ડોમેસ્ટિકમાંથી કોર્મશીયલ સિલિન્ડરમાં રીફીલીંગ કરતી માતા પકડાઇ, પુત્ર વોન્ટેડઃ નાના-મોટા 13 સિલિન્ડર અને વજન કાંટો કબ્જે લીધા
સુરત, અમરોલી-કોસાડ આવાસના ગેટ પાસેથી નેશનલ ગેસ રીપેરીંગ નામની દુકાનમાં ગેર કાયદેસર રીતે ડોમેસ્ટિકમાંથી કોર્મશીયલ સિલિન્ડરમાંથી ગેસ રીફીલીંગ કરતા હોવાનું ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરોલી પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસ એચ 2 ગેટની બાજુમાં ઝુપડામાં નેશનલ ગેસ રીપેરીંગ નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત દુકાન નજીકની દિવાલ પાસેથી નૌસાદાબી ફારૂક શેખ (ઉ.વ. 55 રહે. કોસાડ આવાસ, અમરોલી) ને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરમાંથી એલ્યુમિનીયમની પાઇપ વડે કોર્મશીયલ સિલિન્ડરમાં રીફીલીંગ કરતા નજરે પડી હતી.
પોલીસે દુકાનમાંથી વજન કાંટો ઉપરાંત કોર્મશીયલ યુઝના 19 કિલોગ્રામના ચાર બોટલ ભરેલા અને 2 ખાલી બોટલ જયારે ડોમેસ્ટિક યુઝના 7 કિલોગ્રામના 2 અને 5 કિલોગ્રામના 3 તથા 2 કિલોગ્રામના 1 ખાલી બોટલ મળી આવ્યા હતા.
નૌસાદાબીની પૂછપરછમાં પુત્ર ફરીદ ફારૂક શેખ સાથે મળી ડોમેસ્ટિક યુઝના સિલિન્ડરમાંથી કોર્મશીયલ યુઝના સિલિન્ડરમાં ગેસ રીફીલીંગ કરતા હોવાની કબૂલાત કરતા કુલ 13 નંગ બોટલ મળી કુલ રૂ. 14,500 તથા વજન કાંટો મળી કુલ રૂ. 16 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે નૌસાદાબીની અટકાયત કરી હતી જયારે તેના પુત્ર ફરીદને વોન્ટેડ જાહેર કર્યો છે.