં કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ટ્વિટર જાણી જોઈને ભારતના કાયદાનું ઉલ્લંઘન કરે છે. ભારતે ૧૦૧ પેજનો જવાબ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

એની સુનાવણી દરમિયાન ટ્વિટરે વળતો જવાબ આપ્યો હતો. ટ્વિટરે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જે ટ્વીટ્સને ડિલિટ કરવાનો આદેશ આપે છે, એમાંથી ૫૦-૬૦ ટકા ટ્વીટ્સ વાંધાજનક હોતી નથી. એવી ટ્વીટ્સને ટ્વિટરે નિરૃપદ્રવી ગણાવી હતી અને આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર જે તે ટ્વીટ બદલ યુઝર્સને નોટિસ પાઠવીને જાણ સુદ્ધાં કરવાને બદલે સીધો ટ્વિટરને જ એવી ટ્વીટ્સ ડિલિટ કરવાનો આદેશ આપે છે. ટ્વિટર વતી હાઈકોર્ટમાં ત્યાં સુધી કહેવાયું હતું કે ખેડૂત આંદોલન વખતે કેટલાય એકાઉન્ટ્સને કાયમી માટે બંધ કરવાનું સરકારે દબાણ કર્યું હતું. ટ્વિટરે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય હેઠળ આ દલીલ કરીને ઉમેર્યું હતું કે વાંધાજનક ન હોય એવી ટ્વીટ્સને ડિલિટ કરી નાખવી અયોગ્ય છે. એ સિવાય ટ્વિટર ખુદ અમુક કીવર્ડ્સને બ્લોક રાખે છે. જેમ કે આતંકવાદ કે ખાલિસ્તાનીઓની પ્રવૃત્તિને ટ્વિટર ડિલિટ કરી નાખે છે. રાજકીય સામગ્રી હોવાથી કે ટીકાટીપ્પણી હોવાથી આઈટી મંત્રાલય એવી સામગ્રી પર પ્રતિબંધ મૂકવાનું કહે છે એવો આરોપ ટ્વિટરે લગાવ્યો હતો.