ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને સોનાની દાણચોરી અંગેના ઓપરેશન ગોલ્ડ રશ અંતર્ગત એક ભારે મોટી સફળતા સાંપડી છે. ડીઆરઆઈ (DRI)ની ટીમે મુંબઈ બાદ પટના અને દિલ્હીમાંથી દાણચોરીના સોનાની ભારે મોટી ખેપ ઝડપી પાડી છે. સોનાની આ ખેપનું કુલ વજન 65.46 કિગ્રા છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત આશરે 33.5 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
દાણચોરીના સોનાના આ તમામ જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો છે જેમાં સોનાના 394 નંગ બિસ્કિટનો સમાવેશ થાય છે.
ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેમને મંગળવારના રોજ આ ખેપ અંગેની સૂચના મળી હતી. વિદેશી સોનાની આ ખેપ ડોમેસ્ટિક કુરિયર કન્સાઈનમેન્ટ તરીકે આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક તે સિન્ડિકેટનો પીછો કરીને કન્સાઈનમેન્ટને સૌથી પહેલા મહારાષ્ટ્રના ભિવંડી ખાતે ટ્રેક કરવામાં આવ્યું હતું. ટીમે 19મી સપ્ટેમ્બરના રોડ ત્યાંથી 19.93 કિગ્રા સોનું જપ્ત કર્યું હતું જેમાં સોનાના 120 બિસ્કિટનો સમાવેશ થતો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું મૂલ્ય આશરે 10.25 કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું હતું.
લોકેશન પરથી બીજા બે કન્સાઈનમેન્ટ ઝડપાયા
ડીઆરઆઈ ભિવંડીવાળા કન્સાઈનમેન્ટની તપાસ કરી રહી હતી તે સમયે કન્સાઈનર દ્વારા અન્ય 2 કન્સાઈનમેન્ટ્સ મોકલવામાં આવ્યા હોવાની જાણ થઈ હતી. તે બંને કન્સાઈનમેન્ટ મોકલવાનું અને રીસિવ થવાનું લોકેશન એક જ હતું. ત્યાર બાદ ડીઆરઆઈએ તે બંને કન્સાઈનમેન્ટ્સને વચ્ચે જ રોકી લીધા હતા. જેમાં બીજા કન્સાઈનમેન્ટને બિહારમાં અટકાવવામાં આવેલું જ્યારે અન્ય એક કન્સાઈનમેન્ટને દિલ્હીમાં અટકાવીને તમામ માલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉત્તર પૂર્વીય દેશોમાંથી મિઝોરમ આવી હતી ખેપ
ડીઆરઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે, સોનાની આ ખેપ ઉત્તર પૂર્વના દેશોમાંથી તસ્કરી દ્વારા સૌથી પહેલા મિઝોરમ પહોંચી હતી. ત્યાંથી તેને મુંબઈ મોકલવામાં આવી હતી. આ માટે તસ્કરોએ જાતે જવાના બદલે તેને કુરિયર કરી દીધી હતી. તસ્કરોએ એક નોવેલમાંથી પ્રેરણા મેળવીને સોનાની ખેપને ઠેકાણે પહોંચાડવા કુરિયર કંપનીનો ઉપયોગ કર્યો હતો.