એલિઝાબેથ-2 ની અંતિમ વિધિ: સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અંગે વિવાદ

બ્રિટન સરકારે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ વિધિના કાર્યક્રમમાં સામેલ થવા માટે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને નિમંત્રણ આપ્યુ છે.

સીઆઈએના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે વર્ષ 2018માં તુર્કીના ઈસ્તાંબુલમાં સાઉદી કોન્સ્યુલેટમાં જાણીતા સાઉદી પત્રકાર જમાલ ખાશોજીની હત્યા કરી દેવાઈ હતી અને તેમના મૃતદેહને ટુકડામાં કાપી દેવાયા હતા. રિપોર્ટ અનુસાર આ હત્યા સાઉદી ક્રાઉન પ્રિન્સના આદેશ પર થઈ હતી.

સાઉદી ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરબ સરકારે આ આરોપોથી ઈનકાર કર્યો હતો પરંતુ આ રિપોર્ટ સામે આવ્યા બાદથી પશ્ચિમી દેશોમાં તેમને એક જાલિમ શાસક તરીકે જોવામાં આવ્યા અને તે બાદથી અત્યારસુધી તેમણે બ્રિટનનો પ્રવાસ પણ કર્યો નથી.

બ્રિટનમાં હાજર સાઉદી દૂતાવાસના એક પ્રવક્તાએ પુષ્ટિ કરી કે આ સપ્તાહ રવિવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ લંડન પહોંચશે. જોકે એમબીએસના નામથી જાણીતા સાઉદી ક્રાઉન પ્રિન્સ મહારાણીની અંતિમ વિધિના કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં તેની હજુ પુષ્ટિ થઈ શકી નથી.

સાઉદી અરબ બ્રિટનનુ મહત્વનુ સહયોગી

જમાલ ખાશોજીના મંગેતર હેતીજ ચંગેજએ કહ્યુ છે કે આ નિમંત્રણ મહારાણી એલિઝાબેથ દ્વિતીયની યાદ પર એક કલંકની જેમ હશે. તેમણે કહ્યુ કે જ્યારે સાઉદી યુવરાજ લંડનની જમીન પર ઉતરે ત્યારે તેમની ધરપકડ કરવી જોઈએ.

કેમ્પેઈન અગેન્સ્ટ ધ આર્મ્સ ટ્રેડ નામના સંગઠને સાઉદી ક્રાઉન પ્રિંસ અને ખાડી દેશોના બીજા તાનાશાહ દેશો પર મહારાણીની અંતિમવિધિના કાર્યક્રમનો ઉપયોગ પોતાના માનવાધિકાર રેકોર્ડને ઢાંકવા માટે કરવાનો આરોપ લગાવ્યો છે.

આ સંગઠનનુ કહેવુ છેકે આઠ વર્ષ પહેલા યમનમાં શરૂ થયેલી તબાહીના યુદ્ધથી લઈને અત્યાર સુધી બ્રિટન સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધનને 23 અરબ ડોલરના હથિયાર આપી ચૂક્યુ છે.

વર્ષ 2017માં મોહમ્મદ બિન સલમાન ક્રાઉન પ્રિંસ બન્યા. ત્યારથી લઈને અત્યારસુધી દેશના નેતાઓને થોડીઘણી રાજકીય સ્વતંત્રતા મળી હતી તે પણ હવે ખતમ થઈ ગઈ છે. સરકારની ટીકા કરનારા એટલે સુધી કે સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ નાખનારાને પણ ત્યાં જેલની સજા આપવામાં આવે છે.

પરંતુ વિટંબળા એ છે કે એક તરફ જ્યાં લોકોની આઝાદી છીનવવાના સમાચાર આવી રહ્યા છે ત્યાં ક્રાઉન પ્રિન્સએ સામાજિક ઉદારીકરણની એક ઝુંબેશ શરૂ કરી છે. દેશમાં લાંબા સમયથી સિનેમા અને સાર્વજનિક સ્થળો પર મનોરંજનની સુવિધાઓ પર લાગેલી રોકને હટાવી દેવાઈ છે.