જામનગરનું ગુજસીટોક પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં: પાંચને જામીન

બિલ્ડર નિલેશ ટોલિયા, ઍડવોકેટ વી.એલ. માનસતા, જીમી આડતિયા અને યશપાલ-જશપાલને જામીન આપતી સર્વોચ્ચ અદાલત: ડિફોલ્ટ બેલ મળ્યા: તપાસ માટે અપાયેલ ત્રણ મહિનાના એકસ્ટેન્શન સમયે આરોપીઓને નહીં સાંભળવામાં આવતા જામીનનો ગ્રાઉન્ડ બન્યો

જામનગરના અતિ ચકચારી અને સમગ્ર રાજ્યમાં ગાજેલા ગુજસીટોક પ્રકરણમાં લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા પાંચ આરોપીને સુપ્રીમ કોર્ટે ડિફોલ્ટ બેલ આપ્યા છે, આમ વધુ એક વખત જામનગરનો એક ચર્ચાસ્પદ પ્રકરણ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. અત્રે નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટે ડિફોલ્ટ બેલ આપતાની સાથે મહારાષ્ટ્ર હાઈકોર્ટ દ્વારા ‘મકોકા’ના એક કેસમાં આપવામાં આવેલા જજમેન્ટને પણ નજર સમક્ષ રાખ્યો હતો.આ ચકચારી પ્રકરણની વિગતો મુજબ જામનગરના ભુમાફીયા જયેશ પટેલના ગુન્હાખોરીના સામ્રાજયને નેસ્તનાબુદ કરવા ગૃહવિભાગ દ્વારા સ્પેશ્યલ આઇપીએસ અધિકારી દિપન ભદ્રનની નિમણુંક જામનગર ખાતે કરવામાં આવી હતી, બાહોશ અને જાંબાઝ અધિકારી દ્વારા પોતાની ચુનંદા અધિકારીઓની ટીમ બનાવીને સધન ઉંડાણપુર્વકની તપાસ કરીને જયેશ પટેલ એન્ડ ટોળકી સામે જામનગરમાં સૌપ્રથમ સીટી-એ ડીવીઝન ખાતે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય ૧૪ આરોપીઓ અને તપાસ દરમ્યાન વધુ ૩ની સંડોવણી સામે આવી હતી, સૌ પ્રથમ આઠ આરોપીઓને પકડી લીધા હતા જેમાં પોલીસ, બિલ્ડર, નગરસેવક, હિસાબનીશ સહિતનાઓનો સમાવેશ થતો હતો ત્યારબાદ વકિલ સહિતના ઝપટમાં આવ્યા હતા અને ધરપકડનો આંક ૧૩ એ પહોંચયો હતો જયારે નાસતા ફરતા ત્રણ આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા દરમ્યાનમાં મુખ્ય સુત્રધાર ભુમાફીયા જયેશ પટેલ લંડનમાં પોલીસના સકંજામાં આવ્યો હતો તેની સામે કેશ ચાલી ગયો છે, જેને ભારત લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, લંડનની કોર્ટમાં ચાલતા જયેશ રાણપરીયાના કેશમાં કાનુની લડત આપવામાં આવી રહી છે.

એસપી દિપન ભદ્રન, એએસપી નિતેશ પાંડેય, એલસીબી પીઆઇ ચૌધરી, એસઓજી પીઆઇ નીનામા સહિતના ચુનંદા અધિકારીઓની ટુકડી દ્વારા ધનિષ્ઠ તપાસ કરીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી જેના પગલે રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટનો પર્દાફાસ થયો હતો.ગુજસીટોકનો ગુન્હો દાખલ થયા બાદ પકડાયેલા આરોપીઓને રાજયની જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પોલીસ તપાસમાં થોકબંધ સાહિત્ય સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને ગત વર્ષમાં પોલીસ સહિતની ટુકડી દ્વારા અમુક આરોપીની લાખો, કરોડોની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી. જામનગર સહિત રાજયભરમાં ભારે ચકચારી બનેલા ગુજસીટોક પ્રકરણમાં તાજેતરમાં જ ગૃહવિભાગ દ્વારા તમામ આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર રાખવા અને ટીફીન બંધ કરાવવાની કાર્યવાહીના આદેશ અપાયા હતા, જયેશ પટેલ સામે ૪૨ થી વધુ ગુન્હા દાખલ થયેલા છે જેમાં હત્યા, ખંડણી, છેતરપીંડી, શહેરની ઇવાપાર્કની ૧૦૦ કરોડની જમીન, રણજીતસાગર રોડ પર રામવાડી નામની ૩૦ કરોડની જમીન પચાવી પાડવા, ધાક ધમકીઓ આપવી, બોગસ પાસપોર્ટ, સીગારેટ સ્મગલીંગ, ફાયરીંગ કરાવવા, કાવત‚ રચવા વિગેરે ગુન્હાનો સમાવેશ થાય છે. ગુજસીટોક પ્રકરણમાં પકડાયેલા આરોપીઓએ અગાઉ રાજકોટની ખાસ અદાલતમાં જામીન અરજીઓ મુકી હતી જે નામંજુર થઇ હતી અને તાજેતરમાં જ જામનગર પોલીસ દ્વારા રાજકોટની ગુજસીટોક કોર્ટમાં આરોપીઓ સામે ચાર્જ ફેમ કરવામાં આવ્યુ હતું.

રાજકોટની ખાસ અદાલત અને ત્યારબાદ હાઈકોર્ટમાં ગુજસીટોકના આરોપીઓ પૈકી બિલ્ડર નિલેશ ટોલિયા, ઍડવોકેટ વી.એલ. માનસાતા, જીમી આડતિયા, યશપાલસિંહ અને જશપાલસિંહ દ્વારા જામીન માટે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતાં અને આ રીતે ગુજસીટોકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સમયાંતરે આ અંગેની સુનાવણીઓ ચાલી હતી, અંતે સર્વોચ્ચ અદાલતના ન્યામૂર્તિ દ્વારા ઉપરોકત પાંચ આરોપીને ડિફોલ્ટ બેલ આપવામાં આવી છે જેના આધારે અંદાજે બે વર્ષથી જેલવાસ ભોગવી રહેલાં આરોપીઓ બહાર આવી શકશે.
ડિફોલ્ટ બેલ કેવી રીતે મળી? આ સંબંધે જામનગરના અત્યંત વરિષ્ઠ અને હાઈકોર્ટના ઍડવોકેટ સાથે વાત કરવામાં આવતાં એમણે કહ્યું હતું કે, ગુજસીટોક પ્રકરણ નોંધાયા બાદ નિયમ મુજબ ત્રણ માસમાં તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ કરી દેવાની હોય છે, આ મામલામાં ૯૦ દિવસ બાદ ચાર્જશીટ થઈ શકી નહોતી. તપાસનીશ પોલીસ દ્વારા રાજકોટની ખાસ અદાલતમાં તપાસ માટે વધુ ત્રણ મહિનાનું એકસ્ટેન્શન માંગવામાં આવ્યું હતું. જે તે સમયે રાજકોટની અદાલત દ્વારા આ એકસ્ટેન્શન અપાયું હતું.
આ મુદ્દાને જ મુખ્ય આધાર બનાવીને આરોપીઓના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલો કરાઈ હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે, વધુ ત્રણ મહિનાની તપાસની મુદ્દત આપતા પૂર્વે રાજકોટની ખાસ કોર્ટ દ્વારા આરોપીઓને સાંભળવામાં આવ્યા હતાં નહીં! આ મુદ્દાના આધારે એવી દલીલ કરાઈ હતી કે, આરોપીઓને સાંભળ્યા વગર જે એક્સ્ટેશન આપવામાં આવ્યું તે કાયદા બહાર છે. જ્યારે અકસ્ટેશન કાયદા મુજબ નથી તો પછી ચાર્જશીટ પણ ૯૦ દિવસમાં દાખલ થઈ એવું ગણી શકાય નહીં, આ પ્રકારની દલીલો આરોપીઓના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતે ગુજસીટોકના આ ચકચારી પ્રકરણમાં મુંબઈ હાઈકોર્ટના ‘મકોકા’ના એક જજમેન્ટને ધ્યાનમાં લીધું હતું જેમાં આરોપીઓને સાંભળ્યા વગર તપાસને એકસ્ટેશન આપવાની બાબતને કાયદા બહારની ગણાવવામાં આવી હતી આથી સુપ્રીમ કોર્ટે એ બાબત નજર સમક્ષ રાખી હતી કે, તપાસ માટે એક્સ્ટેશન આપતાં પહેલાં આરોપીઓને સાંભળવામાં આવ્યા નહીં હોવાથી ડિફોલ્ટ બેલ મંજૂર કરવામાં આવી છે.

આમ જામનગરના ઈતિહાસના સૌથી ચર્ચાસ્પદ ગુજસીટોકના પ્રકરણમાં બિલ્ડર, ઍડવોકેટ સહિત પાંચને લાંબા કાનૂની જંગ બાદ ડિફોલ્ટ બેલ મળી છે અને હવે આ પ્રકરણમાં તપાસનીશ પોલીસ તરફથી કાયદાકીય રીતે શું કરવામાં આવે છે? તેના પર બધાની નજર છે