૧૯૮૬-૮૭ માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીની સરકારમાં ૧૯૮૯ માં અવતરણ પામેલ આ કાયદાના ફાયદા અને ગેરફાયદા અંગે ૨૦૧૭-૧૮ માં સુપ્રીમકોર્ટમાં એક અપીલ થયેલી જેની સુપ્રીમે સમીક્ષા કર્યા બાદ કાયદામાં કેટલાંક ફેરફારો કરતો આદેશ જારી કર્યો હતો. આદેશથી નારાજ લાભાર્થીઓએ વિરોધપક્ષની અગવાઈ માં દેશમાં મોટે પાયે આંદોલનો કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સુપ્રીમકોર્ટના આદેશને રદ કરતો ખાસ વટહુકમ બહાર પાડીને કોર્ટના આ કાયદાને લગતા તમામ આદેશો રદ કર્યા હતા. બાદમાં ચોમાસું સત્રમાં જ લોકસભામાં સંશોધન બીલ લાવીને કાયદાને વધુ કઠોર બનાવવામાં આવ્યો.
આ કાયદો પણ અન્ય કાયદાઓની તુલનામાં મહાન છે અને ભારતના કેટલાંક પ્રદેશોમાં તેના દુરુપયોગની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે ઉત્તરપ્રદેશમાં કેટલાંક સફાઈ કર્મીઓએ મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને લેખિતમાં એક ફરીયાદ કરી છે કે “સન્માનથી પેટ નથી ભરાતું” લોકો અમને કામ નથી આપતા જેનાંથી અમારા ઘરની હાલત દયનીય બની છે. આ ઘટના બાદ એટ્રોસિટી એક્ટ ફરી આખા દેશની ચર્ચામાં આવ્યો છે.
કાયદાના દુરુપયોગમાં ભારતમાં પ્રથમ જીલ્લો પોરબંદર આવે છે. ભારતના અન્ય જીલ્લાના મુકાબલે પોરબંદરમાં પ્રતિ વર્ષ ૧૬-૧૭ કેસો નોંધાય છે. જેમાંથી ૯૭.૫ % કેસો કોર્ટમાં સાબિત થતા નથી. પોરબંદરમાં આ કાયદાના દુરુપયોગ અંગે જાગૃત નાગરીકોએ જીલ્લા મેજીસ્ટ્રેટ ને આવેદનો પાઠવી ને રજૂઆત કરતાં જીલ્લા મેજીસ્ટ્રેટે જીલ્લા પોલીસવડાને લેખિત આદેશ કરવો પડેલો કે પોરબંદરમાં નોંધાતા કેસોની સચ્ચાઈ તપાસવામાં આવે. આ અંગે ખાતાકીય તપાસ કદાચ ચાલુ પણ હશે પરંતુ વાત કરીએ એના દુરુપયોગની તો પોરબંદરની કેટલીક ઘટનાઓ પર નજર કરવી પડે.
પોરબંદર ના એક બરફ બનાવતા કારખાનાના માલિક પર એટ્રોસિટી નોંધાયેલ કાયદામાં રહેલ જોગવાઈ મુજબ તે માલિક દોષિત હતો કે નિર્દોષ એ કોર્ટ પર નિયત હતું પરંતુ લોકચર્ચામાં એ માલિક નિર્દોષ હોવાનું સરેઆમ ચર્ચાઈ રહ્યું હતું. આઠ-દસ દિવસની જેલ કાપીને જેવા એ માલિક બહાર આવ્યા કે આનન ફાનનમાં એણે તુરંત એનું બરફનું કારખાનું બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો અને એની અસર એ પડી કે અન્ય ૨૦૦ જેટલા મજૂરો કામ વિહોણા થઇ ગયા.
ગીર સોમનાથ, જુનાગઢ, વેરાવળ અને ઉતર ગુજરાતમાં ખેત મજુરી, કડિયા કામ, હાથ લારી જેવા વ્યવસાય સાથે જોડાયેલા અને જે એટ્રોસિટી કાયદાથી સરક્ષિત નથી તેવા લોકો આ કાયદાનું કવચ પહેરેલા લોકોને કામ આપતા ન હોવાની ત્યાં રીતસર ચર્ચાઓ ચાલે છે. પોરબંદરમાં પણ આવી એક લહેર ચાલે છે જેમાં કોને કામ આપવું અને કોને ન આપવું એની કામ આપનારાઓમાં સમીક્ષા થાય છે. પોરબંદરના એક ટ્રાવેલ્સ માલિક પર થયેલી એટ્રોસીટીની અસર પણ આવી જ રહી તે માલિકે ડ્રાઈવર અને ક્લીનરની આખી ટીમ બદલાવી નાંખી અને પેસેન્જરોમાં પણ ટીકીટ ઓનલાઈન મેળવવાની સલાહ ત્યાંથી આપવામાં આવે છે.
પોરબંદર વસતા એક કોળી પરીવારની દીકરીને ઉઠાવી જનારા લોકો સાથે તે પરીવાર રજૂઆત કરવા ગયો તો આખા પરીવાર વિરુધ્ધ આ મહાન કાયદા હેઠળ ફરીયાદ થતા પરીવારે દીકરી જતી કરવી પડી એટલું જ નહી આ આખા પરીવારને દિવસો સુધી જેલમાં પણ રહેવું પડ્યું.
પોરબંદર જેવા નાનકડા જીલ્લામાં આવા મહાન કાયદાના દુરુપયોગથી લાભાર્થી સમાજ પણ હરકતમાં આવ્યો છે અને સમાજનો બુદ્ધિજીવી વર્ગ સમીક્ષા કરી રહ્યો છે કે દુરુપયોગ થાય છે તો કરે છે કોણ ? અને તેવા લોકોને શોધીને સમજાવવામાં આવી રહ્યા છે કે સમસ્ત સમાજને નુકશાન થાય તેવા ફાયદા તરફ આગળ ન વધો.
વાત કરીએ કાયદાની જોગવાઈની તો ગેર અનુસુચિત સમાજના લોકોમાં એવી ચર્ચા છે કે કાયદામાં જે પુનર્વસન આર્થિક લાભ છે તેને મેળવી લેવા આવા કાયદા હેઠળ ફરીયાદનો ઝોંક વધે છે, ઉપરાંત આવા કાયદામાં માત્ર તેવા લોકો જ સંડોવાય તેવું નથી, તંત્રના કેટલાંક લોકોનો પણ આમાં સિંહફાળો છે. ખાસ કરીને હોસ્પીટલમાં જે ખોટી ઈજાઓના સર્ટીફીકેટ આપવામાં આવે છે, આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓને તેની આસપાસના લોકો ગેરમાર્ગે દોરતા હોવાનું તેમજ બાદમાં આરોપી સાથે મોટી નાણાંકીય લેવડદેવડ અથવા માંગ થતી હોવાનું પણ છાને ખૂણે સામે આવી રહ્યું છે.
કાયદો મહાન છે અને જો કોઈને જાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવતા હોય તો આવા કાયદાનો ઉપયોગ અતિ જરૂરી છે પરંતુ ચેપ્ટર કેસમાં પણ જેની ગણના ના થાય તેવી બાબત જયારે એટ્રોસિટીમાં પરીણમે ત્યારે એની અસર બંને પક્ષે થાય ખાસ કરીને એવા લોકોને જેઓ પ્રતિષ્ઠા માટે પોતાના સિદ્ધાંતોને વળગીને ચાલતા હોય.
ઉત્તરપ્રદેશમાં ઉઠેલા આ અવાજની ગંભીર અસર ગુજરાતમાં વધુ પડશે, હાલ જયારે આખો દેશ નાણાંકીય કટોકટી કાળમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે પ્રત્યેક લોકોને કામ અને રોજગારની જરૂર છે અને જો દેશનો એક મોટો તબકો આ રીતે આર્થિક બરબાદ થાય તો સમાનતા ને બદલે અસમાનતા વધુ ઘેરી બને છે તેને ઇનકાર કરી ન શકાય. કાયદાની આડ અસર સરકારી ઓફીસોમાં પણ જોવા મળે છે અને કોર્ટ કચેરીમાં પણ જોવા મળે છે, વાત કરીએ પોરબંદર બાર એશોસિએશનની તો ૩૫ વર્ષ બાદ પાતળી બહુમતીથી પ્રમુખ તરીકે અનુ. જાતિના પ્રતિષ્ઠિત વકીલ ચૂંટાઈ આવ્યા હતા અને મહજ ત્રણ-ચાર મહિના બાદ તેઓએ રાજીનામું આપી દીધું.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ત્રિપુરા, મેઘાલય જેવા રાજ્યોમાં આદિવાસી નેતાઓ પણ માને છે કે કાયદાની જરૂર જંગલમાં વસતા આદિવાસીઓને વધુ છે જયારે તેનો ઉપયોગ શહેરોમાં વસતા સુખી સંપન્ન લોકો વધુ કરતા હોવાથી લાગે છે કે કાયદામાં જે પુનર્વસન આર્થિક જોગવાઈ છે તેનો લાભ લેવાઈ રહ્યો છે. ગેર અનુસુચિત જાતિના લોકોનું માનવું છે કે કાયદાને વધુ કઠોર ભલે બનાવવામાં આવે પરંતુ તે જો માત્ર સન્માન અને અપમાનને લગત હોય તો આ કાયદામાંથી આર્થિક પુનર્વસન જોગવાઈ દુર કરવામાં આવે તો જ કાયદાના દુરુપયોગને અટકાવી શકાય.
ત્યારે અગાઉ સુપ્રીમ કોર્ટે જે સમીક્ષા કરી હતી તે સમીક્ષા કરવાની ફરજ સરકારને પાડવા માટે કેટલાંક સંગઠનો સક્રિય થયા છે, કાયદાનો વિરોધ કોઈને નથી પરંતુ કાયદાના દુરુપયોગનો વિરોધ હવે ઠેર ઠેર ઉઠી રહ્યો છે.
અગાઉનો એક લેખ અત્રે પ્રસ્તુત છે
તા. 1 ઓગસ્ટ 2018, બુધવાર
માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે એટ્રોસિટીના કાયદામાં કેટલાક સુધારા કર્યા હતા, જેને પગલે એપ્રીલ મહિનામાં દલિતો દ્વારા દેશભરમાં ભારત બંધ પાળવામાં આવ્યો હતો અને અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. વિવાદ વચ્ચે સરકાર પર દલિત સંગઠનોએ કેટલીક માગ મુકી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વટહુકમની માગ કરી હતી. કેન્દ્ર સરકારે આ સ્થિતિ વચ્ચે નક્કી કર્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટવામાં આવશે અને કાયદાને તેના મુળ સ્વરુપમાં જ રહેવા દેવામાં આવશે. આ માટેના સંશોધનને કેબિનેટ દ્વારા મંજુરી પણ આપવામાં આવી છે. હવે આ બિલને સંસદમાં રજુ કરવામાં આવશે.
થોડા દિવસ પહેલા ભાજપના સમર્થક પક્ષ એલજેપીના પ્રમુખ રામ વિલાસ પાસવાને ચીમકી આપી હતી કે જો સરકાર આ મામલે બિલ નહીં લાવે તો ૯ ઓગસ્ટે આક્રામક રીતે આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત અનેક દલિત સંગઠનોની પણ માગણી હતી કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવવા માટે સરકાર વટહુકમ કે બિલ લાવે. ભીસમાં આવેલી સરકાર હવે અંતી બિલ લાવી છે.
આ ચોમાસુ સત્રમાં જ આ બિલને સંસદમાં રજુ કરવામાં આવશે. માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે એટ્રોસિટી કાયદાનો દુરુપયોગ થઇ રહ્યો હોવાના કેસ પણ સામે આવી રહ્યા છે. આવા કેસમાં નિર્દોશ તેનો ભોગ ન બને માટે તાત્કાલીક એફઆઇઆર દાખલ કરવાને બદલે ઉપરી અદિકારીની મંજુરી લેવી. સાથે સુપ્રીમ કોર્ટે જામીનની પણ જોગવાઇ કરી હતી.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે સરકાર નારાજ દલિતોને મનાવવા માટે હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવવા માટે બિલ સંસદમા રજુ કરશે તેવા અહેવાલો છે. વિપક્ષ અત્યાર સુધી દલીલ કરતો રહ્યો છે કે સરકારે એટ્રોસિટી એક્ટ મુદ્દે સુપ્રીમમાં મજબુતીથી પોતાનો પક્ષ રજુ નથી કર્યો. જેને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો અને કાયદો નબળો પડયો. વિપક્ષે એમ પણ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર ધીરે ધીરે અનામત ખતમ કરવા માગે છે. જોકે મોદી આ વાતને નકારી રહ્યા છે. હવે આ બિલ અંગે લોકસભામાં ચર્ચા કરવામાં આવી શકે છે.