પોરબંદર જિલ્લાના ૧૦ કરોડથી વધુના ૪૪૮ કામોને પ્રાથમિક મંજુરી

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળના વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષપદે તા.૨ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સેવા સદન-૧ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં પોરબંદર જિલ્લામાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવિધ યોજનાઓમાં થયેલ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તળેની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ના (૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ, ૫ ટકા પ્રોત્સાહક, ખાસ પછાત વિસ્તાર ધેડ, ધારાસભ્યશ્રી જોગવાઇ, એ.ટી.વી.ટી, રાષ્ટ્રીય પર્વ) વિકાસના ૪૪૮ કામો માટે રૂ.૧૦ કરોડથી વધુના કામોને પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સાંસદ સભ્યશ્રીના સ્થાનિક વિસ્તાર વિકાસ માટેની જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રી દ્રારા કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવેલ હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને વિકાસલક્ષી કામો સમયસર શરૂ કરી દેવા અને પાછલા વર્ષના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરશ્રી અશોક શર્માએ વિકાસના કામોની રૂપરેખા આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. જિલ્લા આયોજન અધિકારીશ્રીએ સંકલિત માહિતી રજૂ કરી હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુબેન કારાવદરા, સાંસદશ્રી રામભાઇ મોકરિયા, પોરબંદરના ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિ.કે.અડવાણી, નગરપાલિકા તથા તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.