વિધાનસભા ચુંટણીના બ્યુગલ વાગવામાં જ છે ત્યારે પોરબંદરનું સુકાન કોના હાથમાં ? આ પ્રશ્ન પ્રત્યેક પોરબંદર વાસીને થતો હોય છે, જો કે તેનો સાચો જવાબ મતગણત્રી બાદ જ સામે આવશે પરંતુ રાજકીય વિચારકો, સમાચાર માધ્યમો અને આમ જનતામાં અટકળો જરૂર થતી હોય છે.
પોરબંદરમાં આમ તો બે જ પક્ષો વચ્ચે પ્રતિસ્પર્ધા હોય છે પરંતુ આ વખતે સ્પર્ધામાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાતમાં આપના ભવિષ્યનું કહી ન શકાય પણ પોરબંદરમાં આપ પાસે કોઈ સક્ષમ ઉમેદવાર નથી,
ભાજપની વાત કરીએ તો વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા રીપીટ થાય, સામે કોંગ્રેસ પણ પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રીપીટ કરશે, વાત કરીએ પાર્ટીઓના લોકતંત્રની તો મીનીમમ ત્રણ ઉમેદવારોના નામની પેનલ રાજકીય પક્ષો તૈયાર કરતા હોય છે. ત્યારે ભાજપની પેનલમાં કોણ હશે ? અને કોંગ્રેસની પેનલમાં કોણ સંભવિત હશે એ જાણવું રોમાંચક બની જાય.
ભારતીય જનતા પાર્ટીની પેનલ અને કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષોની પેનલ હજુ સામે આવવામાં વાર છે પરંતુ કુલ દસેક મુરતિયા આ સ્વયંવરમાં ભાગ લેવા માટે ઉત્સુક હોઈ શકે છે. અને હશે પણ ખરા !!
પાંચથી છ દાવેદારો ભાજપમાં છાને છુપકે રણનીતિઓ તૈયાર કરી રહ્યા છે જો કે ભાજપ પાર્ટીના સંગઠનમાં આંતરીક અનુશાશન હોવાથી પાર્ટી આદેશ કરે ત્યારબાદ અન્ય દાવેદારોના દાવાઓ મુલતવી થઇ જતા હોય છે, ભાજપમાં ભાગ્યે જ ટીકીટનો અસંતોષ સામે આવે છે.
ભાજપા જો નો-રીપીટ પોલીસી લાગુ કરનાર હશે તો ભાજપમાંથી સંભવિત નામોમાં રાજ્યસભાના સાંસદ એવા રામ મોકરીયાનું નામ આગળ આવી શકે આ ઉપરાંત પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સંગઠનના શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, પોરબંદર છાયાં સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારિયાના નામ આગળ આવી શકે છે.
અન્ય તટસ્થ નામો એટલે કે ભાજપ અથવા કોંગ્રેસ અથવા અન્ય રાજકીય પક્ષોના નામોમાં કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા ભાઈ જાડેજાના ધર્મપત્ની શ્રીમતી હિરલબા જાડેજા, ખારવા સમાજના વાણોત પવન શિયાળ અને મહિલા અગ્રણી જ્યોતિ મસાણીના નામ ઉભરી શકે તેમ છે.
કોંગ્રેસ પાર્ટીમાં જો કોઈ મોટા ફેરફાર ન થાય તો અર્જુનભાઈ મોઢવાડિયા અને જો ફેરફાર થાય તો લાખણશી ગોરાણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ કારીયા અથવા અન્ય નામો ઉભરી શકે છે.
પોરબંદરની સીટ બે ટર્મ ભાજપ પાસે તો બે ટર્મ કોંગ્રેસ પાસે રહેવાના ઈતિહાસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને માટે કટોકટી ભરી સ્થિતિ છે. ૨૦૧૭ ની વિધાનસભામાં આ સીટ પર ભાજપ ૧૮૫૦ મતે જીત્યું હતું જે ૨૦૧૯ ની લોકસભા મુજબ જોઈએ તો ભાજપને આ સીટ પર ૫૧ હજાર મતની લીડ હતી, આ સિવાય પંચાયતો અને પાલિકાઓને પણ જોડવામાં આવે તો જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકામાં કોંગ્રેસનું પ્રદર્શન સારું ન રહ્યું, પરંતુ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે.
આગળ જતાં અનેક સર્વે અને રીસર્ચ સામે આવશે પરંતુ પ્રાથમિક સમીક્ષામાં પોરબંદરમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને ઉમેદવાર બદલવા એ જોખમથી જરાય ઓછું ના કહી શકાય.