વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનો સંકલિત કરી પ્રકાશન વિભાગે પ્રસિદ્ધ કરેલા પુસ્તકના વિમોચન સમયે પૂર્વ રાષ્ટ્રપતિ એમ. વૈેકૈય્યાહ નાયડુએ કહ્યું હતું કે, વડાપ્રધાને વિરોધ પક્ષના નેતાઓને પણ વારંવાર મળતા રહેવું જોઈએ અને કેટલીક ‘ગેરસમજો’ દૂર કરતા રહેવી જોઈએ.
જો કે નાયડુએ તેઓના પ્રવચનમાં વડાપ્રધાને આરોગ્ય, વિદેશ નીતિ, ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની પણ પ્રશંસા કરી હતી અને સાથે જણાવ્યું પણ હતું કે, વિશ્વ આજે ભારતને સાચા અર્થમાં ઓળખતું થયું છે. ભારત હવે ગણનાપાત્ર પરિબળ બની રહ્યું છે તેનો અવાજ દુનિયાભરમાં સંભળાઈ રહ્યો છે અને તે પણ આટલા ટૂંકા સમયમાં તે કૈં સાધારણ વાત નથી. તે બધું તેઓએ લીધેલા પગલાંથી જ સિદ્ધ થઈ શક્યું છે તેમ વૈંક્ય્યાહ નાયડુએ ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ‘સબકા સાથ સબકા વિકાસ’ના વિમોચન સમયે કહ્યું હતું.
આ સાથે નાયડુએ વિપક્ષોને પણ સલાહ આપી હતી કે, તેઓએ પણ મન ખુલ્લું રાખવું જોઈએ. તમારે બધાએ સમજી લેવું જોઈએ કે આપણે સ્પર્ધકો છીએ, શત્રુઓ નથી દરેક પક્ષે પરસ્પરનો આદેશ કરવો જોઈએ, વડાપ્રધાનનું પદ, રાષ્ટ્રપતિનું પદ, ઉપરાષ્ટ્રપતિનું પદ તેમજ મુખ્યમંત્રીઓના પદોનો પણ આદર રાખવો જોઈએ. આ સૌએ મનમાં ઘૂંટી રાખવું પડે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેરલના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને મુસ્લિમોમાં પ્રવર્તેલી ‘ટ્રિપલ તલ્લાક’ની રીતિને દૂર કરવાના વડા પ્રધાનના પગલાની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેથી મુસ્લિમ મહિલાઓને સાચો ન્યાય મળ્યો છે. જવાહરલાલ નેહરૂ તે સમજતા હતા પરંતુ નિર્ણય લઈ શક્યા ન હતા. મોદીએ હિંમત કરી તે પગલું લીધું છે.
આ પ્રસંગે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત હતા. તેમ તેઓએ જણાવ્યું હતું કે, પ્રકાશન વિભાગે પ્રસિદ્ધ કરેલા આ પુસ્તકમાં વડાપ્રધાનના મહત્ત્વના ૮૬ પ્રવચનો આવરી લેવાયા છે. જેમાં ‘આત્મનિર્ભર ભારત’ને સ્પર્શતા ૧૦ વિષયો આવરી લેવાયા છે જેમાં અર્થતંત્ર, પીપલ્સ ફર્સ્ટ ગવર્નન્સ, કોવિદ-૧૯ સામેના યુદ્ધ, ઉદ્ધાટિત ભારત, વિદેશ નીતિ, જયકિશાન, ટેક ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા, રેસિલન્ટ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, એફીસીયન્ટ ઇન્ડિયા, એક્સટર્નલ ઇન્ડિયા, કલ્ચરલ હેરિટેજ અને મન-કી-બાત સમાવિષ્ટ છે.