ઇટલીમાં મોટી રાજકિય ઉથલપાથલના એંધાણ, એકઝિટ પોલમાં કટ્ટર દક્ષિણપંથી ગઠબંધન જીતના માર્ગે

ઇટલીમાં મોટુ સત્તા પરીવર્તન થઇ રહયું હોવા અણસાર મળી રહયા છે. ઇટલીના ઇતિહાસમાં મુસોલિની કટ્ટર જમણેરી, ફાંસીવાદી વિચાર ધરાવતા હતા. મુસોલિની પછી પ્રથમ વાર કટ્ટર દક્ષિણપંથી વિચારો ધરાવતા પક્ષની સરકાર બની રહી હોવાનું જુદા જુદા એકઝિટ પોલમાં જણાવાયું છે.

તમામ એકઝિટની પોલની સરેરાશ મુજબ ૪૫ વર્ષની મહિલા જર્યોજિયા મેલોનીની બ્રધર્સ ઓફ ઇટલીના નેતૃત્વમાં એક ગઠબંધન ૪૧ થી ૪૫ ટકા વોટ શેર સાથે જીતી રહયું છે. ડાબેરી અને બાકીના પક્ષોનું ગઢબંધન ડેમોક્રેટિક પાર્ટી ૨૫ થી ૨૯ ટકા જેટલા મતો સુધી પહોંચી શકે છે.

ઇટલીની અત્યંત રુઢિવાદી ગણાતી બ્રધર્સ ઓફ ઇટલી પક્ષને એકલા હાથે ૨૨ થી ૨૬ ટકા જેટલા મત મળી રહયા છે. જયારે ગઢબંધનના સાથી માટેઓ સાલ્વિનીની ધ લીગ પાર્ટીને ૮.૫ થી ૧૨.૫ ટકા જયારે ફોર્જા ઇટાલિયા પક્ષને ૬ થી ૮ ટકા મત મળવાની ધારણા છે. મેલોનીના નેતૃત્વમાં સૌથી જુના રાજકિય પક્ષે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ  લોકપ્રિયતા મેળવી છે.

૨૦૧૮માં યોજાયેલા ઇલેકશનમાં માત્ર ૪.૫ ટકા મત મળ્યા હતા તેમાં તેમાં ૫ થી ૬ ગણો વધારો જણાય છે. જો કે આ એકઝિટ પોલ હોવા છતાં દક્ષિણપંથી પક્ષોના કાર્યાલયો પર ઉજવણીનો માહોલ જોવા મળી રહયો છે. ૪૫ વર્ષીય મેલોની વડાપ્રધાન પદ સંભાળશે તેને લઇને સમર્થકો ઉત્સાહમાં છે. મેલોની ઇટલીની રાજધાની રોમની છે. તેણે ગોડ, કન્ટ્રી અને ફેમિલીનો નારા સાથે ચુંટણી પ્રચાર કર્યો હતો.