પૂર્વોતર રાજય મણીપુરના ઇમ્ફાલમાં ચાલતા ખરીદી બજારમાં માત્ર મહિલાઓનું જ રાજ ચાલે છે. તેને સ્થાનિક ભાષામાં ‘ઇમા કેઇથલ’કહે છે જેનો અર્થ માતાનું માર્કેટ એવો થાય છે. આ ઇમા કેઇથલ મહિલાઓ દ્વારા સંચાલિત એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. જેમાં દરરોજ ૪ હજાર મહિલાઓ આવીને શાકભાજી, હેન્ડલૂમ કપડા, ફર્નિચર સહિતની તમામ જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ વેચે છે.
આ અનોખા માર્કેટમાં પુરુષોને કોઇ જ સ્થાન ન હોવા ઉપરાંત માત્ર પરણીત મહિલા જ વેપારી બની શકે છે. માતા પોતાની દીકરીને વારસામાં માર્કેટનો વ્યવસાય આપતી જાય છે આ પરંપરા આગળ વધવાથી છેલ્લા ૨૦૦ કરતા પણ વધુ વર્ષોથી મહિલાઓનું માર્કટ ધમધમી રહયું છે.પૂર્વોત્તર ભારતની મહેનતુ મહિલાઓ દાયકાઓથી પરીવારમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. આથી આ માર્કેટ પણ મહિલા સશકિતકરણનું કેન્દ્ર બન્યું છે.
ગ્રામિણ વિસ્તારની મહિલાઓ પોતાના ખેતરમાં શાકભાજી ઉગાડીને આ માર્કેટમાં વેચવા આવે છે. દરરોજ ૨૦૦ થી માંડીને ૧૦૦૦ રુપિયા સુધીનો નફો રળતી મહિલાઓ મહિલાના આર્થિક સ્વાવલંબનનું સૌથી મોટું ઉદાહરણ છે. આથી જ તો માત્ર મહિલાઓ વડે જ ચાલતું હોય તેવું એશિયાનું સૌથી મોટું માર્કેટ બન્યું છે.દુનિયામાં કયાંય જોવા ના મળતુ મહિલા માર્કેટ ૧૭મી સદીમાં પણ અસ્તિત્વ ધરાવતું હોવાના પુરાવા મળે છે.
આ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું વુમન માર્કેટ
લોકોની માન્યતા મુજબ મણીપુરમાં સોળમી સદીમાં થઇ ગયેલા એક રાજાએ બધા જ પુરુષોને પોતાની સેવામાં રોકી રાખ્યા હતા.તેમજ રાજની સેવા બદલ કોઇ વેતન પણ આપવામાં આવતુ ન હતું. આથી ઘરના બાળકો તથા વૃધ્ધોની આજીવિકાની કામગીરી મહિલાઓ પર આવી પડેલી તેમાંથી આ મહિલા માર્કેટનો ઉદ્ભવ થયો હતો.
અન્ય એક માન્યતા મુજબ પુરુષો નાની મોટી લડાઇઓ તથા યુદ્ધોમાં વ્યસત રહેતા હતા ત્યારે ઘરના લોકોની આજીવિકાનો બોજ મહિલાઓ ઉઠાવતી હતી .આ માર્કેટના ઐતિહાસિક મહત્વને જોતા પ્રવાસીઓ પણ અચૂક મુલાકાત લે છે. થોડાક વર્ષો પહેલા ભૂકંપમાં આ માર્કેટને નુકસાન થતા બાજુમાં જ નવું માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે.