કાયદો હાથમાં લીધો: ગામમાં ચોરી કરવા આવેલા દંપતીને ઝાડ સાથે બાંધી મેથીપાક ચખાડ્યો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામના મંદિર અને ઘરમાં થયેલી ચોરી મામલે નવો ખુલાસો થયો છે. ચોરી કરવા આવેલી ટોળકીમાંથી એક દંપતીને ગામલોકોએ ઝડપી પોલીસને હવાલે કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, ઝડપાયેલા દંપતીને પોલીસને સોંપતા પહેલા ગામલોકોએ એક ઝાડ સાથે બાંધી મેથીપાક ચખાડ્યો હોવાનું સામે આવ્યું છે.

જશાપર ગામના મંદિર અને ઘરમાં ચોરી થઈ હતી
જશાપર ગામમાં મજૂરી કામ કરતા 6 લોકોએ ગામમાં આવેલા મંદિર અને એક ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કર ટોળકી સોનું, ચાંદી અને રોકડ રકમની ચોરી કરી હતી. જો કે, તસ્કરો ચોરીને અંજામ આપી ભાગી છૂટે તે પહેલા જ ગામલોકોએ ચોર દંપતીને ઝડપી પાડ્યું હતું અને ગામના ચોરામાં લઈ જઈ ઝાડ સાથે બાંધી દીધું હતું. ગામલોકોએ મેથીપાક ચખાડ્યા બાદ દંપતીને પોલીસને હવાલે કર્યું હતું. હાલ આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાઈરલ વીડિયોમાં ગામલોકો ચોર દંપતીને કબૂલાત કરતા નજરે પડી રહ્યા છે.