આવતીકાલ સોમવારથી માતાજીની આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ

કોરોના મહામારી બાદ આ વર્ષે પહેલી વાર તમામ નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી આવી રહી છે. તેના માટે સુરતીઓ ભારે ઉત્સાહમાં આવી ગયા છે. નિયંત્રણ હટાવ્યા બાદ પહેલી નવરાત્રી હોવાથી ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.

સુરતમાં શેરી અને રહેણાંક સોસાયટીમાં નવરાત્રીનો માહોલ જામશે તેવું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત સુરતના 400 વર્ષના પૌરાણિક મંદિર એવા અંબાજી મંદિર અને અંબિકાની કેતન મંદિર સહિત શહેરના મંદિરોમાં માતાજીની આરાધના માટે સજાવટ કરી દેવામાં આવી છે.

સુરતના અંબાજી રોડ વિસ્તારમાં આવેલુંમાં અંબાનું 400 વર્ષ કરતાં જુનુ મંદિર છે જેમાં શિવાજી મહારાજે પણ પુજા કરી હતી. તે મંદિર આ દિવસોમાં સુરતીઓના આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આવી જ રીતે અઠવાલાઇન્સ ખાતે આવેલું અંબિકાની કેતન મંદિર પણ માતાના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની જાય છે. અંબા માતાના મંદિર ઉપરાંત સુરતમાં આવેલા અનેક મંદિરોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે.

આ મંદિરમાં નવરાત્રી દરમિયાન માતાના ભક્તોની ભીડ વધતી હોવાથી દર્શન માટે ખાસ આયોજન કરવામા આવશે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ પોલીસ સાથે સંકલન કરીને આયોજન કરી રહ્યા છે. અંબા માતાના 400 વર્ષ જુના મંદિરમાં નવરાત્રી દરમિયાન જવારા વાવવામાં આવે છે અને ત્યાર બાદ તેનો પ્રસાદ પણ ભક્તોને આપવામા આવે છે.

આ વર્ષે નવરાત્રીમાં કોઈ પણ જાતના પ્રતિબંધ ન હોવાથી માતાજીના મંદિરોમાં ભારે ભીડ જોવા મળશે સાથે સાથે સુરતમાં શેરી નવરાત્રી અને રહેણાંક સોસાયટીમાં નવરાત્રીનું આયોજન પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેના કારણે માતાજીના ભક્તો મન મુકીને નવરાત્રીની ઉજવણી કરવા સાથે ગરબે ઘુમતા પણ જોવા મળશે.

વરસાદી વાતાવરણથી ખેલૈયાઓમાં ચિંતા

શ્રધ્ધા પક્ષમાં સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને ગઈકાલે પણ વહેલી સવારે સુરતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાંપટા જોવા મળી રહ્યાં છે. હજી પણ વરસાદી વાતાવરણ હોવાથી ખેલૈયાઓને નવરાત્રી દરમિાયન વરસાદ પડે તેની ચિંતા સતાવી રહી છે.

સુરતના ખેલાયાઓને એવી ભીતી છે કે નવરાત્રી દરમયિાન પણ વરસાદી ઝાંપટા પડી શકે છે તેથી તેઓ નવરાત્રી દરમિયાન વરસાદ આવે તો ઉજવણી કઈ રીતે કરવી તેની પણ તૈયારી કરી રહ્યાં છે.