લોકજીવનમાં વધતા તણાવને અંકુશમાં લેવો જરૂરી

દેશના આમજનને ખબર નથી કે મંદીનું અભિનવ અર્થશાસ્ત્ર શું છે? એણે તો પરિવારજનોને આપવાના જવાબ માટેની તૂટતી જતી વાક્યરચનાઓનો વ્યાકરણથી નહીં પણ પોતાના આચરણે મેળ બેસાડવાનો હોય છે!

જિંદગી ભરપૂર પ્રસન્નતાનો ધોધ છે. જિંદગી એટલે જ જીવમાત્રને વહાલી છે કે એમાં આનંદનો અનુભવ થવાની શક્યતા છે. સહુ પોતપોતાની આશાએ જીવે છે, એવી આશા જે એને આનંદ અને પરિતોષ આપે. પરંતુ ક્યારેક આશા પર ચિંતાઓનું ધુમ્મસ બાઝી જાય છે. આશાને દૂર દૂર જોવાના નેત્રો છે અને ચિંતાના ધુમ્મસને તો નિકટનોય અંધાપો છે. તાજેતરમાં પ્રગટ થયેલા એક સર્વેક્ષણમાં એ વાત જાહેર થઈ છે કે ભારતીય પ્રજાના ૮૯ ટકા લોકો ચિંતાગ્રસ્ત જીવન પસાર કરી રહ્યા છે. એટલે કે મોટા ભાગના નાગરિકો કોઈ ને કોઈ માનસિક તણાવમાંથી બહાર આવવાની મથામણમાં છે. નોટબંધી, જીએસટી, કોરોના, લોકડાઉન, દંડ અને હવે પેટ્રોલિયમ પેદાશો સહિતની મોંઘવારીએ પણ આ તણાવ વધારવામાં યથાતથ યોગદાન આપેલું છે.

દેશમાં આટલી ઊંચી ટકાવારી તણાવગ્રસ્ત લોકોની હોય તો એ તંદુરસ્ત રાષ્ટ્રની નિશાની નથી. એક રાષ્ટ્ર તરીકે ભારતે ચિંતા કરવાનો આ સમય નથી, કારણ કે વિશ્વમાં ભારત સહિતના થોડાક જ દેશો છે કે જ્યાં વિદેશીઓ વિશ્વાસપૂર્વક રોકાણ કરી શકે. એ યાદીમાંથી ચીન અને રશિયાના નામ બાકાત થઈ ગયા છે. હજુ ભારતમાં અઢળક વિદેશી રોકાણો આવશે એમાં કોઈ શંકા નથી, પરંતુ પ્રજાજીવનનું ચિત્ર હજુ અલગ છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ તણાવ સાથે ઝઝૂમે છે. માનસિક તણાવ વધવો એ પણ ચિંતાનું કારણ એટલે છે કે મોટા ભાગના રોગનું મૂળ આ તણાવમાં હોય છે. અનેક શારીરિક સમસ્યાઓ પાછળ પણ તણાવ જવાબદાર હોય છે. રાજ્ય કે કેન્દ્ર સરકારનું આ સમસ્યા તરફ ધ્યાન નથી. હજુ કોરોનાની વિદાય જ થઈ છે, ચિરવિદાય બાકી છે. આંકડાઓ છપાતા રહે છે. મૃત્યુઆંક નામશેષ થયા નથી. કોઈ અમરપટ્ટો લખાવીને ભલે આવ્યું નથી, પરંતુ અકાળે અચાનક કાળની ગહન ખીણમાં સરી જવાનું કોઈને ગમતું નથી.

કોરોના કે કેન્સરનું નામ પડે કે તુરત પેશન્ટની હાલત એક પાંખ કપાઈ ગયેલા પતંગિયા જેવી થઈ જાય છે. આયુષ્યની અપંગતા એને ડરાવે છે. છતાં લાખો કિસ્સામાં પેશન્ટ ઔષધિ અને આત્મબળના સંયુક્ત સુયોગે બચી જાય છે. એને એનું હૂંફાળું ઘર અને વ્હાલા સ્વજનો પાછા મળે છે, વીંટળાઈ વળે છે. છતાં ચિંતાઓ પવનની લહેરોની જેમ જનજીવનમાં પ્રસરી રહી છે. વ્યાપક રીતે આમ આદમીમાં વધતા જતા તણાવને જો સમયસર અંકુશમાં લેવામાં નહીં આવે તો પ્રજાનો જીવન આનંદ તો હજુ ઘટતો જશે અને છેવટે મનોવૈજ્ઞાાનિક દર્દીઓની સંખ્યામાં અણધાર્યો વધારો થશે. આપણા દેશમાં હજુ આજે પણ મનોવૈજ્ઞાાનિક સલાહ કે સારવાર લેવામાં લોકો સંકોચ અનુભવે છે, જ્યારે યુરોપ- અમેરિકા જેવા ખંડના દેશોમાં તો એ સાવ સ્વાભાવિક ઉપક્રમ છે. બે કે ચાર સિટીંગમાં ત્યાંના નાગરિકો ફરી માનસિક સંતુલન પાછું મેળવી લે છે અને નિતાંત પ્રસન્નતાના પરિપૂર્ણ અનુભવ આપતી જિંદગીમાં પાછા ફરે છે.

આજે ભારતીય શહેરોમાં જે રીતે દોડધામભરી જિંદગી લોકો જીવી રહ્યા છે, તેમાં તેઓની દિનચર્યા બહારથી તો ગોઠવાઈ ગઈ હોય એમ લાગે છે, પરંતુ એ દોડધામ આખરે તણાવ વધારે છે. ઉદ્યોગો અને વ્યવસાયમાં ગળાકાપ સ્પર્ધાઓ અને જલદીથી બધુ હાંસલ કરી લેવાની તરસ એક વિરાટ શહેરી જનસમુદાયને તણાવ તરફ લઈ જાય છે. વિદ્યાર્થીઓમાં પણ ભણવા માટે અને પરીક્ષા સમયે તણાવ સવાર થઈ જાય છે. માનસિક તંગદિલી એટલી વધી જાય છે કે ક્યારેક વાલીઓ અસમંજસમાં મુકાઈ જાય છે કે આવું તે ભણવાનું હોય કંઈ? આમાં કેટલાક વાલીઓ ખુદ પણ દોષિત હોય છે. તેઓએ જ વારંવાર ચાબુક મારીને પોતાના સંતાનોને રેસમાં ઉતારવા માટે તૈયાર કરેલા હોય છે.

જેમનામાં પ્રતિભા કેળવાઈ ગયેલી છે તેઓ આસમાનને સ્પર્શે એનો વાંધો નથી, પરંતુ એક ક્ષેત્રની પ્રતિભાને જ્યારે બીજા ક્ષેત્રમાં ધક્કો મારીને દોડાવવામાં આવે છે ત્યારે એક તો તેઓ ઠોઠ પુરવાર થાય છે અને પછી નિરાશાની ગહન ગર્તામાં સરી પડે છે. રોજગારી અને યોગ્ય જીવનસાથી ન મળવા બદલની તંગદિલી પણ અલગ જ પ્રકારની હોય છે. અત્યારે સર્વેક્ષણ પ્રમાણે વૃદ્ધજનોમાં તણાવનું પ્રમાણ વધારે નોંધાયું છે, કારણ કે છેલ્લા દસ વરસમાં દુનિયા સાવ બદલાઈ ગઈ છે. આગામી પાંચ જ વરસમાં હજુ પણ ટેકનોલોજીકલ એવા પરિવર્તનો આવવાનાં છે કે આધેડ વયના લોકો પણ સ્તબ્ધ થઈ જવાના છે.

સામાજિક રંગરૂપ પણ બદલાઈ રહ્યાં છે. બહુ વિચાર કર્યા વિના ઉતાવળે ગોઠવાયેલાં લગ્ન ટકતાં નથી અને ટકવાનાં નથી. વરપક્ષ અને કન્યાપક્ષ દરેક છૂટાછેડાના કેસમાં દિગ્મૂઢ થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીઓ તરફી કાયદાઓનો દુરુપયોગ થતાં વરપક્ષ પાયમાલ થઈ જાય છે. સમાજ બધું જુએ છે અને બધું જાણે છે. પાત્રપસંદગીમાં ગોથું ખાધું હોય એમની આત્મકથા છપાતી ન હોવા છતાં લોકજીભે વિખ્યાત થઈ જતી હોય છે. આજકાલ જેમ્સ હેડલી ચેઈઝ અને ગુલશન નંદાની કથાઓના વિકલ્પમાં આવી દિલધડક વાસ્તવિક આત્મકથાઓ જ બહુ સંભળાય છે. સમાજમાં ચિંતાની આ એક નવી અભિવૃદ્ધિ છે. હવે ટૂંકા દામ્પત્ય પછીના છૂટાછેડાના કિસ્સાઓ નોંધપાત્ર સંખ્યાએ પહોંચ્યા છે.

બીજી તરફ, દુનિયા બે-ત્રણ વરસના અંતરાય પછી પૂરપાટ વેગે આગળ વધવા લાગી છે. જે લોકોમાં નિત્ય નૂતન શીખવાની અને એ પ્રમાણે ઉત્સાહપૂર્વક કામ કરવાની તમન્ના નથી તેમને હવે આ જગત હાંસિયામાં મૂકી દે છે. હાંસિયામાં મૂકાવું એ વળી એક અલગ પ્રકારના તણાવની સ્થિતિ છે. ભારતના આમ આદમીનું અર્થતંત્ર જે વ્યક્તિગત ધોરણે છેલ્લાં થોડાક વરસોમાં ડિસ્ટર્બ કરવામાં આવ્યું છે તેને માટે આમજનની તો કોઈ સાવધાની કે તૈયારી ન હતી અને એકાએક જ એની માથે આ સમયસંયોગોનો પહાડ આવી ચડયો છે. દરેક વ્યક્તિની કામ કરવાની અને તેની આવડતની મર્યાદા હોય છે. ભારતીય પ્રજાને ભલે ભારે કષ્ટ સાથે પણ એ તો હવે ખબર પડી જ ગઈ છે કે પરિવાર માટેનું આર્થિક આયોજન વ્યવસ્થિત હોવું એ જ જીવનની મુખ્યધારા છે.

દેશના આમજનને ખબર નથી કે મંદીનું અભિનવ અર્થશાસ્ત્ર શું છે? એણે તો પરિવારજનોને આપવાના જવાબ માટેની તૂટતી જતી વાક્યરચનાઓનો વ્યાકરણથી નહીં પણ પોતાના આચરણે મેળ બેસાડવાનો હોય છે. આમજનની આ વ્યથિત મનઃસ્થિતિમાં ઘટાડો કરી આપે એવો કોઈ તેજસ્વી તારકસમૂહ અત્યારે તો ભારતીય ક્ષિતિજે દેખાતો નથી. માનસિક તણાવ તરફ જાગૃતિનો પણ અભાવ છે. દેશમાં કરોડો લોકો એવા છે કે જેઓને મનોવૈજ્ઞાાનિક ઉપચારની જરૂર છે છતાં તેઓ તેની ઉપેક્ષા કરે છે. પરિણામ એ આવે છે કે સ્વસ્થ મનોસ્થિતિ ન હોવાના કારણે નવી નવી બિમારીઓ તેઓના શરીરમાં પ્રથમ અતિથિની જેમ અને પછી કાયમી ઘર કરી જાય છે.

ભારતીય પ્રજાનો એક મોટો સમૂહ લોહીના ઊંચા દબાણ, શારીરિક સ્થૂળતા અને મધુપ્રમેહનો સામનો કરી રહ્યો છે. ભારત સરકારે આજથી પાંચ-સાત વરસ પહેલાં પહેલીવાર રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય નીતિની શરુઆત કરેલી છે, પરંતુ એનું કામ બહુ મંથર ગતિએ ચાલે છે. અનેક સરકારી યોજનાઓની જે હાલત છે તે જ માનસિક સ્વાસ્થ્ય નીતિની હાલત છે. સરકારનું જો જનસામાન્યમાં વધતા જતા તણાવ તરફ ધ્યાન નહીં જાય અને સમયસર પગલા નહીં લેવાય તો સંકટ વધશે એમ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કહ્યું છે.

Alpviram