ભૂજ તા. 26-9, અમદાવાદ 30-9, સુરત 2-10 ચોમાસા વિદાયની નોર્મલ તારીખ : સુરતમાં પાંચ દિવસ, રાજકોટ,અમદાવાદ સહિત સ્થળે કાલે વરસાદની બાદમાં વાદળિયા હવામાનની આગાહી, ભારે વરસાદની ચેતવણી નથી
રાજકોટ, : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ગત સપ્તાહથી મુશળધાર વરસાદ વરસાવનાર અને કૃષિપાકનં ચિત્ર સુધારી દેનાર મેઘરાજા હજુ વિદાય લેવાના મુડમા ન હોય તેમ આજે મૌસમ વિભાગે બે દિવસ પછી તા. 18ના બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના પગલે ભારે વરસાદ લાવતી લો પ્રેસર સીસ્ટમ સર્જાવાની શક્યતા જાહેર કરી છે.
દેશમાં નૈઋત્યના ચોમાસાની સૌપ્રથમ વિદાય રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરથી થતી હોય છે, જે ઈ. 1901થી 1940 ના સમયમાં એકંદરે તા.1 સપ્ટેમ્બરે અને ઈ.સ. 1971થી 2019 સુધીના પચાસ વર્ષમાં હવે તા. 17 સપ્ટેમ્બરે વિદાય લે છે. આ અન્વયે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ બદલાઈ છે (1) રાજ્યમાં સૌ પ્રથમ ભૂજ અને તેની લાઈનદોરીમાં આવતા વિસ્તારોમાં તા. 15ને બદલે 26 સપ્ટેમ્બરે (2) અમદાવાદ સુધી તા. 22 સપ્ટ્ેમ્બરને બદલે તા. 30 સપ્ટેમ્બરે (3) છેલ્લે સુરતમાં તા. 25 સપ્ટેમ્બરને બદલે 2 ઓક્ટોબરે ચોમાસુ પાછુ ખેંચાવાની નોર્મલ તારીખ જાહેર કરાઈ છે. આ, પેટર્ન જળવાઈ રહે તો નવરાત્રિમાં વરસાદની શક્યતા છે.
સ્થાનિક મૌસમ વિભાગે આગામી તા. 22 સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી નથી પરંતુ, સુરતમાં પાંચ-છ દિવસ હળવો-મધ્યમ વરસાદ વરસતો રહેવાની, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત સ્થળોએ આવતીકાલે વરસાદની અને ત્યારબાદ પાંચ દિવસ એકંદરે વાદળછાયુ હવામાન રહેવાની અને છૂટાછવાયા ઝાપટાંની શક્યતા છે. દ્વારકામાં તા. 17, 18 વરસાદની અને બાદમાં અંશતઃ વાદળિયા હવામાનની આગાહી છે.રાજ્યમાં હજુ જ્યાંથી ચોમાસુ આવે છે તે નૈઋત્યનો પવન ફૂંકાઈ રહ્યો છે.
દરમિયાન ભારે વરસાદ વરસાવનાર વેલમાર્ક્ડ લો પ્રેસર સીસ્ટમ મધ્યપ્રદેશથી ખસીને ઉત્તર પ્રદેશ તરફ ગઈ છે. દક્ષિણ ગુજરાતના કાંઠા સુધી હજુ લો પ્રેસર અને ટ્રોફ સહિતની સીસ્ટમ સક્રિય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીસ્ટમ પણ જારી છે. આમ, ચોમાસુ રાજ્યમાં હજુ સક્રિય છે.