2022માં મુખ્યમંત્રી રાહતફંડમાંથી અત્યાર સુધીમાં 8.5 કરોડની સહાય મંજૂર

  • કુલ 333 કેસમાં રાહત મંજૂર કરવામાં આવી, ગંભીર રોગોની સારવાર માટે અપાય છે ખર્ચ
  • સહાય માટે વાર્ષિક રૂ. 1 લાખની આવક મર્યાદાને વધારીને રૂ. 4 લાખ કરવામાં આવી

રાજ્યના નાગરિકોને ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે ઓપરેશનના ખર્ચમાં સહાયતા કરવા માટે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સહાય મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોની સુખાકારી તેમજ સ્વાસ્થ્ય માટે ત્વરિત કામગીરી થાય તે માટે યોગ્ય નિર્ણયો કરવામાં આવ્યા છે અને તેના લીધે નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી રાહતફંડમાંથી વર્ષ 2022માં સપ્ટેમ્બર મહિના સુધીમાં કુલ 306 કેસ માટે રૂ. 8.5 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

નાગરિકોની અરજી બાદ કિડની, કેન્સર, હૃદય અને લીવરના રોગોની સારવાર તથા ઓપરેશન માટે માન્ય હોસ્પિટલમાં નિર્ધારિત ખર્ચના અંદાજના 1/3 ભાગની સહાય મુખ્યમંત્રીના રાહતફંડમાંથી ચૂકવવામાં આવે છે. અગાઉ વાર્ષિક એક લાખની આવક ધરાવતા નાગરિકોને આ લાભ મળતો હતો પરંતુ રાજ્ય સરકારે હવે વધુ નાગરિકો સુધી લાભ પહોંચાડવાના ઉદ્દેશ્યથી જાન્યુઆરી 2022ના ઠરાવથી રૂ. 4 લાખની આવક મર્યાદા ધરાવતા નાગરિકોને પણ રાહત ફંડમાંથી સહાય ચૂકવવાનું મંજૂર કર્યું છે.

સહાયની વિગતો

તા.1/10/2011થી તા. 20/9/2022 સુધીના ગાળામાં કુલ 3,472 અલગ-અલગ કેસમાં રૂ. 36 કરોડથી વધુની સહાય મંજૂર કરવામાં આવી છે જ્યારે 1/1/2022થી 20/9/2022 સુધીમાં કુલ મંજૂર 333 કેસમાં રૂ. 8.9 કરોડની સહાય મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી નાગરિકોને ચૂકવવામાં આવી છે.

લાભાર્થીના પ્રતિભાવ

રાજકોટમાં રહેતા 61 વર્ષીય મંજુલાબેન વિઠ્ઠલભાઇ સરધારાને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું માટે તેમને રાહત ફંડમાંથી રૂ. 2,33,000 મંજૂર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તબીબોના માર્ગદર્શનથી અને આ સહાયથી તેમને ઘણો ફાયદો થયો છે અને મુખ્યમંત્રી રાહત ફંડની સહાયની કામગીરી ખૂબ સારી છે.

અમરેલીના બાબપુરમાં રહેતા 21 વર્ષીય કેયુરભાઈ રાજેશભાઇ ગોંડલિયાને હૃદયમાં ખામી સર્જાતા હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ હતી. આવા સમયે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 7,50,000ની સહાય મંજૂર થવાથી તેમને સારવારમાં મોટી રાહત થઈ હતી. કેયુરભાઈના પરિવારજનોએ આ સહાય માટે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.