બેન્કોને લોન નહીં ભરતા ઉદ્યોગગૃહો પર કથાકાર રમેશભાઈ ઓઝાનો કટાક્ષ

ઋણમ્ કૃત્વા ઘૃતમ્ પીબેત્ : દેવું કરો અને જલસા કરો : સુધરાઈ કહે છે ચોમાસાને લીધે ગંદકી, આશા રાખીએ શિયાળામાં સ્વચ્છ રહેશે:  કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું ગાય એટલે ઘી,દૂધ જ નહીં,ગોબરમાં પણ સારા ગુણ 

રાજકોટ, :પ્રાચીન ભારતના  દાર્શનિક ચાર્વાકની ભૌતિકવાદી વિચારધારાની અભિવ્યકિત કરતા પ્રચલિત સૂત્ર ઋણમ્ કૃત્વા  ઘૃતમ્ પીબેત્ નો ભાગવત કથા દરમિયાન ઉલ્લેખ કરીને વ્યાસપીઠ પરથી જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે આજે આપણુ અર્થતંત્ર આ વાક્યા પર જ ચાલે છે. દેવું કરવું પડે તો કરીને પણ સુખપૂર્વક જીવો પછી ઉપર કોણ માંગવા આવવાનુ છે કહીને તેમણે બેન્કોમાંથી ઉદ્યોગપતિઓ લોન લે તે જરૂરી છે પરંતુ, પછી ચૂકવવી પણ જોઈએ તેમ કહીને તેમણે દેશમાં અબજો રૂ।.ની લોન નહીં ચૂકવતા ઉદ્યોગપતિઓ પર પરોક્ષ અને વેધક કટાક્ષ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ નાણાં પરસેવાની કમાણીમાંથી સામાન્ય નાગરિકે બચાવેલી મુડી છે.

મોરબીમાં સૂરજબાગથી માંડીને ઠેરઠેર ગંદકીના ગંજથી લોકો ત્રાહીમામ છે. ગંદકીની વ્યાપક ફરિયાદો છે તે લોકોની વ્યથાને પણ કથામાં વણી લેવાઈ હતી. કથામાં સુધરાઈ પ્રમુખ હાજર હતા તેમણે ભાઈશ્રીને  હાલ શહેરમાં ગંદકી માટે  ચોમાસાની સીઝન ચાલી રહી હોય સાફસફાઈ બરાબર નહીં થતી હોવાનું કારણ આપતા શ્રી રમેશભાઈ ઓઝાએ  રમૂજ સાથે કહ્યું, શિયાળામાં  હું ફરી આવીશ અને મોરબી સંપૂર્ણ સ્વચ્છ જોવા મળશે તેવી આશા છે. તેમણે કહ્યું પ્રજાને મફતની ટેવ પડે, હાથ લાંબો કરવો પડે એ ખોટુ છે અને રોજગારી ન મળે તે પણ ખોટુ છે. સરકારની જવાબદારી છે રોજગારી આપવાની.

કથામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું કે ગાયનું નામ સંભળાય એટલે દૂધ,દહીં,ઘી છાશ જ દેખાય પરંતુ, ગાયના ગોબરમાં પણ ઉત્તમ ગુણો છે. રાજકોટના સંસદસભ્ય,રાજ્યસભાના સભ્ય, ધારાસભ્ય, ત્રણ મંત્રીઓ, ઈફકો ચેરમેન સહિત અનેક ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર હોય કથા જાણે ભાજપના નેતાઓનો મેળાવડો બની ગયો હતો.