ખંભાળિયા તા. ર૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા દ્વારકા વિધાનસભા બેઠક પર આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થશે.
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ખંભાળિયા બેઠક પરથી સતવારા ઉમેદવાર તથા દ્વારકા બેઠક પરથી આહિર ઉમેદવારને ચૂંટણી લડાવે તેવી શક્યતા છે, જો કે ‘આપ’નું હજી સંગઠન ગોઠવાયું નથી તેથી કેવી લડત આપે છે તે જોવાનું રહ્યું. તો કોંગ્રેસ અને ભાજપ આહીર ઉમેદવારો ઉતારે તેવી પુરી શક્યતા છે, ખંભાળિયા બેઠક હાલ કોંગ્રેસ પાસે છે અને ૨૦૧૭ માં કોંગ્રેસ ના વિક્રમ માડમ ભાજપના ઉમેદવાર પર ૪૫૦૦ મતની સરસાઈ મેળવીને જીત્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાળુભાઈ ચાવડા હતા.
૨૦૨૨ માટે કોંગ્રેસ વિક્રમ માડમને રીપીટ કરે તેવી શક્યતાઓ વચ્ચે કોંગ્રેસમાં ઉમેદવારને લઈને રસાકસી ભાગ્યેજ હશે ત્યારે ભાજપે ઉમેદવાર પસંદ કરવાનો હજુ છુપાવી રાખ્યું છે, આ સીટ પર ભાજપના સંભવિત ઉમેદવારોમાં મુળુ બેરા પર પસંદગીનો કળશ ઢોડાઇ શકે છે, આ ઉપરાંત પાલા કરમુર, વી.ડી.મોરી જેવા આગેવાનો રેસમાં હોઈ શકે.
જો કે કોંગ્રેસના વિક્રમ માડમ સામે ભાજપને કોઈ સબળ ઉમેદવાર મળવો મુશ્કેલ છે, મુળુ બેરા લગાતાર ત્રણ ચૂંટણી હારી ચુક્યા છે અને નવા ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર સામે ચાલે તેમ નથી.
જો આમ આદમી પાર્ટી કોઈ સબળ ઉમેદવાર ને મેદાનમાં ઉતારે અને ૨૦૧૭ ના આંકડાઓ મુજબ તે ઉમેદવાર જીતે નહીં પરંતુ છ સાત હજાર મતો મેળવી જાય અને ભાજપ કોઈ સક્ષમ ઉમેદવારને મેદાનમાં ઉતારે તો કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ ને જીતવું ભારે પડી જાય, આ જોતા ખંભાળિયા સીટ ભાજપના ફાળે આસાનીથી જાય તેવી શક્યતાઓ ઓછી છે, આપ ને હજુ ખભાળિયામાં જીત મળવી નહિવત છે, આમ કોંગ્રેસ ના વિક્રમ માડમ તો રીપીટ ધારાસભ્ય નિશ્ચિત છે.
દ્વારકા સીટ પર ભાજપ પબુભાને મેદાનમાં ઉતારશે તો કોંગ્રેસને આ સીટ જીતવી ભારે પડી જાય તેમ છે, આખરી નિર્ણય મતદાતાઓએ કરવાનો હોય છે પરંતુ સમીકરણ આ મુજબ છે આથી આંકલન એમ કહી શકાય.