દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પત્રકારો આજે ભાણવડ સર્કિટ હાઉસ ખાતે મળ્યા હતા, આ તકે ભાણવડના સંગઠન ના હોદેદારોની નિમણુંક પણ કરવામાં આવી હતી.
પ્રમુખ તરીકે મારખી ભાઈ આહીર, ઉપપ્રમુખ ઇમરાન ગઢકાઈ, મહામંત્રી તરીકે સુમિત દતાણીની વરણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભાજપના નેતા અને જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલા ભાઈ કરમુર, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ જોશી અને જિલ્લા પત્રકાર સમિતિના પ્રમુખ અનિલ લાલ ખાસ મહેમાનો તરીકે પધારેલ હતા.
પત્રકારોની બોડીના દસ જેટલા સદસ્યોનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં પાલભાઈ કરમુરે ઉપસ્થિત પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે એમની જાણકારી છે ત્યાં સુધી રાજ્ય સરકારે પત્રકારોની માંગો પૈકી કેટલીક માંગો વિચાર અર્થે લીધી છે અને ચૂંટણી બાદ તેમાંની લગભગ માંગણીઓ મંજુર પણ કરવામાં આવશે ત્યારે સમાજની વ્યથા અને હાલાકી ઉપર રોશની પાડનાર પત્રકારો નિર્ભિકપણે પત્રકારીતા નિભાવે.
વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ જોશીએ જણાવ્યું હતું કે સરકાર એ તરફ પણ ધ્યાન આપે કે નોકરશાહોની બનેલી સિસ્ટમમાં કેટલાંક અધિકારી અને કર્મચારીઓ ઘમંડમાં ચકનાચુર છે, આવા અધિકારીઓ મબલખ ભ્રષ્ટાચાર આચરતા હોય જેનાં પર પ્રકાશ પાડનાર પત્રકારોને ખોટા કેસોમાં સપડાવી દેવામાં આવે છે, આથી પત્રકાર સુરક્ષા કાનુનને સરકાર સત્વરે પાસ કરે જેથી તેવા ઘમંડી સરકારી મુલાજીમોના કરતૂતો ઉજાગર કરી શકાય. સરકાર આ બાબતે પત્રકારોને રક્ષણ આપતો કાયદો પસાર કરે ત્યાં સુધીમાં ખુરશીના મદમાં ભાન ભૂલીને મનઘડત અને મનસ્વી રીતે વર્તતા અધિકારીઓ કે કર્મચારીઓને તેની મર્યાદામાં રહેવા હુન્કાર ભર્યો હતો.
જિલ્લા પત્રકાર સમિતિના પ્રમુખ અનિલભાઈ લાલે જણાવ્યું હતું કે પત્રકારો પર ખોટા કેસોના બનાવ દિનબદિન વધતા જાય છે ત્યારે એ હકીકતને નકારી ન શકાય કે ભ્રષ્ટાચારમાં લિપ્ત કર્મચારી કે અધિકારી એના ભ્રષ્ટાચાર ને દબાવી લેવા પત્રકારોને સંડોવી દેવાની પ્રવુતિ કરી રહ્યા છે. આ બાબતે નેતાઓને ઝુકી ઝુકીને સલામ ફરમાવતા દરેક જિલ્લાના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓથી અમે વાકેફ છીએ અને ખરેખર ભ્રષ્ટાચાર નિવારવાની સરકારની ઈચ્છાશક્તિ પ્રબળ બનશે ત્યારે તેવા લોકોના ભ્રષ્ટાચારોની સંપૂર્ણ માહિતી પત્રકારો પુરી પાડશે.
કાર્યક્રમના અંતે ચૂંટણીઓ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પત્રકારોનું મહા સંમેલન મળશે તેવી જાણકારી રવી પરમારે આપી હતી અને ઉપસ્થિત તમામ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.