મૈને પાયલ હૈ છનકાઈ’ મુદ્દે નેહા, ફાલ્ગુની વચ્ચે તકરાર

ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક અને રિમિક્સ ક્વિન નેહા કક્કડ વચ્ચે ફાલ્ગુનીનાં ઓરિજિનલ ગીત ‘મૈને પાયલ હે છનકાઈ’નાં રિમિક્સ મુદ્દે તકરાર જામી છે.

ફાલ્ગુની પાઠકે ૧૯૯૯માં આ ગીત રજૂ કર્યું હતું.વિવાન ભટેના અને નીખીલા પલટ પર પેટ શોની થીમ પર ફિલ્માવાયેલું આ ગીત ત્યારે ભારે લોકપ્રિય થયું હતું અને આ ગીત હાલ ફાલ્ગુનીનાં સદાબહાર ક્લાસિક સોંગ્સમાંનું એક મનાય છે.

નેહા કક્કડ બોલીવૂડની રિમિક્સ ક્વિન તરીકે જાણીતી છે. અનેક પ્રખ્યાત જૂનાં બોલીવૂડ ગીતોને તે પોતાની રીતે નવા ઢાળમાં ગાઈને જાણીતી બની છે. તેણે ‘મૈને પાયલ હે છનકાઈ’નું પણ રિમિક્સ બનાવી નાખતાં ફાલ્ગુની પાઠક ભારે નારાજ થઈ હતી. ફાલ્ગુનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ રિમિક્સ વિશે જાણીને મને ઉલ્ટી આવવા જેવું થયું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે મૂળ ગીતના રાઈટ્સ મારી પાસે નથી એટલે હું કોઈ કાનૂની પગલાં પણ લઈ શકું તેમ નથી.

બીજી તરફ, નેહા કક્કડએ  પોતાના જવાબમાં કહ્યું છે કે જે લોકો મને સફળ અને ખુશ જોઈને દુખી થાય છે તેમના માટે હું અફસોસ અનુભવું છું.

સોશિયલ મીડિયા પર નેહાને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. મોટાભાગના લોકોએ એક કલાસિક ગીતને આ રીતે ઉઠાવીને તેને બદતર બનાવી દેવા બદલ નેહાની ટીકા કરી છે.