ચાર કલાક સુધી દારૂ ભરેલી ટ્રકની સાથે ચાલતી બે ગાડીઓ કોની?

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ પહેલા એક ટ્રકમાંથી ૨૨ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડાને લઇને પોલીસ બેડામાં જ ભારે ચર્ચા જોવા મળી રહી છે. કારણ કે ચિલોડાથી દારૂ ભરેલી ટ્રકનો પીછો કરવામાં આવી રહ્યો હતો અને ટ્રક સીધી અમદાવાદ આવી શકે તેમ હતી. તેમ છંતાય, ટ્રકચાલક ટ્રકને વડાદરા એક્સપ્રેસ વે પરથી રખિયાલ શા માટે લાવ્યો?  અને ચિલોડાથી ટ્રકની સાથે રહેનાર બે ગાડીઓમાં ખરેખર સ્ટેટ મોનીટરીંગ સેલનો સ્ટાફ હતો? તે બાબતને લઇને અનેક સવાલ ઉભા થયા છે. જેથી આ દરોડો ખરેખર બાતમીને આધારે હતો કે અમદાવાદ પોલીસને ટારગેટ કરવા હતો? તે ચર્ચા હાલ પોલીસમાં મોટાપાયે છે.

ગત શુક્રવારે મોડી સાંજે રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે  દરોડો પાડીને એક ટ્રકમાંથી ૨૨ લાખનો દારૂ જપ્ત કર્યો હતો. જો કે મોનીટરીંગ સેલના આ દરોડાને લઇને અનેક ચર્ચા જાગી છે. જેમાં રખિયાલ પોલીસને ટારગેટ કરવા માટે ચોક્કસ ઇરાદાથી ટ્રકને રખિયાલ લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં દરોડો પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ ખુદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાનગીમાં કરવામાં આવ્યો છે.  રાજસ્થાનથી જ્યારે દારૂ ભરેલી ટ્રક ચિલોડા પહોંચી ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની કે કોઇ બાતમીદારની બે ગાડીઓ ટ્કની પાછળ હતી. જેના સીસીટીવી પણ અમદાવાદ પોલીસના સ્ટાફે જપ્ત કર્યા છે. સામાન્ય રીતે ચિલોડાથી નરોડા થઇને ટ્રકને અમદાવાદમાં લાવી શકાય તેમ હોવા છંતાય, ટ્ક શંકાસ્પદ રીતે એક્સપ્રેસ હાઇવે તરફથી વડોદરા જાય છે અને બપોરના  સાડા ત્રણ વાગે એક્સપ્રેસ વે પરથી અમદાવાદ આવે છે અને ત્યાંથી તે રખિયાલ જાય છે. આ દરમિયાન પણ બે શંકાસ્પદ કાર ટ્રકની પાછળ હતી. બંને સ્થળના સીસીટીવીમાં દેખાય છે. બાદમાં ટ્રકને રખિયાલ લાવ્યા બાદ દરાડાની કામગીરી થાય છે.

સામાન્ય રીતે ક્વોલીટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઇ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જો ટ્રકનો પીછો કરનાર કાર ખરેખર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓની હોય તે તેમણે ગાંધીનગર, વડોદરા કે ખેડાની હદમાં કેમ ટ્કને કેમ ન રોકી?   જે બાબતને લઇને અમદાવાદ શહેર પોલીસ અને સ્ટેટ મોનીટરીંગ સેલ વચ્ચે હાલ ખટરાગ શરૂ થયો છે અને આ મામલો ડીજીપી આશિષ ભાટિયા સુધી પહોંચ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ ટ્કમાંથી દારૂ જપ્ત કરાયો તેના થોડા દિવસ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડાની કાર્યવાહી કરી હતી. પરંતુ, રેડ નીલ સાબિત થઇ હતી. ત્યારબાદ ટ્રકમાં દારૂ જપ્ત થવાની થવાની ઘટનાને એકબીજા સાથે સાંકળીને જોવામાં આવી રહી છે.