એક સપ્તાહ બાદ ભારતમાં શરૂ થશે 5G સર્વિસ, PM મોદી કરશે લોન્ચ

દેશમાં ઘણાં લાંબા સમયથી 5G નેટવર્કની રાહ જોવાઈ રહી હતી. જોકે હવે આખરે તેનો અંત આવ્યો છે અને આગામી 1 ઓક્ટોબરથી દેશમાં 5G સેવા શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’માં 5G સેવાઓ લોન્ચ કરશે. પ્રગતિ મેદાન ખાતે યોજાનારી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ’ 4 ઓક્ટોબર સુધી ચાલવાની છે.

એશિયાના સૌથી વિશાળ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો કરતા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું (IMC) આયોજન સંયુક્તરૂપે દૂરસંચાર વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા કરવામાં આવે છે.

સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. તેના કહેવા પ્રમાણે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઉંચાઈઓ પર લઈ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી વિશાળ ટેક્નોલોજી પ્રદર્શની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓની શરૂઆત કરશે.