INC/NCP ગઠબંધન પોરબંદર કોંગ્રેસમાં અંદરો અંદર ફુટ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે રાજ્યમાં ધીમે ધીમે રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. જેમા એનસીપી દ્રારા કોંગ્રેસના મોવડી મંડળ પાસે 15 જેટલી સીટો માંગવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે બંને રાજકીય પક્ષો કોંગ્રેસ અને એનસીપીના ગઢબંધનની ચર્ચા વચ્ચે પોરબંદર કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યોં છે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ કોંગ્રેસ અને એનસીપીના ગઢબંધનનો ભારે વિરોધ નોંધાવ્યો છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ચાલી રહેલા ગઠબંધનની વાત મુદ્દે ભારે રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે,ગઠબંધન થશે તો પોરબંદરથી અમદાવાદ રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજી આ મુદ્દે વિરોધ નોંધાવીશ. સાથે જ જો આ ગઠબંધન થશે તો પોરબંદર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં પણ કોંગ્રેસ મુક્ત થઈ જશે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ નાથા ઓડેદરા વધુમા જણાવ્યું હતું કે, કુતિયાણા બેઠક માટે મને કોંગ્રેસના આગેવાનોએ ટિકિટ આપવાનું કહ્યું હતું. જેના કારણે હું છેલ્લા 3 મહિનાથી રાણાવાવ-કુતિયાણા મતવિસ્તારમાં ઘરે-ઘરે ફરીને મહેનત કરી રહ્યો છે. પરંતુ જો ગઠબંધન થશે તો મારે પણ ક્યા પક્ષમાંથી ચૂંટણી લડવી સહિતના નિર્ણયો આગામી સમયમાં લઇશ તેવું પત્રકારોને જણાવ્યું હતું.