ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ગુજરાતના સુકાની બદલવાની સાથે જ આરંભ થઈ ચુકી હતી, ભાજપા દ્વારા સુકાની બદલીને પાટીદારોને હસતગત કરવાની કોશિષ સામે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ સાથે સાથે જ પ્રસ્થાપિત થઈ ચુકી હતી. કોંગ્રેસ જો કે જૈસે થે મુજબ ન તો આક્રમક બની છે ન સરકારની દાવેદાર!! મજબૂત વિરોધપક્ષનું કામકાજ ગુજરાતમાં કોંગ્રેસ પાસેથી ખસીને આમ આદમી પાર્ટી પાસે ધકેલાઈ ગયું છે જેના બે મજબૂત આધાર છે, પોલીસ કોન્સ્ટેબલ નો પગાર વધારો અને તલાટીઓને સહાય પેકેજ. બીજી તરફ કોંગ્રેસનો એવો કોઈ મજબૂત વિરોધ સામે નથી આવ્યો જેને સરકારે લાગુ કરવો પડે.
આ પરિસ્થિતિમાં પણ કેટલાંક ચૂંટણી વિશ્લેષકો માને છે કે ગુજરાતમાં સત્તા પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, તો કેટલાંક વિશ્લેષકો દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકાર યથાવત રહેશે. જો કે એ નિર્વિવાદ છે કે મોદીજીએ ગુજરાતનું સુકાન છોડ્યા પછી ભાજપ સો સીટનો આંક પાર કરી શકી નથી અને ૨૦૧૭ માં તો આ આંક સો સીટથી પણ નીચો ગયો છે ત્યારે કોંગ્રેસની મશાલ (ધારાસભ્ય તોડ જોડ) વિના ભાજપનો અંધકાર ગુજરાતમાંથી પ્રકાશ બની શકે તેમ નથી. બીજી તરફ પંજાબની ચૂંટણી જીતવાના મદમાં આપ ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવાના પ્રયાસોમાં છે પરંતુ સત્તા હસ્તગત કરવાથી તે યોજનો દૂર છે. જાણકારોના મતે ગુજરાતમાં સ્પર્ધા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. જો કોંગ્રેસ જગદીશ ઠાકોર, અર્જુન મોઢવાડીયા, અમરીશ ડેર જેવા નેતાઓને ગુજરાતમાં મજબૂત તાકાત આપે તો કોંગ્રેસ ૧૧૦-૧૫ સીટો સુધી પહોંચી શકે પરંતુ ત્યારબાદ તોડ જોડ જોઈએ તો પલડું ભાજપ તરફ નમે છે. આવા સંજોગો માં આપનું જોર શહેરી વિસ્તારમાં વધી રહ્યું હોવાથી ડર કોંગ્રેસ કરતા ભાજપને વધુ છે કેમકે ભાજપનો મત વિસ્તાર પણ અર્બન છે.
ગ્રામ્ય લેવલે કોંગ્રેસનો તોડ લગાતાર ત્રીસ વર્ષ સત્તામાં રહ્યા બાદ પણ ભાજપના નેતાઓ પાસે નથી તેથી સી. આર. પાટીલ અને અમિત શાહના ૧૫૦+ દાવા માં કોઈ વજુદ પણ નથી. એક સર્વે જોઈએ તો કોંગ્રેસ તેની ગત ચૂંટણીમાં હતી એટલી સીટો જાળવી રાખે અને આપ કેટલીક સીટો મેળવી જાય તો ભાજપની સીટો ઘટે તેમ છે પરંતુ જ્યાં સુધી ભાજપને માત્ર ૫૦ કે તેથી ઓછી સીટો પર સીમિત કરવામાં ના આવે ત્યાં સુધી ભાજપને સત્તા બહાર કરવાનું સપનું સપનું જ છે.
આમ આદમી પાર્ટી દાવા ભલે કરે, કેટલીક સીટો પર તે ઉમેદવાર જાહેર પણ કરી ચુકી છે પરંતુ તેમાંથી એક પણ ઉમેદવાર એવા નથી કે જેને ચૂંટણી પહેલા જીતના ઉમેદવાર તરીકે ગણી શકાય, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, સાગર રાયકા, કરશન કરમુર એવા ઉમેદવાર ખરા જે આપ માટે મત બટોરી શકશે. આ સિવાય કોંગ્રેસ પાસે પણ રીપીટ કરવા જેવા ઉમેદવારની લાઈન લાંબી છે, જેથી દરેક વખતની જેમ કોંગ્રેસ માટે આ વખતે પણ ટિકિટ વિતરણ એ માથાના દુખાવા સમાન છે અને કોંગ્રેસ માટે આ તક પણ છેલ્લી છે. જો આપનો ઝોક ગ્રામ્યમાં વધે અને કોંગ્રેસ નબળું પ્રદર્શન કરવામાં વધુ એકવાર કામિયાબ નીવડે તો ગુજરાત કોંગ્રેસ મુક્ત બની જતા વાર પણ નહીં લાગે.
ભાજપ લોકો માટે ગમે તેવી ત્રાસદાયક હોય તો પણ પાર્ટી નું આંતરિક અનુસાશન અને હિન્દુ – મુસ્લિમ ગતિરોધ ભાજપની મુખ્ય તાકાત છે. બીજીતરફ કોંગ્રેસ લોકો માટે ગમે તેવી ફાયદાકારક હોય તો પણ તોડ જોડ અને આંતરિક અનુસાશનની કમી કોંગ્રેસ દૂર કરી શકી નથી. ભાજપના બજરંગદળ સામે કોંગ્રેસના તત્કાલીન નેતા શંકરસિંહ વાઘેલાએ શક્તિદળ ની સ્થાપના કરેલી પરંતુ સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલની દખલઅંદાજીથી કોંગ્રેસ હાઈ કમાન્ડે શક્તિદલ પ્રોજેક્ટ ને પડીકું વારી દીધેલું.
એ નિર્વિવાદ સત્ય છે કે ગામડાઓમાં ચોથી પેઢીનો મતદાર કોંગ્રેસ પાસે છે પરંતુ એ પણ હકીકત નકારી શકાય નહીં કે સમયની સાથે બદલાવ કરવામાં કોંગ્રેસ ખુબ જ પાછળ છે. આપે પણ દિલ્હીમાં જય શ્રી રામ ની સામે જય બજરંગબલી નારો બુલંદ બનાવીને ભાજપને વિધાનસભા થી જોજનો દૂર કરી દીધી. પશ્ચિમ બંગાળમાં ખેલા હોબે નારા સામે ભાજપ રીતસર ઘૂંટણીયા ભેર થઈ ગયેલી. ગુજરાતમાં વિરોધપક્ષ પાસે અશોક ગહેલોત, ભૂપેશ બધેલ કે નીતીશ કુમાર જેવા નેતાઓની કમી છે એ કોંગ્રેસ સિવાય બધાને દેખાય છે.
ગુજરાતના ઇતિહાસમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી એ જોતા આમ આદમી પાર્ટી ત્રણથી સાત સીટ મેળવવામાં સફળ રહે તો પણ સત્તા પરિવર્તન શક્ય નથી, બીજીતરફ કોંગ્રેસ ૧૧૦-૧૫ સીટ મેળવે તો પણ સત્તા પરિવર્તન સંભવ નથી, ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવાના બે જ રસ્તા છે, એક ભાજપનો સંપૂર્ણ સફાયો (જે શક્ય નથી) અને બીજો ભાજપને ૪૦+ ન થવા દેવી (આ અશક્ય પણ નથી) અને યોગાનુયોગ ગુજરાતના વિરોધપક્ષો પાસે આ બે માર્ગ સિવાયના બીજા સેંકડો માર્ગ છે.
આપ જેટલી મીડીયા અને સોશિયલ મીડિયામાં છે તેટલી ધરાતલ પર નથી, કોંગ્રેસ જેટલી ગ્રામ્યમાં મજબૂત છે તેટલી શહેરોમાં નથી અને ભાજપ જેટલી શહેરોમાં મજબૂત છે તેટલી ગ્રામ્યમાં નથી, આ જોતા સરકારની નારાજગી ગ્રામ્ય સુધી પહોંચી છે અને ગામડાઓ ધારે તો ભાજપને સત્તા બહાર કરી પણ દે પરંતુ કોંગ્રેસ એના ધારાસભ્યો પક્ષપલટો નહીં કરે એવો વિશ્વાસ લોકોમાં પ્રસ્થાપિત કરી શકી નથી ત્યારે વિધાનસભા ૨૦૨૨ માં નવી બોટલમાં જૂનો શરાબ મુજબ પાર્ટીના પ્રતીકો બદલાશે પરંતુ ઉમેદવારો મોટાભાગે જેમના તેમ જ રહેવાની સંભાવના છે.
વાત કરીએ ચમત્કારની તો નીતિન પટેલ, વજુભાઈ વાળા, શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, વિજયભાઈ રૂપાણી અને ભરત સોલંકી આ વખતના ગુજરાતના ચમત્કાર કરી શકે તેવા નેતા છે. જેને નકારી શકાય નહીં.