આઉટસોર્સ, કરારી, રોજમદાર કર્મચારીઓની હડતાલ : રેલી અને ધરણાં

મામુલી વેતનમાં વર્ષોથી થતાં શોષણ સામે રોષભેર આવેદનપત્ર : રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગોંડલ, સાવરરુંડલા, કાલાવડ, લાઠી વગેરે શહેરોમાં સરકારની નીતિ-રીતિ સામે વિરોધ પ્રદર્શન

રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓમાં આઉટસોર્સ, કરાર આધારીત અને રોજમદાર કર્મચારીઓ કરી રહ્યા છે. પણ તેઓને સાવ મામૂલી વેતન આપવામાં આવે છે અને એ પણ નિયમિત આપવામાં આવતું નહીં હોવાથી કારમી મોંઘવારીના સમયમાં પરીવારનો જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બની ગયો છે. જેથી સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં લાવતા અંતે રાજે રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પીડિત કર્મચારીઓએ હડતાળ પાડવા સાથે રેલી, ધરણાં, આવેદનપત્ર સહિતનાં આંદોલનનાં મંડાણ કર્યા હતા.

  1. રાજકોટ જિલ્લાનાં આઉટસોર્સ, કરાર આધારીત અને રોજમદાર કર્મચારીઓએ આજે એક દિવસની હડતાલ પાડીને કલેક્ટર કચેરી ખાતે ધરણાં કર્યા હતા અને તેઓને કાયમી સરકારી કર્મચારી જેવા લાભ આપવા સહિતની માંગણીઓ સાથેું આવેદનપત્ર આપ્યું હતું.
  2. અમરેલી જિલ્લામાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કર્મચારીઓનાં થઈ રહેલા શોષણ વિરૂદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપીને સાત માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી.
  3. જૂનાગઢ જિલ્લાનાં આઉટસોર્સ કર્મચારીઓ અને રોજમદારોએ આજે સરદાર બાગથી કલેક્ટર કચેરી સુધી રોષભેર રેલી કાઢીને શોષણકારી નીતિ નાબૂદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.
  4. ગોંડલમાં આજે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે કામગીરી બંધ કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા.
  5. સાવરકુંડલા મામલતદાર કચેરીમાં આજે આઉટસોર્સિંગ કર્મચારીઓએ તેઓનું શોષણ થતાં હોવાના આક્રોશ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.
  6. કાલાવડ તાલુકાનાં આઉટસોર્સ અને કરાર આધારીત તમામ કર્મચારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને આજથી હડતાલ છેડવામાં આવી હતી અને સીધા સરકાર તરફથી નિમણુંક કરવાની માગણી કરાઈ હતી.
  7. લાઠી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં આજે તા.૧૭મીએ સવારથી આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી હતી.
  8. સાવરકુંડલા નગરપાલિકાનાં કર્મચારીઓએ આજે સમાન વેતન, 7મું પગારપંચ, પેન્શન યોજના, બઢતી વગેરે માંગણીઓ સાથે માસ સી.એલ. ઉપર ઉતરીને આંદોલનનાં મંડાણ કર્યા હતા.
  9. તાલાલા નગરપાલિકાનાં 100 જેટલા કર્મચારીઓ દ્વારા આજે સરકારી કર્મચારી ગણવા, જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ સાથે સામૂહિક રજા લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.